Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદી નેપાળની મુલાકાતે : સંબોધનમાં વડનગરને યાદ કર્યું, રામમંદિરને લઈને કહ્યું-...

    પીએમ મોદી નેપાળની મુલાકાતે : સંબોધનમાં વડનગરને યાદ કર્યું, રામમંદિરને લઈને કહ્યું- તેના નિર્માણથી નેપાળના લોકો ખૂબ ખુશ 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ ખૂબ ખુશ છે.” 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે (16 મૅ 2022) નેપાળની એક દિવસીય મુલાકાતે ગયા હતા. તેમણે નેપાળના લુમ્બિનીની મુલાકાત લીધી હતી અને બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. નોંધનીય છે કે પીએમ મોદી નેપાળના વડાપ્રધાન શેર બહાદૂર દેઉબાના આમંત્રણ પર નેપાળની યાત્રાએ ગયા હતા. પીએમની આ પાંચમી નેપાળ મુલાકાત હતી. 

    પીએમ મોદીએ નેપાળના લુમ્બિનીમાં આયોજિત બુદ્ધ જયંતિ સમારોહમાં ભાગ લીધો હતો. તેમની સાથે નેપાળના વડાપ્રધાન અને તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને ત્યાં ઉપસ્થિત લગભગ 2500 લોકોને સંબોધિત કર્યા હતા. 

    સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “આ પહેલાં પણ મને વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલાં દિવ્ય સ્થળો પર જવાની તક મળી છે. અને આજે ભારતના મિત્ર નેપાળમાં ભગવાન બુદ્ધના પવિત્ર જન્મસ્થળ લુમ્બિનીમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે.” તેમણે કહ્યું કે, “માયાદેવી મંદિરમાં દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે અવિસ્મરણીય છે. જે જગ્યાએ સ્વયં ભગવાન બુદ્ધે જન્મ લીધો હોય ત્યાંની ઉર્જા, ત્યાંની ચેતના એક અલગ જ અનુભૂતિ કરાવે છે.” 

    - Advertisement -

    વડાપ્રધાને કહ્યું, “નેપાળ વગર અમારા રામ પણ અધૂરા છે. હું જાણું છું કે આજે જ્યારે ભારતમાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તો નેપાળના લોકો પણ ખૂબ ખુશ છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને નેપાળના વડનગર કનેક્શનને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું, “જે સ્થળે મારો જન્મ થયો તે ગુજરાતનું વડનગર સદીઓ પહેલાં બૌદ્ધ શિક્ષણનું બહુ મોટું કેન્દ્ર હતું. આજે પણ ત્યાં પ્રાચીન અવશેષો મળી રહ્યા છે અને જેના સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં અનેક શહેરો, સ્થળો એવા છે જેને લોકો ગર્વ સાથે તે રાજ્યના કાશીના સ્વરૂપમાં જાણે છે. તેથી કાશી નજીક સારનાથમાં મારી આત્મીયતા તમે પણ જાણો છો. ભારતમાં સારનાથ, બૌદ્ધગયા અને કુશીનગરથી લઈને નેપાળમાં લુમ્બિની સુધી, આ પવિત્ર સ્થળો આપણા વારસા અને મૂલ્યોના પ્રતીક છે.” 

    તદુપરાંત, વડાપ્રધાને કહ્યું, “મને જાણીને આનંદ થયો કે જે સ્થળ માટે 2014 માં મેં મહાબોધિવૃક્ષનો છોડ ભેટ આપ્યો હતો તે હવે વૃક્ષ બની રહ્યો છે. પશુપતિધામ હોય, મુક્તિધામ હોય, જનકપૂર ધામ હોય કે લુમ્બિની હોય, જ્યારે-યારે નેપાળ આવવાનું થાય છે ત્યારે નેપાળ આશીર્વાદથી કૃતાર્થ કરી દે છે.”

    નેપાળના વડાપ્રધાનના નિમંત્રણ પર નેપાળની મુલાકાતે ગયેલા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા યાત્રા પહેલાં જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ભારત અને નેપાળના સબંધો અદ્વિતીય છે.’ તેમણે બંને દેશો વચ્ચેના સબંધો વધુ ઊંડા કરવા અંગે પણ વાત કરી હતી. ઉપરાંત તેમણે બંને પક્ષ જળવિદ્યુત, વિકાસ અને સંપર્ક સહિતના મુદ્દે સાથે આવે તેવું આહવાન કર્યું હતું. 

    અહીં એ પણ નોંધવું જોઈએ કે હાલના દિવસોમાં નેપાળ બહુ ચર્ચામાં રહ્યું છે. થોડા દિવસો પહેલાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો પાર્ટી કરતો વિડીયો વાયરલ થયો હતો, જે નેપાળના એક ક્લબનો હતો. રાહુલ ગાંધી તેમની મિત્રના લગ્નમાં સામેલ થવા માટે નેપાળની મુલાકાતે ગયા હતા. તેમની સાથે એક ચીની યુવતી પણ જોવા મળી હતી, જેના વિશે ચર્ચા ચાલી હતી કે તે ચીનની રાજદૂત હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં