Friday, May 10, 2024
More
    હોમપેજદેશ'ઇન્ડિયા ઈઝ ઑન ધ મૂન': સફળ થયું સૉફ્ટ લેન્ડિંગ, ભારતે રચી દીધો...

    ‘ઇન્ડિયા ઈઝ ઑન ધ મૂન’: સફળ થયું સૉફ્ટ લેન્ડિંગ, ભારતે રચી દીધો ઇતિહાસ…..: મિશન ચંદ્રયાન-3 સફળ

    આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બન્યો છે. વિક્રમ લેન્ડર આજે ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, જ્યાં આજ સુધી એક પણ દેશ પહોંચી શક્યો ન હતો.

    - Advertisement -

    વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત અને કરોડો દેશવાસીઓની પ્રાર્થનાના જોરે ભારતે અવકાશીય ક્ષેત્રે ઇતિહાસ રચી દીધો છે. જુલાઈના મધ્યભાગમાં મોકલવામાં આવેલું યાન 40 દિવસની યાત્રા પૂર્ણ કરીને આજે સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતરી ચૂક્યું છે. મિશન ચંદ્રયાન-3 સફળ થયો છે.

    આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બન્યો છે. વિક્રમ લેન્ડર આજે ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, જ્યાં આજ સુધી એક પણ દેશ પહોંચી શક્યો ન હતો. આજે 6 કલાકને ચાર મિનિટે ભારતે ત્યાં સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને આમ કરનારા પ્રથમ દેશ તરીકે નામ અંકિત કર્યું છે. 

    વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશનમાં અંતિમ ઘડીએ નિષ્ફ્ળતા મળ્યા બાદ ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3 મિશન પર કામ શરૂ કરી દીધું હતું. યાન સંપૂર્ણપણે તૈયાર થયા બાદ 14 જુલાઈ, 2023ના રોજ ઓડિશાના શ્રીહરિકોટાથી ચંદ્રયાનને અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. પહેલાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને ત્યારબાદ ચંદ્રની કક્ષામાં લગભગ 40 દિવસની યાત્રા કર્યા બાદ આખરે 16 ઓગસ્ટ, 2023ના રોજ તે ચંદ્રની અંતિમ ભ્રમણ કક્ષામાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેનાં પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર અલગ પડ્યાં હતાં અને લેન્ડરે ચંદ્ર તરફ વાટ પકડી હતી.  

    - Advertisement -

    18 અને 20 ઓગસ્ટે બંને વખત સફળતાપૂર્વક લેન્ડરનું ડી-બુસ્ટિંગ (ઝડપ ઘડવાની પ્રક્રિયા) કરવામાં આવ્યા બાદ આખરે 23 ઓગસ્ટ, 2023ના રોજ તે ચંદ્રની સપાટીની એકદમ નજીક આવી પહોંચ્યું હતું. જેવો ત્યાં સૂર્યોદય થયો કે છ કલાકને 4 મિનિટે લેન્ડરે સફળતાપૂર્વક ચંદ્ર પર ડગ માંડી દીધા હતા. આ ક્ષણોનો આખો દેશ સાક્ષી રહ્યો. BRICS સમિટમાં ભાગ લેવા માટે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.

    સોફ્ટ લેન્ડિંગની તરત પછી ઈસરોના ચેરમેને સંબોધન કર્યું હતું. તેમના પહેલા શબ્દો ઇતિહાસમાં અંકિત થઇ ગયા છે- ઇન્ડિયા ઇઝ ઑન ધ મૂન. (ભારતે ચંદ્ર પર ડગ માંડી દીધા છે.)

    આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લઈને આખા દેશમાં ઉત્સાહનો માહોલ હતો અને સવારથી આખો દેશ તેની સફળતાને લઈને પ્રાર્થના કરી રહ્યો હતો. આખરે કરોડો દેશવાસીઓની પ્રાર્થના ફળી છે અને ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ દેશ કરી શક્યો ન હતો. લોકો સોશિયલ મીડિયા ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે, ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવી રહ્યા છે. 

    હવે લેન્ડિંગ બાદ વિક્રમ લેન્ડરમાંથી રોવર ‘પ્રજ્ઞાન’ બહાર આવશે અને પરીક્ષણ કરશે. જે 14 દિવસ સુધી કામ ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે પૃથ્વીના 14 દિવસ ચંદ્રના 1 દિવસ બરાબર છે. ત્યાં 14 દિવસ અજવાળું રહે છે અને 14 દિવસ રાત. હાલ ત્યાં રાત્રિ છે. 23 ઓગસ્ટે ફરી દિવસ ઉગ્યો હતો. આ જ કારણ છે કે લેન્ડિંગનો સમય એવો રાખવામાં આવ્યો હતો જેથી સૂર્યનો પ્રકાશ મળી રહે. રોવર હવે મિશન આગળ ધપાવવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં