વૉશિંગ્ટન પોસ્ટે મોદી સરકાર વિરુદ્ધ ફરી એક ખોટો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં આરોપ લગાવાયો છે કે સરકારે લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનને (LIC) ગૌતમ અદાણીની કંપનીઓમાં બળજબરીથી રોકાણ કરવા માટે દબાણ કર્યું હતું. હવે કોંગ્રેસ પાર્ટીને લાગ્યું કે તેને મોદી સરકાર પર હુમલો કરવાનું સૌથી મોટું હથિયાર મળી ગયું છે. તે આ આરોપોના આધારે સરકાર પર સતત હુમલા કરી રહી છે અને X પર અનેક મીમ્સ પણ શેર કરી રહી છે.
કોંગ્રેસના સત્તાવાર હેન્ડલ પરથી અનેક પોસ્ટ કરવામાં આવી છે. એક પોસ્ટમાં મજાક ઉડાવતાં લખવામાં આવ્યું છે કે, ‘માત્ર 3,30,00,00,00,000 રૂપિયા!’ એટલે કે માત્ર 33,000 કરોડ રૂપિયા. સાથે વધુ એક મીમ હતું, જેમાં વડા પ્રધાન મોદી ગૌતમ અદાણીને LICનો મોટો ચેક આપતા દેખાતા હતા અને કેપ્શનમાં લખેલું હતું કે, “મોદી હૈ તો મુમકિન હૈ.” આવાં અનેક મીમ્સ અને પોસ્ટ કોંગ્રેસે શેર કર્યાં છે.
3,30,00,00,00,000 रुपए मात्र pic.twitter.com/VB0nQALmHA
— Congress (@INCIndia) October 25, 2025
જોકે, LICએ અગાઉ જ આ તમામ આરોપોને સ્પષ્ટ રીતે નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેનાં તમામ રોકાણો, જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ એસઇઝેડમાં 570 મિલિયન ડોલરની હિસ્સેદારીનો પણ સમાવેશ થાય છે, તે સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કરવામાં આવ્યાં છે. આ રોકાણ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ દ્વારા AAA રેટિંગ પ્રાપ્ત કંપનીમાં સંપૂર્ણ ચકાસણી બાદ કરવામાં આવ્યું હતું.
Modi Hai To Mumkin Hai pic.twitter.com/Ov5BlqhFzn
— Congress (@INCIndia) October 25, 2025
વૉશિંગ્ટન પોસ્ટ અને કોંગ્રેસે નુકસાનનો જે આરોપ લગાવ્યો છે તે ખોટો છે. વાસ્તવમાં LICને અદાણીનાં રોકાણથી નોંધપાત્ર નફો થયો છે. ખાસ વાત એ છે કે LICની રિલાયન્સમાં 6.9% હિસ્સેદારી છે, જે લગભગ ₹1.3 લાખ કરોડની છે અને ટાટામાં 15.9% હિસ્સેદારી છે, જે ₹82,800 કરોડની છે. આ અદાણીનાં રોકાણ કરતાં ઘણું વધારે છે, પરંતુ કોંગ્રેસ માત્ર અદાણી ગ્રુપનાં રોકાણને જ ટાર્ગેટ કરી રહી છે.
હમણાં કોંગ્રેસ મોદી પર LICનાં પૈસા અદાણીને આપવાનો આરોપ લગાવીને મીમ્સ બનાવે છે, પણ તે ભૂલી ગઈ છે કે તેની પોતાની સરકારે LICનાં નાણાંનો કેવો ઉપયોગ કર્યો હતો. UPA સરકાર ખાસ કરીને તેના બીજા કાર્યકાળમાં LICનો સરકારી ખોટ છુપાવવા અને ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો પૂરા કરવા માટે બેલઆઉટ ખરીદદારની જેમ એટલે કે ખાનગી ATMની જેમ ઉપયોગ કરતી હતી.
ખોટ બે ગણી હતી, ડિસઇન્વેસ્ટમેન્ટનાં લક્ષ્યાંકો પૂર્ણ થતાં નહોતાં, કારણ કે ખોટમાં ચાલતા સરકારી ઉપક્રમોના શેરોમાં માર્કેટમાં કોઈને રસ નહોતો. નાણાકીય ખોટ વધતી જતી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે વારંવાર LICને દબાણ કર્યું હતું કે તે આ ખોટમાં ચાલતા PSU શેરો ખરીદી લે. પોલિસીધારકોના નાણાંનો ઉપયોગ સરકારની નાણાકીય સ્થિતિ સુધારવા માટે કરવામાં આવ્યો હતો. ઓછા વળતર આપતા રોકાણો કરાવવામાં આવ્યાં, ફક્ત મનસ્વી ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકો પૂરા કરવા માટે.
આજે જ્યાં LICનાં રોકાણો પારદર્શી છે અને સારો નફો આપી રહ્યાં છે, ત્યાં UPAએ LICને PSU ડિસઇન્વેસ્ટમેન્ટમાં બળજબરીથી સામેલ કરીને તોતિંગ ખોટ ખવડાવી હતી. 2013ના ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, LICએ સરકારને બચાવવા માટે ખરીદેલા ઘણા PSU શેરોમાં ₹3,000 કરોડથી વધુનું નુકસાન થયું હતું.
UPAની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના કાગળ પર તો મોટી હતી, પરંતુ ખાનગી ક્ષેત્રમાંથી ખરીદદારો મળતા નહોતા. અર્થતંત્ર નબળું હતું, PSU શેરો મોંઘા હતા અથવા ખરાબ પ્રદર્શન કરી રહ્યા હતા. ખાનગી રોકાણકારો દૂર ભાગી રહ્યા હતા. આવી સ્થિતિમાં સરકાર LIC પર સંપૂર્ણપણે નિર્ભર થઈ ગઈ હતી કે તે બાકી રહેલા શેરો ખરીદી લે. પરિણામે ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્યાંકો તો પૂરા થયા, પરંતુ આ વાસ્તવમાં ખાનગીકરણનો દેખાડો હતો. સરકારને આવક દેખાડવાનો અને નાણાકીય સ્થિતિ સુધારવાનો રસ્તો મળી ગયો હતો.
UPA-2 (2009-2014) દરમિયાન LICએ ઘણા મોટા ઑફર ફૉર સેલ (OFS) અને ફૉલો-ઑન પબ્લિક ઑફરમાં (FPO) 40થી 70 ટકા સુધીનો હિસ્સો લીધો હતો. કુલ મળીને ₹30,000 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું, ફક્ત વેચાણ બચાવવા માટે.
LIC ઘણા કિસ્સાઓમાં સૌથી મોટી રોકાણકાર હતી. ઉદાહરણ તરીકે 2010માં NTPCના FPOમાં LICએ 49.48% હિસ્સો લીધો, એટલે કે ₹8,200 કરોડના ઇશ્યૂમાંથી લગભગ ₹4,058 કરોડ. આ તે વર્ષે NMDC સહિત ₹10,000 કરોડથી વધુના પ્રયાસનો ભાગ હતો. તે જ વર્ષે NMDCના FPOમાં LICએ 63.72% હિસ્સો લીધો, એટલે કે ₹9,900 કરોડના માઇનિંગ સ્ટેક સેલમાંથી લગભગ ₹6,310 કરોડ. ઓછી બોલી આવવાથી LICએ મુખ્ય એન્કરની ભૂમિકા નિભાવી. 2012માં NMDCના ફૉલો-અપ OFSમાં LICએ લગભગ 47% એટલે કે ₹597 કરોડના ઑફરમાંથી ₹278 કરોડના શેર લીધા, કારણ કે રિટેલ રોકાણકારો આવ્યા નહોતા.
2013માં આ સિલસિલો વધવા લાગ્યો. ONGCના ₹12,700 કરોડના OFSમાં LICએ 96% એટલે કે ₹12,179 કરોડના શેર લીધા. આ તેલ-ગેસ ક્ષેત્રમાં સૌથી મોટી એકલ ખરીદી હતી. SAILના ₹1,500 કરોડના OFSમાં LICએ 70.57% એટલે કે લગભગ ₹1,058 કરોડ લીધા, જેનાથી તેની સ્ટીલ PSUમાં હિસ્સેદારી લગભગ 9% થઈ ગઈ.
ફેબ્રુઆરી 2013માં NTPCના OFSમાં LICએ લગભગ 49% હિસ્સો લીધો, એટલે કે ₹3,570 કરોડના ઑફરમાંથી ₹1,765 કરોડ. હિન્દુસ્તાન કોપરના ₹1,225 કરોડના OFSમાં LICનો હિસ્સો લગભગ 44% હતો, એટલે કે ₹608 કરોડ. આખરે 2014માં BHELની ₹2,685 કરોડની બ્લોક ડીલને LICએ સંપૂર્ણપણે ખરીદી લીધી, 5.94% હિસ્સેદારી લીધી અને ઇજનેરી PSUમાં તેની હોલ્ડિંગ 14.99% થઈ ગઈ.
આ અલગ-અલગ રોકાણો નહોતાં, પરંતુ એક ચોક્કસ પેટર્ન હતી. LICની ખરીદીથી UPAને દર વર્ષે ₹40,000 કરોડના લક્ષ્યાંકો પૂરા કરવામાં મદદ મળી હતી, જ્યારે વૈશ્વિક રોકાણકારોએ મોઢું ફેરવી લીધું હતું. અદાણીની હાઇ-ગ્રોથ કંપનીઓની વિરુદ્ધ આમાંના ઘણા PSU ખરાબ પ્રદર્શન કરી રહ્યા હતા, જેનાથી LICના કોષની વેલ્યૂ પણ ઘટી ગઈ હતી.
ફક્ત ડિસઇન્વેસ્ટમેન્ટ જ નહીં, UPAએ LICનો વધુ ખરાબ ઉપયોગ પણ કર્યો હતો. ખાસ તો નાણાકીય ખોટ છુપાવવા માટે. 2011-12માં ખોટ GDPના 6.5% સુધી પહોંચી ગઈ. દેવું મોંઘું થઈ રહ્યું હતું, બૉન્ડ માર્કેટ સરકારના કાગળો લેતી નહોતી. આવી સ્થિતિમાં સરકારે LICને ‘કૅપ્ટિવ ફંડ સોર્સ’ બનાવી દીધું. લાંબાગાળાના બૉન્ડ ખરીદવાનું કહ્યું, ખોટમાં ચાલતી બેંકોને રિકૅપિટલાઇઝ કરવા અને એર ઇન્ડિયા તેમજ BSNL જેવા ખોટમાં ચાલતા PSUમાં મૂડી રોકવા માટે દબાણ કર્યું હતું.
UPA-2ના અંતિમ વર્ષોમાં LICએ ઘણી PSU બેંકોને બચાવી, જે ઊંચા NPAથી ઝઝૂમી રહી હતી. ઇક્વિટી અને બૉન્ડમાં રોકાણ કર્યું. UPA સરકાર દ્વારા જારી કરાયેલા હજારો કરોડના ઓઇલ બૉન્ડ LICએ જ ખરીદ્યા. આ ઓઇલ બૉન્ડ ભવિષ્યના બજેટ પર બોજ હતા.
એવું નથી કે NDA સરકારમાં LIC PSU શેર ખરીદતી નથી. તે ખરીદે છે, પરંતુ તે રેગ્યુલર રોકાણો હોય છે, બેલઆઉટ નહીં. પ્રાઇવેટ ઇક્વિટી અને બૉન્ડમાં રોકાણ, જેમાં અદાણી ગ્રુપનો પણ સમાવેશ થાય છે, તે રેગ્યુલર રોકાણનો ભાગ છે, જેથી ફંડ પર વળતર મળે.
આ ઉપરાંત, LICની રણનીતિ એવી છે કે સારા સ્ટોક્સ જ્યારે નીચે હોય ત્યારે ખરીદો અને જ્યારે કિંમત વધે ત્યારે વેચો. આ સ્ટોક માર્કેટ માટે વિપરીત લાગી શકે, પરંતુ LICની કન્ઝર્વેટિવ રોકાણ નીતિ માટે આ બિલકુલ યોગ્ય છે. આ જ કારણે હિંડનબર્ગના આરોપો બાદ પણ જ્યારે અદાણીના સ્ટોક્સ ઘટ્યા, ત્યારે LICએ ખરીદ્યા અને પછી કિંમત વધવા પર વેચીને નફો કમાયો.


