Monday, July 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટGo First એરલાઈન્સ નાદાર થવાની અણીએ: ત્રણ દિવસ માટે ફ્લાઈટ સેવાઓ સ્થગિત...

  Go First એરલાઈન્સ નાદાર થવાની અણીએ: ત્રણ દિવસ માટે ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરવામાં આવી, એન્જિન સપ્લાય કરતી અમેરિકન કંપની P&W પર કર્યો કેસ

  એરલાઈન મજબૂરીમાં NCLT પાસે સમાધાન કાર્યવાહી માટે પહોંચી છે. આ સંકટ પાછળ મુખ્ય કારણ અમેરિકન કંપની પ્રેટ એન્ડ એન્ડ વ્હિટની (Pratt & Whitney) છે કારણકે, કંપની તરફથી વિમાનોના એન્જિનનો સપ્લાય બંધ થઈ જતાં તેના 28થી વધુ વિમાનો ઉડાન ભરવામાં અસમર્થ છે.

  - Advertisement -

  સસ્તા દરે હવાઈ યાત્રા કરાવતી ઘરેલુ કંપની ગો ફર્સ્ટ ફંડની અછતને કારણે નાદાર થવાની અણીએ પહોંચી ગઈ છે. કંપનીએ 3, 4 અને 5 મેએ પોતાની ફ્લાઈટ સેવાઓ સ્થગિત કરી નાખી છે. વાડિયા ગ્રુપની એરલાઈન ગો ફર્સ્ટે મંગળવારે (2 મે 2023) NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. કંપનીએ આ મામલે અમેરિકાની એરોસ્પેસ કંપની પ્રેટ એન્ડ વ્હિટની (P&W)ને જવાબદાર ઠેરવી છે કારણકે, કંપની તરફથી એન્જિનનો સપ્લાય ન મળવાને કારણે 50 ટકા એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા છે.

  DGCA દ્વારા એરલાઈનને શોકોઝ નોટિસ જારી કરવામાં આવી

  ગો ફર્સ્ટ ફંડની અછતને કારણે પોતાની સેવા સ્થગિત કરવા મજબૂર થઈ છે જેને કારણે પેસેન્જર્સને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, કંપનીએ સાથે રિફંડની જાહેરાત પણ કરી છે. એરલાઈન્સે આ નિર્ણય અંગે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને જાણ કરી છે. DGCA એ ગો ફર્સ્ટને તમામ શેડ્યુલ્ડ ફ્લાઈટ્સ આ રીતે અચાનક કેન્સલ કરવા અને પહેલાથી જાણ ન કરવા બદલ નોટિસ મોકલી છે અને 24 કલાકની અંદર જવાબ માંગ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, જો કોઈ એરલાઈન નિર્ધારિત ફ્લાઈટ કેન્સલ કરવા ઈચ્છે તો DGCA ને જાણ કરવી ફરજિયાત છે, નહીંતર એ નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. ગો ફર્સ્ટે તેના પેસેન્જરોને ‘ઓપરેશનલ સમસ્યાઓ’ને કારણે ફ્લાઈટ કેન્સલ થયાનું જણાવ્યું છે.

  - Advertisement -

  Go First ના અડધાથી વધુ વિમાનો નકામા થઈ ગયા, ઓઈલ કંપનીઓને પણ ચૂકવણી કરવામાં અસમર્થ

  ગો ફર્સ્ટના એક નિવેદન મુજબ, એરલાઈન મજબૂરીમાં NCLT પાસે સમાધાન કાર્યવાહી માટે પહોંચી છે. આ સંકટ પાછળ મુખ્ય કારણ અમેરિકન કંપની પ્રેટ એન્ડ એન્ડ વ્હિટની (Pratt & Whitney) છે કારણકે, કંપની તરફથી વિમાનોના એન્જિનનો સપ્લાય બંધ થઈ જતાં તેના 28થી વધુ વિમાનો ઉડાન ભરવામાં અસમર્થ છે. આ સંખ્યા તેના કુલ વિમાનોની સંખ્યાથી અડધી છે. જો પૂરતા પ્રમાણમાં એરક્રાફ્ટ ન હોય તો ઉડ્ડયન ક્ષેત્રમાં કમાણી ઓછી અને કૅશ ક્રંચ વધી જાય છે.

  એટલું જ નહીં, P&W એન્જિન રિપેર અને તેના પાર્ટ્સ પ્રદાન કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. જેને લીધે સર્વિસ પર અસર પડતાં ગો ફર્સ્ટ નાણાંકીય કટોકટીનો સામનો કરી રહી છે. ફંડ ન હોવાને કારણે ગો ફર્સ્ટ ઓઈલ કંપનીઓને ઋણ ચૂકવવામાં પણ સક્ષમ નથી. જેથી એરલાઈન ઓઈલની અછતનો સામનો કરી રહી છે.

  ગો ફર્સ્ટના CEOએ કહ્યું- P&Wને કારણે ફંડની અછત સર્જાઈ

  ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ 3થી 5 મે અસ્થાયીરૂપે બંધ કરવી પડશે. પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિન સપ્લાય ન થવાને કારણે એરલાઈનના અડધાથી વધુ વિમાનો ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેને કારણે ફંડની અછત સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગો ફર્સ્ટ એરલાઈને અમેરિકાની કોર્ટમાં પ્રેટ એન્ડ વ્હિટની સામે કેસ કર્યો છે.

  ગો ફર્સ્ટના પ્રમોટર્સે છેલ્લા ત્રણ વર્ષમાં એરલાઈનમાં 3,200 કરોડ રૂપિયા જેટલું નોંધપાત્ર ફંડ ઉમેર્યું હતું. તેમાંથી રૂ. 2,400 કરોડ પાછલા 24 મહિનામાં અને 290 કરોડ આ વર્ષે એપ્રિલમાં જ ઇન્વેસ્ટ કરવામાં આવ્યા છે. એરલાઈન શરુ થઈ ત્યારથી અત્યારસુધી પ્રમોટર્સ દ્વારા કુલ 6500 કરોડ જેટલું રોકાણ થયું છે.

  નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પુષ્ટિ કરી છે કે, એરલાઇન એન્જિનના સપ્લાય ચેઇનની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે. સરકાર એરલાઇનને શક્ય તેટલી મદદ કરી રહી છે.

  17 વર્ષથી ફ્લાઈટ સર્વિસ આપી રહી છે ગો ફર્સ્ટ

  ગો ફર્સ્ટ 2005 થી કાર્યરત છે અને દેશમાં સસ્તા દરે ફ્લાઈટ સેવાઓ આપનારી કંપનીઓમાંથી એક છે. હાલ તેની સેવા સ્થગિત થઈ જતાં ઇન્ડિગો જેવી કંપનીઓને ફાયદો થશે. એરલાઈનની માર્કેટ શેર નાણાકીય વર્ષ 2021માં 10.8 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2023માં 8 ટકા થઈ ગઈ હતી. ગો ફર્સ્ટ આશરે 5000 જેટલા લોકોને રોજગારી આપે છે. એરલાઈનની વેબસાઈટ પરની માહિતી મુજબ તેના કાફલામાં 59 એરક્રાફ્ટ છે, જેમાંથી 54 A320neo અને પાંચ A320ceo છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં