Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતવધુ એક પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, UPના ફરૂખાબાદમાં ટ્રેક પર મૂકી દેવાયો...

    વધુ એક પેસેન્જર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, UPના ફરૂખાબાદમાં ટ્રેક પર મૂકી દેવાયો હતો લાકડાનો ટુકડો: લોકો પાયલટે ઈમરજન્સી બ્રેક ન લગાવી હોત તો સર્જાયો હોત મોટો અકસ્માત 

    થોડા જ દિવસ પહેલાં કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ સાથે આ પ્રકારની ઘટના બની હતી, જેના કારણે અમુક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન ડિરેલ થયા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટ્રેક પર તીક્ષ્ણ વસ્તુઓ મૂકવામાં આવી હતી.

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં અમદાવાદ તરફ આવતી સાબરમતી એક્સપ્રેસને ઉથલાવવાના પ્રયાસનો ઘટસ્ફોટ થયો હતો, ત્યારે આવી જ એક ઘટના UPના જ ફરૂખાબાદમાં સામે આવી છે, જ્યાં ટ્રેક પર એક લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો. જોકે, લોકો પાયલટની હોંશિયારી અને સમય સૂચકતાના કારણે મોટો ટ્રેન અકસ્માત ટળી ગયો હતો. હાલ રેલવે પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે. 

    ઘટના શુક્રવારે (23 ઑગસ્ટ) રાત્રે 11:38 વાગ્યાની આસપાસ ભટાસા અને શમ્સાબાદ રેલવે સ્ટેશનોની વચ્ચે બની હોવાનું કહેવાય છે. અહીંથી પસાર થતી કાસગંજ-ફરૂખાબાદ પેસેન્જર ટ્રેનના લોકો પાયલટને પાટા પર કોઈક વસ્તુ મૂકવામાં આવેલી હોવાનું જણાતાં ઇમરજન્સી બ્રેક લગાવી દીધી હતી. પરંતુ ટ્રેનની ઝડપ 80થી 90 કિમી/કલાકની હોવાના કારણે નજીક પહોંચતાં લાકડાનો ટુકડો એન્જિનના કેટલ ગાર્ડમાં ફસાઈ ગયો હતો, પરંતુ મોટી દુર્ઘટના ટળી હતી. આટલી ઝડપે જો ટ્રેન વચ્ચે લાકડું આવી ગયું હોત તો ઉથલી જવાની પૂરેપૂરી સંભાવના હતી. 

    આ બનાવના કારણે ટ્રેન લગભગ 25 મિનીટ સુધી રોકી રાખવી પડી હતી. ટ્રેક પરથી લાકડાનો ટુકડો હટાવવામાં આવ્યા બાદ રવાના કરવામાં આવી હતી. ટ્રેન 12:04 વાગ્યે શમ્સાબાદ રેલવે સ્ટેશન પહોંચી. બીજી તરફ, રેલવેના અધિકારીઓને પણ જાણ કરી દેવામાં આવી હતી. 

    - Advertisement -

    શનિવારે સવારે GRP અને RPFની ટીમો સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડૉગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી. ઉત્તરપૂર્વ રેલવેના ઈજ્જતનગર ડિવિઝનના PRO રાજેન્દ્ર સિંઘે જણાવ્યું કે, “સ્પષ્ટપણે આ ટ્રેન ઉથલાવવાનું કાવતરું હતું. જોકે, લોકો પાયલટ્સની સૂચકતાના કારણે દુર્ઘટના ટળી ગઈ. લોકોમોટિવના કેટલ ગાર્ડમાં લાકડું ફસાઈ જવાના કારણે ટ્રેન લગભગ અડધો કલાક મોડી પડી હતી.” 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાએ સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં જણાવ્યું છે કે, જ્યાં ઘટના બની તેની બાજુમાં જ એક આંબાનું ઝાડ કાપવામાં આવ્યું હતું અને તેનાં લાકડાના ટુકડા કરવામાં આવ્યા હતા. આ જ લાકડામાંથી કોઈકે જાણીજોઈને એકાદ ટુકડો ટ્રેક પર રાખી દીધો હોય તેની શક્યતાઓ નકારી શકાય નહીં. હાલ મામલાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

    નોંધવું જોઈએ કે થોડા જ દિવસ પહેલાં કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ સાથે આ પ્રકારની ઘટના બની હતી, જેના કારણે અમુક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટ્રેન ડિરેલ થયા બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટ્રેક પર તીક્ષ્ણ વસ્તુઓ મૂકવામાં આવી હતી. મામલાની તપાસ પોલીસ કરી રહી છે તેમજ આતંકવાદી ષડ્યંત્રની આશંકાએ ATS પણ તપાસમાં જોતરાઈ હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં