વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સ્થાનિક હિંદુઓએ આરોપ લગાવ્યા છે કે તેમના વિસ્તારમાં મુસ્લિમ કિશોરો દ્વારા શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેવામાં ડભોઈ દશાલાડ વાડી લઘુમતીને વેચવા મુદ્દે કલેક્ટરને આવેદન આપયા બાદ આ પ્રકારની ઘટનાઓમાં વધારો થયો હોવાના આક્ષેપો પણ રહેવાસીઓ કરી રહ્યા છે. આવેદન આપ્યાની રાત્રે જ 20 જેટલા મુસ્લિમ કિશોરોએ તેમના રહેણાંક વિસ્તારમાં આવી ધમાલ મચાવી હતી. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ ટોળાએ લાકડીઓ લઈને વિસ્તારમાં બૂમાબૂમ કરી હતી અને નજીકમાં રહેતી મહિલા અને મંદિર તરફ લાકડી ફેંકી હતી.
દિવ્ય ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર નાગરવાડાના આમલી ફળિયાના રહેવાસીઓએ આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ મામલે ફળિયામાં જ રહેતા ઝીણાબહેન પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગુરૂવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાના અરસામાં જ્યારે તેઓ તેમના ઘરની બહાર ઊભાં હતાં તે સમયે મુસ્લિમ સમુદાયના આશરે 10થી 15 વર્ષના કિશોરોનું એક ટોળું લાકડી, સ્ટમ્પ અને પૂઠા લઈને બૂમબરાડા કરતું તેમના રહેણાંક વિસ્તાર તરફ ધસી આવ્યું હતું. તે લોકોએ એક લાકડી ઝીણાબહેન પર ફેંકી હતી અને બીજી લાકડી તેમના ઘરની સામે આવેલા ખોડિયાર માતાના મંદિર તરફ ફેંકી હતી.
વડોદરાના નાગરવાડા વિસ્તારમાં મુસ્લિમ કિશોરોના ત્રાસ બાબતે ઝીણાબહેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, “આ પ્રકારની હરકતો 2 વર્ષથી અમારા ફળિયામાં ચાલી રહી છે. તાજેતરમાં બકરી ઈદની આગલી રાત્રે તેઓ બકરીઓ લઈને આખા ફળિયામાં ફર્યા હતા. અવારનવાર છોકરાઓ આવે છે અને બૂમો પાડીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરે છે. થોડા દિવસ અગાઉ પણ છોકરાઓ આ રીતે આવ્યા હતા અને ફળિયામાં રમતી છોકરીને ધક્કો મારીને પછાડી દીધી હતી. અમે તેમનો પીછો કર્યો હતો, પણ તેઓ ભાગી ગયા હતા.” ઝીણાબહેને વધુમાં જણાવ્યું હતું કે, તેમના વિસ્તારની દરેક ગલી મુખ્ય રસ્તા તરફ નિકળે છે. તેઓ (મુસ્લિમ સમાજના લોકો) પહેલાં તેમના વિસ્તારની ગલીઓમાંથી જઈને જનાજા લઈને જતા હતા. જોકે છેલ્લા 3 મહિનામાં ફળિયામાંથી 3 જનાજા નીકળ્યા હતા અને જ્યારે જનાજા નિકળે છે ત્યારે તેઓ કોઈને તે ગલીમાંથી આવા-જવા પણ દેતા નથી.
અહેવાલમાં કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર ચેતન જાધવને ટાંકીને જણાવાયું છે કે, “ઝીણાબેને ગુરુવારે રાત્રે જે ઘટના બની તે માટે કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી અમારા પોલીસ મથકની પીસીઆર વેન પહોંચી હતી. જોકે ત્યાં કોઈ પણ વ્યક્તિ કે કિશોર ન મળી આવતાં અમે ફરિયાદ નોંધી નથી. તેઓએ જે ડભોઈ દશાલાડ ભવન અંગેની અરજી કલેક્ટરમાં કરી છે તે બાબતે કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી કરીશું.”
શું છે આખો વિવાદ
નોંધનીય છે કે વડોદરા શહેરના સંવેદનશીલ નાગરવાડા વિસ્તારમાં હિંદુ બહુમતી વિસ્તારને અડીને આવેલું ડભોઇ દશાલાડ ભવન મુસ્લિમ સમુદાયને વેચી દેવાના વિરોધમાં નાગરવાડા સંઘર્ષ સમિતી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નાગરવાડાના રહીશો અને હિંદુ સંગઠનો દ્વારા બનાવવામાં આવેલ સંઘર્ષ સમિતિ દ્વારા ડભોઇ દશાલાડ ભવનનો દસ્તાવેજ રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ દસ્તાવેજ રદ કરવામાં નહીં આવે તો નાગરવાડાની મહિલાઓએ આત્મવિલોપનની અને હિંદુ સંગઠનોએ રસ્તાઓ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી સમસ્ત દશાલાડ વાડીના વેચાણ સામે નાગરવાડાના રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે ચેરિટી કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરીને વેચાણ માટેના દસ્તાવેજો મેળવવામાં આવ્યા હતા. સ્થાનિકો હિંદુઓનું કહેવું છે કે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમને અને તેમના પરિવારોને આ વિસ્તારમાંથી બળજબરીપૂર્વક સ્થળાંતરનો સામનો કરવો પડશે.