Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણકેનેડાના 40 રાજદ્વારીઓને દેશ છોડવાનો ભારત સરકારનો આદેશ: રિપોર્ટમાં દાવો- 10 ઓક્ટોબર...

    કેનેડાના 40 રાજદ્વારીઓને દેશ છોડવાનો ભારત સરકારનો આદેશ: રિપોર્ટમાં દાવો- 10 ઓક્ટોબર સુધીનો આપ્યો સમય

    અહેવાલોનું માનીએ તો ભારત સરકારે જણાવ્યું છે કે 10 ઓક્ટોબર સુધીમાં જો રાજદ્વારીઓ પરત નહીં ગયા તો તેમની ‘ડિપ્લોમેટિક ઈમ્યુનિટી’ પરત ખેંચી લેવામાં આવશે. 

    - Advertisement -

    ભારત-કેનેડા વચ્ચે ચાલતા ડિપ્લોમેટિક તણાવ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે ભારતે નવી દિલ્હીમાં કામ કરતા કેનેડાના 40 રાજદ્વારીઓને પરત જવા માટે કહ્યું છે. આ સાથે 10 ઓક્ટોબરની ડેડલાઈન પણ આપવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે કેનેડાને અહીંથી પોતાના રાજદ્વારીઓને બોલાવી લેવા માટે જણાવી દીધું છે. જેમની સંખ્યા 40ની આસપાસ હોવાનું કહેવાય છે. હાલ ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ કામ કરે છે, જેમાંથી 41ને પરત બોલાવવા માટે ભારતે કેનેડાની સરકારને જણાવ્યું છે. જોકે, આ અંગે હજુ વિદેશ મંત્રાલય તરફથી કોઇ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જેની રાહ જોવાઈ રહી છે. 

    અહેવાલોનું માનીએ તો ભારત સરકારે જણાવ્યું છે કે 10 ઓક્ટોબર સુધીમાં જો રાજદ્વારીઓ પરત નહીં ગયા તો તેમની ‘ડિપ્લોમેટિક ઈમ્યુનિટી’ પરત ખેંચી લેવામાં આવશે. 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. બંને દેશો વચ્ચે ચાલતા તણાવ વચ્ચે યોજવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે ડિપ્લોમેટ્સની સંખ્યામાં સમાનતા જળવાય રહે તે જરૂરી છે અને કેનેડા તરફથી પણ ત્યાંના ભારતીય ડિપ્લોમેટ્સની સંખ્યા ઘટાડવામાં આવે તેવી શક્યતા જોતાં ભારત પણ આ દિશામાં નિર્ણય કરશે. 

    બંને દેશો વચ્ચે વિવાદ ગત 19 સપ્ટેમ્બરથી ચાલી રહ્યો છે, જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ત્યાંની સંસદમાં બોલતી વખતે થોડા મહિના પહેલાં કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવી દીધો હતો. ટ્રુડોએ દાવો કર્યો હતો કે, નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્સીના એજન્ટોનો હાથ હતો. આ આરોપો બાદ કેનેડાએ એક વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને નિષ્કાસિત પણ કરી દીધા હતા. 

    કેનેડાના આરોપો બાદ ભારતે તે જ દિવસે નિવેદન જારી કરીને તમામ આરોપો ફગાવી દીધા હતા અને કેનેડાને પુરાવા આપવા માટે જણાવ્યું હતું. જોકે, કેનેડિયન સરકાર આજ સુધી ભારતની કોઇ ઠોસ પુરાવા આપી શકી નથી. ત્યારબાદ ભારતે પણ એક વરિષ્ઠ કેનેડિયન ડિપ્લોમેટને રવાના કરી દીધા હતા. 

    ભારતે સ્પષ્ટ કર્યું હતું કે, કેનેડા આતંકવાદીઓ અને ચરમપંથીઓ માટે એક સુરક્ષિત ઠેકાણું બની ગયું છે અને તેઓ ભારત પર આરોપો લગાવવાની જગ્યાએ પોતાના દેશમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે, જેઓ ત્યાં સક્રિય રહીને ભારત વિરુદ્ધ આતંક ફેલાવે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં