Sunday, November 10, 2024
More
    હોમપેજદેશઇમરજન્સી વૉર્ડમાં તોડફોડ, ડૉક્ટરો પર હુમલા… કોલકાતાની RG કર હૉસ્પિટલમાં અડધી રાત્રે...

    ઇમરજન્સી વૉર્ડમાં તોડફોડ, ડૉક્ટરો પર હુમલા… કોલકાતાની RG કર હૉસ્પિટલમાં અડધી રાત્રે શું બન્યું?: પોલીસે સોશિયલ મીડિયાને આપ્યો દોષ, ભાજપે કહ્યું- TMCના ગુંડાઓની કરતૂત

    આ મામલે અમુક ડૉક્ટરોએ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ઉપદ્રવીઓને બહાર એકઠા થતા જોયા હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી.

    - Advertisement -

    કોલકાતાની RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને બંગાળ સહિત દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. બુધવારે (14 ઑગસ્ટ) મધ્ય રાત્રિએ કોલકાતામાં એક માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ માર્ચ દરમિયાન અડધી રાત્રે એક ટોળું RG કર હૉસ્પિટલમાં ઘૂસી ગયું અને તોડફોડ કરીને હુડદંગ મચાવ્યું હતું. 

    ઘટના રાત્રે લગભગ 12:40 વાગ્યે બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો કરનારાઓએ ઈમરજન્સી વૉર્ડ પણ છોડ્યો ન હતો અને દવાઓ તેમજ સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યા છે તેમાં ટોળાને હૉસ્પિટલ પરિસરમાં ઘૂસીને તોડફોડ કરતાં, પોલીસ વાહનોને નુકસાન પહોંચાડતાં અને હાજર ડૉક્ટરો સાથે મારપીટ કરતાં જોઈ શકાય છે. દરમ્યાન પથ્થરમારો પણ થયો હોવાનું કહેવાય છે. આ બધું બન્યું ત્યારે સ્થળ પર પોલીસ પણ હાજર હતી. 

    મીડિયા અહેવાલો અનુસાર, ટોળું પહેલાં હૉસ્પિટલની બહાર ઉભું હતું, ત્યારબાદ અચાનક અંદર ઘૂસી ગયું અને ઇમરજન્સી વૉર્ડમાં ઘૂસીને ફર્નિચરમાં તોડફોડ કરી હતી તેમજ દવાઓ સહિતની સામગ્રી નષ્ટ કરી નાખી હતી. સોશિયલ મીડિયા પર અમુક વિડીયોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તોડફોડ કરીને ધમાલ મચાવનાર આ ટોળું એક ટ્રકમાં આવ્યું હતું. 

    - Advertisement -

    ઘટના બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટિયર ગેસના સેલ પણ છોડ્યા અને ટોળાને વિખેરી નાખ્યું હતું. પોલીસ કર્મચારીઓ અનુસાર, ઘટના દરમિયાન પોલીસ વિભાગના અમુક કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. હાજર ડૉક્ટરો અનુસાર, ઉપદ્રવીઓએ લગભગ એક કલાક સુધી ધમાલ ચાલુ રાખી હતી. પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવેલી એક મહિલાએ કહ્યું કે, તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. 

    ડૉક્ટરોએ જણાવી આપવીતી 

    આ મામલે અમુક ડૉક્ટરોએ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ઉપદ્રવીઓને બહાર એકઠા થતા જોયા હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. જ્યારે ધમાલ શરૂ થઈ તો બચવા માટે પોલીસકર્મીઓ પણ પરિસરમાં આવી ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં શુભેન્દુ મલિક નામના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ઉપદ્રવીઓના કારણે વિરોધ પ્રદર્શન કરતા ડૉક્ટરોએ ભગવું પડ્યું હતું. હુમલો કરનારાઓએ ક્રાઇમ સીન જ્યાં છે તે ઈમારતમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી.”

    પોલીસે સોશિયલ મીડિયાને આપ્યો દોષ 

    બીજી તરફ, કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે દોષ ઓનલાઈન મીડિયા આઉટલેટ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર નાખ્યો હતો. તેમણે કહ્યું કે, “સોશિયલ મીડિયા પર અમુક ખોટી માહિતી અને ખોટા આરોપો ફરી રહ્યાં હતાં, જેના કારણે હુમલો થયો. હું પોલીસ કમિશનર તરીકે કહું છું કે કોઇને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા નથી. અમે તુરંત મુખ્ય સંદિગ્ધની ધરપકડ કરી લીધી હતી. અમે કહીએ જ છીએ કે અન્યો પણ હોય શકે છે અને તપાસ ચાલી રહી છે. પરંતુ પોલીસને બદનામ કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.”

    TMCના ગુંડાઓ મોકલવામાં આવ્યા, રાજ્યપાલ હસ્તક્ષેપ કરે: BJP 

    બીજી તરફ, ભાજપ નેતા સુવેન્દુ અધિકારીએ આરોપ TMC પર લગાવ્યો છે અને કહ્યું કે, મમતા બેનર્જીએ પાર્ટીના ગુંડાઓને મોકલ્યા હતા. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું કે, “તેઓ (મમતા) વિચારે છે કે તેઓ બહુ ચાલાક વ્યક્તિ છે અને લોકો તેમનો પ્લાન સમજી નહીં શકે. RG કર મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં તોડફોડ કરવા માટે ગુંડાઓને મોકલવામાં આવ્યા, જેથી તેઓ પ્રદર્શનકારીઓ સાથે ભળીને પ્લાનને અંજામ આપી શકે.” 

    તેમણે આગળ કહ્યું કે, “તેમને પોલીસ દ્વારા પણ રક્ષણ આપવામ આવ્યું, જેઓ ક્યાં તો ભાગી રહ્યા હતા અથવા એવો રસ્તો શોધી રહ્યા હતા, જેથી આ ઉપદ્રવીઓ હૉસ્પિટલમાં ઘૂસીને મહત્વના પુરાવાઓ નષ્ટ કરી દે, જેથી CBIના હાથ ન લાગે. પરંતુ TMCના ગુંડાઓ આ યોજનાને બરાબર અંજામ ન આપી શક્યા અને ડૉક્ટરોની ધરણાં માર્ચમાં ભળીને પોતાની ઓળખ છતી કરી દીધી. કોઇ પ્રદર્શનમાં આવેલ વ્યક્તિ શા માટે તેના મુખ્ય કેન્દ્રને જ નુકસાન પહોંચાડશે? બીજું, આખા રાજ્યમાં શાંતિપૂર્ણ પ્રદર્શન થઈ રહ્યાં હોય તો RG કર ખાતે જ હિંસા શા માટે થઈ? તેમણે પશ્ચિમ બંગાળ રાજ્યપાલને આ મામલે તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી તો સાથે CBIને પણ મામલાની નોંધ લેવા રજૂઆત કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં