Tuesday, May 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેલની બહાર આવતાં જ સંજય રાઉતના સૂર બદલાયા: દેવેન્દ્ર ફડણવીસનાં વખાણ કર્યાં,...

    જેલની બહાર આવતાં જ સંજય રાઉતના સૂર બદલાયા: દેવેન્દ્ર ફડણવીસનાં વખાણ કર્યાં, કહ્યું- પીએમ મોદી અને અમિત શાહને પણ મળીશ

    પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને મળવાનું કહીને સંજય રાઉતે ઉમેર્યું કે, હું તેમને મળીને કહીશ કે મારી સાથે શું-શું બન્યું છે.

    - Advertisement -

    પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સાંસદ સંજય રાઉતને જામીન મળતાં મુક્ત થયા છે. ત્રણ મહિના બાદ જેલમાંથી બહાર આવેલા સંજય રાઉતે એક તરફ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ તેઓ ફડણવીસ સરકારનાં વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવાની પણ વાત કરી હતી. 

    જેલમાંથી બહાર આવીને સંજય રાઉતે કહ્યું કે, અમે વિરોધ કરવા ખાતર વિરોધ નહીં કરીએ. જો તેમણે સારાં કામો કર્યાં હોય તો તેનું સ્વાગત થવું જોઈએ. હાલની સરકારે પણ અમુક સારાં કામો કર્યાં છે. જે નિર્ણયો દેશહિતમાં હોય એનું સ્વાગત થવું જોઈએ. હું ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયોનું સ્વાગત કરું છું. જલ્દીથી તેમની સાથે મુલાકાત પણ કરીશ. 

    સંજય રાઉતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાની વાત કરી હતી. તેમણે કહ્યું, “હું તેમને મળીને કહીશ કે મારી સાથે શું-શું બન્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, ગૃહમંત્રી આખા દેશના હોય છે, કોઈ એક પાર્ટીના નહીં.

    - Advertisement -

    તેમણે કહ્યું કે, મારી ધરપકડ ગેરકાયદેસર હતી અને કોર્ટે પણ એમ કહ્યું છે. એમ પણ ઉમેર્યું કે, જેમણે મારી સામે ષડ્યંત્રો રચ્યાં, તેઓ ખુશ હોય તો થવા દો. મારે ઘણું ભોગવવું પડ્યું છે.”  જોકે, સંજય રાઉતે કહ્યું હતું કે, તેઓ કોઈને પણ દોષ આપવા માંગતા નથી. તેમણે કહ્યું, મારા મનમાં કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જાતની ફરિયાદ નથી. હું આખી વ્યવસ્થાને કે કોઈ કેન્દ્રીય એજન્સીને દોષ આપીશ નહીં. 

    સંજય રાઉતે આગળ કહ્યું કે, જેલમાં રહેવું સરળ નથી. આ સમય મારા અને મારા પરિવાર માટે કઠિન રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, રાજ ઠાકરેએ કહ્યું હતું કે મારે જેલમાં જવું પડશે અને તેમણે એકલા-એકલા વાત કરવાની ટેવ પાડવાની સલાહ પણ આપી હતી. આજે હું કહું છું કે મેં એકલા જ પોતાની સાથે વાત કરી હતી. તેમણે સાવરકર અને લોકમાન્ય તિલકનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેઓ પણ જેલમાં રહ્યા હતા અને એકલા જ રહ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ મામલે સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. 102 દિવસ બાદ કોર્ટે તેમને જામીન આપતાં મંગળવારે બહાર આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં