Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબમાં પરાળીનો મુદ્દો ફરી ચર્ચામાં: ખેડૂતોનો માન સરકાર પર નાણાકીય સહાય ન...

    પંજાબમાં પરાળીનો મુદ્દો ફરી ચર્ચામાં: ખેડૂતોનો માન સરકાર પર નાણાકીય સહાય ન આપવાનો આરોપ, કાર્યવાહી બંધ ન કરે તો પરાળી મંત્રીના કાર્યાલય બહાર ઠાલવવાની ચીમકી

    પંજાબમાં પરાળી સળગાવવા મામલે ખેડૂતો સરકાર સામે પડ્યા છે અને વ્યવસ્થાપન માટે સહાય આપવાની અને કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે.

    - Advertisement -

    પંજાબમાં ફરી પરાળીનો મુદ્દો ચર્ચામાં છે. દરમ્યાન, ગત 24 સપ્ટેમ્બરના રોજ કીર્તિ કિસાન યુનિયને સરકારને ચીમકી આપી છે કે જો તેઓ પરાળી સળગાવતા ખેડૂતો સામેની કાર્યવાહી બંધ નહીં કરે તો તેઓ કેબિનેટ મંત્રી કુલદીપસિંહ ધાલીવાલના કાર્યાલયની બહાર પરાળી ફેંકી દેશે. 

    કુલદીપસિંહ ધાલીવાલ પંજાબના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે. ઉપરાંત તેમની પાસે ગ્રામવિકાસ અને પંચાયતનો પણ કાર્યભાર છે. ખેડૂતોએ તેમના કાર્યાલયની બહાર પાંચમી ઓક્ટોબરે પરાળી ફેંકવાની ચીમકી ઉચ્ચારી છે. 

    ખેડૂતો અને કીર્તિ કિસાન યુનિયનના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં આ ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ખેડૂતોએ પરાળીનો વૈકલ્પિક ઉપયોગ ન કરીને સળગાવવા બદલ સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સામે વિરોધ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે સરકાર પર નાણાકીય સહાય આપવાના વાયદાથી ફરી જવાનો પણ આરોપ લગાવ્યો છે. ખેડૂતોએ કહ્યું કે, તેઓ પરાળીની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે તે માટે સરકારે નાણાકીય સહાય આપવાની વાત કરી હતી, જે હવે ફેરવી તોળ્યું છે. 

    - Advertisement -

    ખેડૂતોએ દાવો કરતાં કહ્યું છે કે, પરાળીના વૈકલ્પિક વ્યવસ્થાપન માટે પ્રતિ એકર 3 હજારનો ખર્ચ થાય છે અને આ આખી પ્રક્રિયા સમય માંગી લે છે. સંગઠનના અધ્યક્ષે કહ્યું કે, 95 ટકા ખેડૂતો પાસે આ માટે જરૂરી મશીનો પણ નથી. અન્ય એક ખેડૂત નેતાએ કહ્યું કે, પરાળીની  બજારમાં પણ કોઈ કિંમત નથી. તેમણે સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે, પરાળીના મુદ્દે જવાબદારી લેવાને બદલે સરકાર ખેડૂતો પર ઠોકી બેસાડી રહી છે. 

    આ પહેલાં પંજાબ કૃષિ મંત્રી કુલદીપસિંહ ધારીવાલે ખેડૂતોને પરાળી ન સળગાવવાની અપીલ કરી હતી અને પ્રત્યેક તાલુકાને પાંચ સુપર સીડર મશીનો આપવાનો વાયદો કર્યો હતો, જેથી નાના ખેડૂતોને મદદ મળી રહે. કથિત રીતે પંજાબ સરકાર પાસે 90,422 આવાં મશીનો છે. સરકારે કહ્યું છે કે આ વર્ષે 450 કરોડ રૂપિયાની સબસીડી આપીને 32 હજાર મશીનોનું વિતરણ કરવામાં આવશે. 

    તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પંજાબને ખેડૂતો પરાળી ન સળગાવે તે માટે પ્રોત્સાહન રકમ આપવા માટે કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય આપવાનો ઈનકાર કરી દીધો હતો. એક વિડીયો સંદેશમાં પંજાબ સીએમ ભગવંત માને જાહેરાત કરતાં કહ્યું હતું કે, પરાળીના વ્યવસ્થાપન માટે એક લાખથી વધુ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ આ મામલે આગળ કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. 

    આગામી થોડા મહિનાઓમાં પંજાબના ખેડૂતો મોટાપાયે પરાળી સળગાવવાનું શરૂ કરશે, જેના કારણે આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણમાં વધારો જોવા મળશે. એક તરફ જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મુદ્દે કામ કરી રહી છે ત્યાં બીજી તરફ પાછલાં વર્ષોમાં પરાળી સળગાવવાના કેસ નોંધપાત્ર રીતે વધ્યા છે. 

    એ પણ નોંધવું જોઈએ કે પરાળી સળગાવવાના કારણે મોટાપાયે પ્રદુષણમાં વધારો જોવા મળે છે ત્યારે બીજી તરફ સરકારો અને એક્ટિવિસ્ટ દિવાળી દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાને દોષ આપતા રહે છે. પરંતુ ફટાકડા થોડા દિવસો માટે અને થોડા કલાકો માટે જ ફોડવામાં આવે છે. દિલ્હી સરકાર ઘણા વર્ષોથી દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ મૂકતી આવી છે, આ વર્ષે પણ પ્રતિબંધની જાહેરાત કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં