Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશઅદાણી બાદ હવે હિંડનબર્ગ રિસર્ચે ટાર્ગેટ કર્યું માર્કેટ રેગ્યુલેટર SEBIને, આરોપો પર...

    અદાણી બાદ હવે હિંડનબર્ગ રિસર્ચે ટાર્ગેટ કર્યું માર્કેટ રેગ્યુલેટર SEBIને, આરોપો પર ચેરપર્સને કહ્યું- તેમાં કોઇ સત્ય નહીં, શો કૉઝ નોટિસના કારણે ચરિત્રહનન કરવાના પ્રયાસ

    હિંડનબર્ગ રિસર્ચ, જેની સામે SEBIએ કાર્યવાહી કરીને શો કૉઝ નોટિસ પાઠવી હતી, તેણે જવાબમાં ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કર્યો છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે: SEBI ચીફ

    - Advertisement -

    2023માં એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભારતીય ઉદ્યોગ સમૂહ અદાણીને ટાર્ગેટ કરનાર અમેરિકી ફર્મ હિંડનબર્ગ રિસર્ચે હવે માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ રિપોર્ટમાં SEBIનાં પ્રમુખ માધવી બુચને ટાર્ગેટ કરવામાં આવ્યાં છે અને આરોપ લગાવવામાં આવ્યા છે કે ‘અદાણી મની સાયફનિંગ સ્કેન્ડલ’માં જે ઑફશોર ફંડનો ઉપયોગ થયો હતો, તેમાં તેમની પણ હિસ્સેદારી હતી. આ આરોપોને માધવી બુચે નકારી દીધા છે અને કહ્યું છે કે આ બીજું કશું જ નહીં પરંતુ તેમના ચરિત્ર હનનનો પ્રયાસ છે. 

    શનિવારે (10 ઑગસ્ટ) સાંજે પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યા કે SEBIએ અદાણી સામે કાર્યવાહી કરવામાં બહુ રસ ન દાખવ્યો, તેનું કારણ એ છે કે SEBI પ્રમુખ માધવી બુચ અને તેમના પતિએ પણ ઑફશોર ફંડ્સમાં રોકાણ કર્યું છે. અમેરિકી ફર્મે દાવો કર્યો કે SEBI ચેરપર્સન અને તેમના પતિની બરમુડા અને મોરેશિયસના ફંડમાં ભાગીદારી હતી, જે ટેક્સહેવન દેશો છે અને આ જ ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો. 

    રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, તેમણે બે ફંડની ઓળખ કરી છે, જે બંને મોરેશિયસની એન્ટિટી છે અને ઇન્ડિયા ઇન્ફોલાઇનની રિલેટેડ પાર્ટી તરીકે કામ કરે છે. હિંડનબર્ગે રિપોર્ટમાં કહ્યું કે, ‘અમે નોંધ્યું છે કે આ ફંડની ટ્રેડિંગ પેટર્ન દર્શાવે છે કે સ્ટોક પાર્કિંગ એન્ટિટી અને શંકાસ્પદ ઑફશોર એન્ટિટીએ કુત્રિમ રીતે અમુક અદાણી લિસ્ટેડ કંપનીઓની કિંમતમાં વધારો કર્યો હોય શકે. 

    - Advertisement -

    માધવી બુચે આ તમામ આરોપો ફગાવી દીધા છે. પતિ સાથે સંયુક્ત રીતે બહાર પાડેલા એક નિવેદનમાં તેમણે કહ્યું કે, તમામ આરોપો પાયાવિહોણા અને સત્યથી વેગળા છે. સાથે એમ પણ કહ્યું કે, તેમનું જીવન અને નાણાકીય બાબતો પણ એક ખુલ્લી કિતાબ જેવાં છે. આગળ કહેવામાં આવ્યું કે, આટલાં વર્ષોમાં SEBIને જરૂરી તમામ બાબતો અગાઉથી જ જણાવવામાં આવી છે અને હજુ પણ અમને નાણાકીય દસ્તાવેજો રજૂ કરવામાં બિલકુલ વાંધો નથી. 

    તેમણે હિંડનબર્ગ પર ચરિત્ર હનનનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને એ પણ કહ્યું કે SEBIએ તેને શો કૉઝ નોટિસ પાઠવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘હિંડનબર્ગ રિસર્ચ, જેની સામે SEBIએ કાર્યવાહી કરીને શો કૉઝ નોટિસ પાઠવી હતી, તેણે જવાબમાં ચરિત્ર હનન કરવાનો પ્રયાસ કર્યો છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.’ 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી, 2023માં અમેરિકી ફર્મ હિંડનબર્ગે એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભારતીય ઉદ્યોગસમૂહ અદાણી પર સ્ટોક મનિપ્યુલેશનના આરોપ લગાવ્યા હતા, જેના કારણે ભારતમાં બહુ હોબાળો મચ્યો હતો અને ઉદ્યોગસમૂહો સામે બાપે માર્યા વેર હોય તેમ વિપક્ષોએ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે તપાસના આદેશ પણ આપ્યા હતા. 

    મામલાની તપાસ SEBI દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેને SITને સોંપવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી, 2024માં અરજી ફગાવી દઈને ચુકાદામાં કહ્યું હતું કે, SEBIની તપાસ પર શંકા કરવાનાં કોઇ કારણો નથી અને સ્ટેચ્યુટરી રેગ્યુલેટર પર સવાલો ઉઠાવવા માટે અખબારોના અહેવાલો કે કોઇ થર્ડ પાર્ટી ઓર્ગેનાઈઝેશન પર આધાર રાખી શકાય નહીં. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં