મંગળવારે (25 ફેબ્રુઆરી) EDએ (Enforcement Directorate) ‘ધ હિન્દુ’ના (The Hindu) વામપંથી ‘પત્રકાર’ મહેશ લાંગાની (Mahesh Langa) ધરપકડ કરી છે. આ ધરપકડ મની લોન્ડરિંગ મામલે (Money Laundering Case) કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. એજન્સીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, મહેશ લાંગાની PMLA હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં લઈ જઈને કસ્ટડીની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે 28 ફેબ્રુઆરી સુધી લાંગાની કસ્ટડી મંજૂર કરી છે. એટલે 28 ફેબ્રુઆરી સુધી આરોપી EDની કસ્ટડીમાં જ રહેશે.
EDના જણાવ્યા અનુસાર, એજન્સીએ અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશનર દ્વારા મહેશ લાંગા અને અન્ય લોકો સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાત માટે નોંધાયેલી FIRના આધારે તપાસ શરૂ કરી હતી. EDના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશન દ્વારા મહેશ લાંગા વિરુદ્ધ છેતરપિંડી, ગુનાહિત ગેરઉપયોગ, ગુનાહિત વિશ્વાસભંગ, છેતરપિંડીથી કેટલાક લોકોને લાખોના રૂપિયાનું નુકસાન પહોંચાડ્યાના આરોપસર FIR નોંધવામાં આવી હતી.
The Enforcement Directorate has arrested Gujarat-based journalist Mahesh Langa in a money laundering case: Official sources
— ANI (@ANI) February 25, 2025
એજન્સીએ વધુમાં કહ્યું કે, “EDની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહેશ પ્રભુદાન લાંગા મોટી રકમના અનેક છેતરપિંડીભર્યા નાણાકીય વ્યવહારોમાં સામેલ છે. તેના નાણાકીય વ્યવહારોમાં વિવિધ વ્યક્તિઓ પાસેથી ખંડણી માંગવી, સતત હેરાફેરી અને મીડિયા પ્રભાવનો ઉપયોગ સામેલ હતો.” એજન્સીએ જણાવ્યું કે, લાંગા GST કૌભાંડમાં પણ સામેલ છે, તેની તપાસ પણ એજન્સી કરી રહી છે.
EDના જણાવ્યા અનુસાર, મહેશ લાંગાએ છેતરપિંડી અને GST કૌભાંડમાં સામેલ નાણાકીય વ્યવહારોના વાસ્તવિક સ્વરૂપને છુપાવવા અને તેની હેરાફેરી કરવાના પ્રયાસો કર્યા હતા. તેના નિવેદનમાં રહેલી અસંગતતાઓએ ભંડોળના ઉપયોગના મૂળ હેતુને છુપાવવાના તેના પ્રયાસો અંગે વધુ શંકા ઊભી કરી છે. જોકે, પહેલાં લાંગા વકીલે આ તમામ આરોપોથી ઇનકાર કરી દીધો હતો.
તાજેતરમાં જ નોંધાઈ હતી ખંડણી મામલે FIR
નોંધનીય છે કે, GST ફ્રોડ, છેતરપિંડી અને સરકારી દસ્તાવેજો લીક કરવા મામલે કેસોનો સામનો કરતા અંગ્રેજી અખબાર ‘ધ હિન્દુ’માં કામ કરતા અમદાવાદના ‘પત્રકાર’ મહેશ લાંગા વિરુદ્ધ તાજેતરમાં જ વધુ એક FIR દાખલ કરવામાં આવી હતી. અમદાવાદના સેટેલાઈટ પોલીસ મથકે દાખલ એક FIRમાં જમીન દલાલીનું કામ કરતા એક વ્યક્તિએ લાંગા સામે પેપરમાં નામ છપાવીને પ્રસિદ્ધિ અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદમાં રહીને જમીન દલાલીનું કામ કરતા જનક ઠાકોરે મહેશ લાંગા સામે આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, મહેશ લાંગાએ તેમને જમીન દલાલીના કામમાં ઉપયોગી થવાનું કહીને અવારનવાર તેમની પાસેથી પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી, 2024માં અખબાર ‘ધ હિન્દુ’ના એક લેખમાં ફરિયાદીનો ઉલ્લેખ કરીને તેના આધારે પછીથી પૈસાની માંગણી કરી હતી અને બીજા ₹20 લાખ પડાવી લીધા હતા. મહેશ સામે કુલ ₹40 લાખ પડાવી લેવાનો આરોપ છે.
મહેશ લાંગા સામે અનેક ફરિયાદો
‘ધ હિન્દુ’ માટે કામ કરતા ઇકોસિસ્ટમના આ પ્રિય પત્રકારની પોલ ઑક્ટોબર, 2024માં ખુલવાની શરૂ થઈ હતી, જ્યારે તેનું નામ એક GST કૌભાંડમાં ખૂલ્યું હતું. તેની સામે ફર્જી ફર્મ ચલાવીને ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો અને સરકારી તિજોરીને લાખોનું નુકસાન કરવાનો આરોપ છે. આ કેસમાં બીજા પણ ઘણા વ્યક્તિઓ અને ઘણી ફર્મ આરોપી છે. આ કેસમાં તેની સામે ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે અને હાઇકોર્ટમાંથી જામીન પણ મળી ગયા છે.
બીજો એક કેસ અમદાવાદના જ એક વેપારીએ નોંધાવ્યો હતો, જેમણે મહેશ લાંગા સામે ₹28 લાખની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો. જોકે આ કેસમાં પણ તેને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા હતા. અન્ય એક કેસ ગાંધીનગરમાં નોંધવામાં આવ્યો છે, જેમાં તેની સામે ગુજરાત મેરીટાઇમ બોર્ડના દસ્તાવેજો લીક કરવાનો આરોપ છે.
એક કેસ રાજકોટમાં નોંધવામાં આવ્યો છે, જે પણ GST ફ્રોડને લગતો છે. આ કેસમાં સેશન્સ કોર્ટ તેના જામીન ફગાવી ચૂકી છે. એ જ કારણ છે કે તે હજુ જેલમાં બંધ છે. ત્યારબાદ લાંગા હાઇકોર્ટ પહોંચ્યો હતો, પણ હાઇકોર્ટે પણ તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તેની સામે અમદાવાદમાં વધુ એક કેસ નોંધવામાં આવ્યો છે. જે હેઠળ તેની EDએ પણ ધરપકડ કરી લીધી છે.