બિહાર લોકસેવા આયોગની (BPSC) પરીક્ષાને લઈને ચાલી રહેલા તથાકથિત આંદોલન વચ્ચે જન સુરાજ પાર્ટીના મુખિયા પ્રશાંત કિશોરની ધરપકડ (Prashant Kishor Arrested) કરવામાં આવી છે. પટના પોલીસે (Patana Police) સવારે પોણા ચાર વાગ્યાના આરસમાં તેમને ગાંધી મેદાનથી (Gandhi Maidan) ઉઠાવી લીધા હતા. અટકાયત બાદ તેમને એઈમ્સ ખાતે મેડીકલ તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા, ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
પટનાના ડીએમ ચંદ્રશેખર દ્વારા પ્રશાંત કિશોરની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરાઈ છે. તો જિલ્લા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસે તેમને સુરક્ષિત સ્થળે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન તેમના તમામ પ્રકારના મેડીકલ રિપોર્ટ પણ સામાન્ય આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સોમવારે (6 જાન્યુઆરી 2025) સવારે 10 વાગ્યા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવશે. હાલ તેમને કોઈ પણ વ્યક્તિને મળવા પર રોક લગાવી દેવામાં આવી છે. નોંધવું જોઈએ કે થોડા દિવસો અગાઉ જ વિદ્યાર્થીઓને ભડકાવવા બદલ તેમના પર FIR કરવામાં આવી હતી.
#WATCH | BPSC protest | Bihar: Patna Police detains Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/cOnoM7EGW1
— ANI (@ANI) January 5, 2025
અહેવાલોમાં જણાવ્યા અનુસાર હાલ તેમની ધરપકડ પ્રતિબંધિત ગાંધી મેદાનમાં ધરણા-પ્રદર્શન કરવા બદલ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ગાંધી મેદાનમાં કોઈને પણ કોઈ પણ પ્રકારના ધરણા-પ્રદર્શન કરવાની પરવાનગી નથી. નજીકના ગર્દનીજ બાગ ખાતે ધરણાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે પ્રશાંત કિશોરને આ વાતની જાણ હોવા છતાં તેઓ અહીં ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા.
એઇમ્સમાં PKને દાખલ કરવાનો પ્રયાસ થયો હોવાનો પાર્ટીનો દાવો
બીજી તરફ PKની જન સુરાજ પાર્ટીએ કાર્યવાહી સામે આક્રોશ નોંધાવ્યો છે. પાર્ટીના સત્તાવાર નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોલીસે પ્રશાંત કિશોરને ધરપકડ પહેલા એમ્સમાં દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમ ન થઈ શકતા તેમની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ તેમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું અને અનશન યથાવત હોવાનું પાર્ટી નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
નોંધવું જોઈએ કે થોડા સમય પહેલા જ પ્રશાંત કિશોર વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમના પર વિદ્યાર્થીઓને ભડકાવીને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે 20 ડિસેમ્બરની મોડી રાત્રે વિદ્યાર્થીઓએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. વાસ્તવમાં સહુથી પહેલા લાઠી ખાવાનું વચન આપનાર પ્રશાંત કિશોર લાઠીચાર્જ શરૂ થતા જ ભાગી છૂટ્યા હતા. ત્યારે હવે તેમની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.