Wednesday, October 16, 2024
More
    હોમપેજદુનિયા‘અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું નેતૃત્વ દુનિયા માટે પ્રેરણા’: ISROની ચંદ્રયાન-3 ટીમને અમેરિકામાં એવોર્ડ,...

    ‘અંતરિક્ષ ક્ષેત્રે ભારતનું નેતૃત્વ દુનિયા માટે પ્રેરણા’: ISROની ચંદ્રયાન-3 ટીમને અમેરિકામાં એવોર્ડ, અવકાશીય સંશોધનમાં યોગદાન બદલ અપાયો પુરસ્કાર 

    સ્પેસ ફાઉન્ડેશનના CEO હિદર પ્રિંગલે પુરસ્કારની ઘોષણા કરતાં નિવેદનમાં કહ્યું કે, "અંતરીક્ષમાં ભારતનું નેતૃત્વ દુનિયા માટે પ્રેરણા છે. ચંદ્રયાન-3 ટીમના અગ્રણી કાર્યએ અંતરીક્ષ સંશોધનના સ્તરને ઘણું વધારી દીધું છે. તેમનું અદભૂત મૂન લેન્ડિંગ આપણાં બધા માટે એક મોડલ છે."

    - Advertisement -

    ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતની ચંદ્રયાન-3 મિશન ટીમને અવકાશ સંશોધન માટે પ્રતિષ્ઠિત 2024 જ્હોન એલ. ‘જેક’ સ્વિગર્ટ જુનિયર એવોર્ડ મળ્યો છે. હ્યુસ્ટનમાં ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથને કોલોરોડામાં વાર્ષિક સ્પેસ સિમ્પોસિયમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન (ISRO) વતી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.

    સોમવારે (8 એપ્રિલ) ISROની ચંદ્રયાન-3 ટીમને US અવકાશ ક્ષેત્રનો આ મહત્વપૂર્ણ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમેરિકા સ્થિત સ્પેસ ફાઉન્ડેશનનો આ શીર્ષ પુરસ્કાર છે. સ્પેસ ફાઉન્ડેશન સ્પેસ ઇકોસિસ્ટમને માહિતી, શિક્ષણ અને સમર્થન પૂરું પાડે છે. તેમણે જાહેરાત કરી હતી કે, ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતરનાર પહેલાં દેશ તરીકે ISROનું મિશન ચંદ્રયાન-3 માનવતાની અવકાશ સંશોધનની આકાંક્ષાઓને સમજણ અને સહયોગ માટે નવા ક્ષેત્રમાં વિસ્તારિત કરે છે.

    સ્પેસ ફાઉન્ડેશનના CEO હિદર પ્રિંગલે પુરસ્કારની ઘોષણા કરતાં નિવેદનમાં કહ્યું કે, “અંતરિક્ષમાં ભારતનું નેતૃત્વ દુનિયા માટે પ્રેરણા છે.” તેમણે કહ્યું કે, “ચંદ્રયાન-3 ટીમના અગ્રણી કાર્યએ અંતરિક્ષ સંશોધનના સ્તરને ઘણું વધારી દીધું છે. તેમનું અદભૂત મૂન લેન્ડિંગ આપણા બધા માટે એક મોડલ છે.”

    - Advertisement -

    શું છે આ એવોર્ડ?

    આ જૉન એલ. ‘જેક’ સ્વિગર્ટ જુનિયર એવોર્ડ અવકાશીય સંશોધન અને શોધ ક્ષેત્રે નોંધપાત્ર ઉપલબ્ધિ મેળવનાર કંપની, સ્પેસ એજન્સી કે સંગઠનને એનાયત કરવામાં આવે છે. જે અવકાશયાત્રી જૉન એલ. ‘જેક’ સ્વિગર્ટ જુનિયરના માનમાં અપાય છે. કોલોરાડોના આ અવકાશ વિજ્ઞાની અમેરિકી સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ‘નાસા’ના ઐતિહાસિક એપોલો 13 લુનાર મિશનના સભ્ય હતા. NASAએ આ મિશન ચંદ્રના અભ્યાસ માટે લૉન્ચ કર્યું હતું અને દરમ્યાન ચંદ્ર પર જતી વખતે એપોલો 13માં ઓક્સિજન ટેન્ક ફેલ્યોર થયું હતું, જોકે, ક્રુ મેમ્બરો સુરક્ષિત પૃથ્વી પર પરત ફરી ગયા હતા. 

    આ પહેલાં પણ મળી ચૂક્યા છે એવોર્ડ

    ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આઈસલેન્ડના હુસાવિક મ્યુઝિયમે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને (ISRO) પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લુનર પુરસ્કાર એનાયત કર્યો હતો. આ સન્માન ખાસ કરીને ચંદ્રયાન 3 મિશન માટે આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, ચંદ્ર પરના સંશોધન મિશન પર સતત આગળ વધવા અને અવકાશી રહસ્યોને સમજવામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે ISROના સમર્પણ અને ઉત્સાહની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે, ગયા વર્ષે એટલે કે 2023ના ઓગસ્ટ મહિનામાં ભારતે મિશન ચંદ્રયાન-3 અંતર્ગત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ‘સોફ્ટ લેન્ડિંગ’ કરીને ઇતિહાસ રચ્યો હતો અને ચંદ્રના તે ક્ષેત્ર પર સફળ ઉતરાણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આ પગલાંની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ હતી. આ સાથે જ દેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ જ ચંદ્રયાન જે જગ્યા પર લેન્ડ કર્યું હતું, તે સ્થળનું નામ ‘શિવશક્તિ પોઈન્ટ’ રાખવામાં આવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં