મહારાષ્ટ્રમાં (Maharashtra) મુઘલ આક્રાંતા ઔરંગઝેબને (Aurangzeb) લઈને વિવાદ વધી રહ્યો છે. સમગ્ર મામલો છત્રપતિ સંભાજીનગરમાં (Chhatrapati Sambhajinagar) સ્થિત ઔરંગઝેબની કબર દૂર કરવા સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) પણ કહ્યું છે કે દરેક વ્યક્તિ માને છે કે છત્રપતિ સંભાજીનગરમાં સ્થિત ઔરંગઝેબની કબર દૂર કરવી જોઈએ, પરંતુ આ કામ કાયદાના દાયરામાં થવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને સતારાના ભાજપના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ કરી હતી. જ્યારે આ માંગ અંગે CM ફડણવીસને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “આપણે બધા એ જ ઇચ્છીએ છીએ, પરંતુ આ કાર્ય કાયદાના દાયરામાં રહીને કરવું પડશે કારણ કે તે એક સુરક્ષિત સ્થળ છે. કોંગ્રેસના શાસન દરમિયાન થોડા વર્ષો પહેલાં આ સ્થળ ASIના રક્ષણ હેઠળ આપવામાં આવ્યું હતું.”
ત્યારે આ મામલે કોંગ્રેસે પણ ભાજપ પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું કે “દેવેન્દ્ર ફડણવીસ ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દર વખતે કોંગ્રેસને દોષ આપવો યોગ્ય નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે પોતાનો નિર્ણય જાતે લેવો જોઈએ.” ઉલ્લેખનીય છે કે મરાઠા સામ્રાજ્યના બીજા શાસક અને છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ ‘છાવા’ રિલીઝ થયા બાદ આ વિવાદ શરૂ થયેલો છે.
આ ફિલ્મ રિલીઝ થયા બાદ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આસીમ આઝમીએ તાજેતરમાં જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આઝમીએ કહ્યું હતું કે, “ઔરંગઝેબ ક્રૂર શાસક નહોતા. તેમણે ઘણા મંદિરો બનાવ્યા અને તેમના શાસન હેઠળ ભારત ‘સોને કી ચીડિયા’ હતું. ઇતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે.” આઝમીએ એવો પણ દાવો કર્યો હતો કે ઔરંગઝેબ અને સંભાજી વચ્ચેની લડાઈ મજહબી નહીં પણ સત્તા માટે હતી.
નોંધનીય છે કે અબૂ આઝમીના વિવાદાસ્પદ નિવેદન બાદ મોટો વિવાદ ઉભો થયો હતો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આઝમી પર આકરા પ્રહાર કર્યા હતા. આઝમી સામે કેસ પણ નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અબુ આઝમીને 26 માર્ચે બજેટ સત્રના અંત સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.