Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ'જ્યોર્જ સોરોસ છે તેનો મુખ્ય રોકાણકાર': હિંડનબર્ગ રિપોર્ટ પર ભાજપનો વળતો પ્રહાર,...

    ‘જ્યોર્જ સોરોસ છે તેનો મુખ્ય રોકાણકાર’: હિંડનબર્ગ રિપોર્ટ પર ભાજપનો વળતો પ્રહાર, કહ્યું- કોંગ્રેસ ઇકોસિસ્ટમ પણ ભારતવિરોધી ટૂલકિટનો એક ભાગ

    રવિશંકર પ્રસાદે કહ્યું કે, "હિંડનબર્ગના પહેલાં રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેને લઈને હિંડનબર્ગને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ આ નોટિસનો જવાબ આપવાના બદલે હિંડનબર્ગે ફરીથી પાયાવિહોણા આરોપો લગાવી દીધા છે."

    - Advertisement -

    અમેરિકી શોર્ટસિલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફરી એક વખત ભારતીય ઉદ્યોગસમૂહ અદાણીને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ વખતે માર્કેટ રેગ્યુલેટર SEBI ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા છે, જેને ચેરપર્સન માધવી બુચ સદંતર નકારી ચૂક્યાં છે. બીજી તરફ અદાણી જૂથ પણ આ આરોપોને નકારી ચૂક્યું છે. હવે તે મામલે ભાજપ તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ કરીને હિંડનબર્ગના રિપોર્ટ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપે આ રિપોર્ટને દેશની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડવાનું કાવતરું ગણાવ્યું છે. તેમણે કોંગ્રેસ પર પણ અનેક પ્રહાર કર્યા છે.

    સોમવારે (12 ઑગસ્ટ) ભાજપ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. દરમિયાન તેમણે હિંડનબર્ગ મામલે અમેરિકી બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ ઇકોસિસ્ટમને આડેહાથ લીધી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે, તેમને આશા હતી કે, ત્રીજી વખત પણ સત્તા ન મળવાના કારણે કોંગ્રેસ નેતાઓ હવે ટૂલકિટનો ઉપયોગ નહીં કરે. તેમણે આરોપ લગાવ્યો કે, ચૂંટણી હાર્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટી દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવામાં લાગી ગઈ છે.

    રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું છે કે, આ રિપોર્ટ ભારતીય શેર માર્કેટને તોડવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે, “તમે જોયું જ હશે કે, આ રિપોર્ટ શનિવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે બાદ સોમવારે માર્કેટ ખૂલતાં જ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી. આ તમામ આરોપોનો જવાબ SEBIના ચેરપર્સન દ્વારા આપી દેવામાં આવ્યો છે. પરંતુ હિંડનબર્ગ સતત ભારતવિરોધી એજન્ડા ચલાવી રહ્યું છે. કોંગ્રેસ પણ તે ટૂલકિટનો જ ભાગ છે.”

    - Advertisement -

    ‘જ્યોર્જ સોરોન હિંડનબર્ગનો મુખ્ય રોકાણકાર’- ભાજપ નેતા

    રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, “હિંડનબર્ગના પહેલાં રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેને લઈને હિંડનબર્ગને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ આ નોટિસનો જવાબ આપવાના બદલે હિંડનબર્ગે ફરીથી પાયાવિહોણા આરોપો લગાવી દીધા છે.” તેમણે ઉમેર્યું કે, આ મામલે સેબી પ્રમુખે પણ સ્પષ્ટીકરણ આપી દીધું છે, તેમ છતાં તેમના પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે, “અમેરિકી બિઝનેસમેન જ્યોર્જ સોરોસ હિંડનબર્ગના મુખ્ય રોકાણકાર છે. આ એક ટૂલકિટ ગેંગ છે અને ષડયંત્રના ભાગરૂપે ભારતની વધતી અર્થવ્યવસ્થાને હાનિ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે.”

    રવિશંકર પ્રસાદે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. તેમણે ઇકોસિસ્ટમને સવાલ પૂછ્યો કે, આખરે કોંગ્રેસ ઈચ્છે શું છે? તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ ઈચ્છે છે કે, ભારતમાં કોઈ આર્થિક રોકાણ ન થાય. ભારતની પ્રગતિને રોકવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી દેશને નબળો અને આર્થિક સ્થિતિને બગાડવા માંગે છે.” આ સાથે ભાજપ નેતાએ સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ભારતને કોઈ કાળે નબળું નહીં પડવા દે.

    ઉલ્લેખનીય છે કે, શનિવારે (10 ઑગસ્ટ) સાંજે પ્રકાશિત કરવામાં આવેલા હિંડનબર્ગના રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યા કે, SEBIએ અદાણી સામે કાર્યવાહી કરવામાં બહુ રસ ન દાખવ્યો, તેનું કારણ એ છે કે SEBI પ્રમુખ માધવી બુચ અને તેમના પતિએ પણ ઑફશોર ફંડ્સમાં રોકાણ કર્યું છે. અમેરિકી ફર્મે દાવો કર્યો કે, SEBI ચેરપર્સન અને તેમના પતિની બરમુડા અને મોરેશિયસના ફંડમાં ભાગીદારી હતી, જે ટેક્સહેવન દેશો છે અને આ જ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં