હોમપેજદેશઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક...

ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં ભારતીય સિમ, સપ્લાય કરનાર નેપાળી નાગરિક દિલ્હીથી પકડાયો: ISI માટે કામ કરતો હોવાનો ઘટસ્ફોટ

આરોપીએ મહારાષ્ટ્ર અને બિહારમાંથી 16 સિમકાર્ડ ખરીદ્યાં હતાં. જેમાંથી 11 પાકિસ્તાનના લાહોરના બહાવલપુરમાં વોટ્સએપ પર સક્રિય જોવા મળ્યાં હતાં.

- Advertisement -

નેપાળમાં તાજેતરમાં મોટી રાજકીય અસ્થિરતા ચાલી રહી છે. આ દરમિયાન ભારતમાં એક નેપાળી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે, જે ISI સાથે સંકળાયેલો હતો અને ભારતમાં જાસૂસી માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને મદદ કરી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે તે ભારતીય સિમકાર્ડની હેરાફેરી કરતો હતો. પહલગામના આતંકવાદી હુમલા બાદ જ્યારે ઑપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું ત્યારે ભારતીય સિમકાર્ડ પાકિસ્તાનમાં એક્ટિવ હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ગુપ્ત માહિતી મળી હતી કે ભારતીય સિમકાર્ડનો દુરુપયોગ પાકિસ્તાનમાં થઈ રહ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નેપાળનો એક વ્યક્તિ આ સિમકાર્ડ ખરીદીને ISIના એજન્ટોને પહોંચાડતો હતો. આ વ્યક્તિ ભારતમાંથી સિમ કાર્ડ ખરીદતો, તેને નેપાળ મોકલતો અને ત્યાંથી પાકિસ્તાનમાં સપ્લાય કરતો હતો. આ સિમકાર્ડનો ઉપયોગ ભારત વિરુદ્ધ ગુપ્તચર માહિતી એકત્ર કરવા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો.

આરોપીની ઓળખ પ્રભાત કુમાર ચૌરસિયા તરીકે થઈ છે. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 43 વર્ષીય ચૌરસિયાએ મહારાષ્ટ્રના લાતુરમાં તેનું આધારકાર્ડ કઢાવ્યું હતું. જેના પર તેણે મહારાષ્ટ્ર અને બિહારમાંથી 16 સિમકાર્ડ ખરીદ્યાં હતાં. જેમાંથી 11 પાકિસ્તાનના લાહોરના બહાવલપુરમાં વોટ્સએપ પર સક્રિય જોવા મળ્યાં હતાં.આ સિમકાર્ડનો ઉપયોગ ભારત વિરુદ્ધ જાસૂસી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે હતો. ઉલ્લેખનીય છે કે બહાવલપુરમાં મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર આવેલું છે, જે ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરમાં ફૂંકી માર્યું હતું.

- Advertisement -

પોલીસે જણાવ્યું કે ISIએ ચૌરસિયાને અમેરિકન વિઝાની લાલચ આપી હતી, જેના બદલામાં તે આ ગેરકાયદેસર કામગીરીમાં સામેલ થયો હતો. અહેવાલ અનુસાર આરોપી મૂળ નેપાળના બીરગંજનો રહેવાસી છે. તે પૂર્વ દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાં રહેતો હતો. તે નેપાળના કાઠમંડુમાં વ્યવસાય કરતો હતો, તેનો ધંધો ભાંગી પડતાં તે ISI સાથે જોડાયો હતો.

ધરપકડ દરમિયાન પોલીસે ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત સામગ્રી ધરાવતા અનેક સિમકાર્ડનાં બિલ જપ્ત કર્યાં છે. ACP કૈલાશ બિષ્ટ અને નિરીક્ષકો રાહુલ કુમાર અને વિનીત તેવતિયાની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ધરપકડ બાદ ચૌરસિયા પર ભારતીય દંડ સંહિતાની કલમ 61(2)/152 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અહેવાલ અનુસાર ચૌરસિયાએ ISIને જે સિમકાર્ડ સપ્લાય કર્યાં હતાં તે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં એક્ટિવ હતાં. ચૌરસિયાના સાથીદારોને ઓળખવા, કુરિયર નેટવર્કને શોધી કાઢવા અને સંડોવાયેલા વિદેશી હેન્ડલરોને પકડવા માટે તપાસ ચાલી રહી છે. તેમની પૃષ્ઠભૂમિની પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુનાહિત સામગ્રી ધરાવતાં ડિજિટલ ઉપકરણોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં