તેલંગાણાથી (Telangana) કંપારી છૂટે તેવા સમાચાર આવી રહ્યા છે. હૈદરાબાદ (Hyderabad) નજીકના એક ગામમાં 21 શ્વાનોની કરપીણ હત્યા (Dogs Killed) કરવામાં આવી છે. આરોપીઓએ આ અબોલ જીવના મોઢા અને પગ બાંધીને તેમને 40 ફૂટ ઊંચા પુલ પરથી નીચે ફેંકી દીધા હતા. હાલ પોલીસ અને સ્થાનિક સંસ્થાને અહીં 21 શ્વાન મૃત તો 11 શ્વાન ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા છે. હાલ જાનવરો માટે કામ કરતી સ્થાનિક સંસ્થાની ફરિયાદ પર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના તેલંગાણા રાજ્યના હૈદરાબાદ નજીક આવેં સંગારેડ્ડીના એડ્ડુમાઈલરમ નામના ગામની છે. અહીં કેટલાક અજાણ્યા લોકોએ 21થી વધુ શ્વાનોની હત્યા કરી દીધી છે. આ ઘટના 4 જાન્યુઆરીના રોજ પ્રકાશમાં આવી હતી. અહીં કોઈ અજ્ઞાત વ્યક્તિએ પોલીસ અને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા ‘સિટીજન ફોર એનીમલ્સ‘ના કાર્યકર્તાઓને કરી. માહિતીના આધારે જ્યારે સંસ્થા અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, તો તેમના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.
ગંદા પાણીમાં તરતા સડેલા મૃતદેહો વચ્ચે કણસી રહ્યા હતા ઘાયલ શ્વાન
આ મામલે પ્રાણીઓની સંસ્થા ‘સિટીજન ફોર એનીમલ્સ’ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમને જયારે ફરિયાદ મળી અને અમે ત્યાં પહોંચ્યા તો ત્યાનું દ્રશ્ય જોઇને કંપારી છૂટી ગઈ. અહીં કેટલાક શ્વાન ઘાયલ અવસ્થામાં પડ્યા હતા. તેમની નજીક જ કેટલાક શ્વાનના સડતા મૃતદેહ જોવા મળ્યા હતા. ઘાયલ શ્વાનના કણસવાનો અવાજ પણ આવી રહ્યો હતો. કેટલાક શબ પાણીમાં તરી રહ્યા હતા તો કેટલાક એટલી કોહવાયેલી હાલતમાં હતા કે તેમાં કીડા પડી ગયા હતા. આખા વિસ્તારમાં દુર્ગંધ જ દુર્ગંધ હતી.”
સંસ્થાના જણાવ્યા અનુસાર તેમણે તાત્કાલિક પોલીસ અને એનીમલ વોરીયર્સ કંજર્વેશન સોસાયટી (AWCS) અને પીપલ્સ ફોર એનીમલ્સને (PFA) જાણ કરી. જે શ્વાન ઘાયલ અવસ્થામાં જીવિત હતા તેમને તાત્કાલિક અહીંથી રેસ્ક્યુ કરીને નાગોલે ખાતે આવેલા PFAના રેસ્ક્યુ સેન્ટર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ આ ઘટનાથી દેશ આખાના પ્રાણીપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
હાલ આ મામલે તેલંગાણાના ઇન્દ્રકરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્શો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલા અહેવાલમાં એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આ શ્વાનોને પુલ ઉપરથી 40 ફૂટની ઊંચાઈએથી નીચે નીચે ફેંકવામાં આવ્યા છે. શ્વાનના મોઢા અને પગ બાંધીને આ કૃત્ય આચરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ આસપાસની વસ્તીઓમાં રહેતા લોકો પાસેથી માહિતી એકઠી કરવામાં આવી રહી છે. બીજી તરફ શ્વાનના મૃતદેહોને હટાવીને પંચનામું અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.