પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતાંની સાથે જ પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક બંગાળની નવી સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન શરૂ થઈ ગયાં છે તો ક્યાંક કટ્ટરપંથી મૌલાનાઓ રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને જાહેરમાં મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. માત્ર કટ્ટરપંથીઓ જ નહીં પરંતુ બાંગ્લાદેશ સરકારના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોમાં પણ આ પરિવર્તનને લઈ ભારે ફફડાટ વ્યાપ્યો છે.
આ અશાંતિ પાછળનું કારણ માત્ર સત્તા પરિવર્તન કે TMCની જગ્યાએ ભાજપના આવવા પૂરતું મર્યાદિત નથી. અશાંતિનું મૂળ કારણ છે આ સત્તા પરિવર્તન દ્વારા થનાર વિચારધારાનું પરિવર્તન. અત્યાર સુધી ભારતની સરહદ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે પ્રવેશદ્વાર સમાન હતી. મમતા બેનર્જી આ સરહદ સીલ કરવાનો વિરોધ કરી રહ્યાં હતાં, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. શુભેન્દુ અધિકારીએ સરહદ પર ફેન્સિંગને (તારબંધી) પ્રાથમિકતા આપી છે અને આ કડક વલણ જ કટ્ટરપંથીઓની બેચેની વધારી રહ્યું છે.
શુભેન્દુ સરકારે ફેન્સિંગ માટે મમતા સરકારે રોકી રાખેલ જમીન BSFને સોંપી
પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળતાંની સાથે જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોતાના પ્રથમ નિર્ણયોમાં ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપી છે. નવી સરકારે નિર્ણય લીધો છે કે ભારત-બાંગ્લાદેશ સરહદ પર જે વિસ્તારોમાં અત્યાર સુધી ફેન્સિંગ થઈ શકી નહોતી, ત્યાં જરૂરી જમીન 45 દિવસની અંદર BSFને સોંપી દેવામાં આવશે.
શુભેન્દુ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની સરકાર સરહદ સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયથી સરહદ પર ફેન્સિંગ પૂર્ણ થયા બાદ ડેમોગ્રાફી બદલવાના કાવતરા હેઠળ થતી ઘૂસણખોરી, પશુઓની તસ્કરી અને ગેરકાયદેસર નેટવર્ક પર રોક લાગશે.
આ જમીનનો મુદ્દો મમતા બેનર્જીની TMC સરકારના કાર્યકાળ દરમિયાન અટવાયેલો હતો. આ મામલો કલકત્તા હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો ત્યારે હાઇકોર્ટે તત્કાલીન મમતા સરકારને BSFને નિર્ધારિત જમીન ન આપવા બદલ ફટકાર લગાવી હતી અને સરકારના અધિકારીને ₹25 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશમાં અશાંતિ
શુભેન્દુ સરકારના આ નિર્ણયથી બાંગ્લાદેશમાં ફફડાટ વધી ગયો છે. અહેવાલ અનુસાર, બાંગ્લાદેશના વડા પ્રધાન તારિક રહેમાનના વિદેશ બાબતોના સલાહકાર હુમાયુ કબીરે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે બાંગ્લાદેશને ‘કાંટાળા તાર’થી નહીં ડરાવી શકાય. આ સાથે જ બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડને એલર્ટ પર રાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
એટલે કે, જે નિર્ણયને પશ્ચિમ બંગાળની નવી ભાજપ સરકાર સીમા સુરક્ષા અને રાષ્ટ્રીય હિત સાથે જોડીને જોઈ રહી છે, તે જ નિર્ણયે બાંગ્લાદેશના રાજકીય અને કટ્ટરપંથી વર્તુળોમાં અકળામણ વધારી દીધી છે.
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને કટ્ટરપંથીઓના ઉશ્કેરણી જનક નિવેદનો
બાંગ્લાદેશમાં ભાજપ સરકારના આગમન બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓમાં ભારે ખળભળાટ મચ્યો છે. એક કટ્ટરપંથીઓ રસ્તા પર ઉતરીને બંગાળની નવી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ, અનેક મૌલાનાઓ પણ ખુલ્લેઆમ બંગાળની ભાજપ સરકાર અને હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓંકતા જોવા મળી રહ્યા છે.
🚨 A radical Islamist group from #Bangladesh 🇧🇩 called "Islami Andolan" is protesting against the BJP govt in West Bengal. They want to fight a war.
— Bangladeshi Hindus Community🚨🇧🇩 (@Hindubd49346) May 11, 2026
They also want to bring back Mamata Banerjee and the TMC party to power in West Bengal. pic.twitter.com/FZMw3S0Wtk
એક વાયરલ વિડીયોમાં બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન ‘ઇન્સાફ કાયમકારી છાત્ર શ્રમિક જનતા’ સાથે જોડાયેલા મૌલાનાએ હિંદુઓ પ્રત્યે નફરત ઠાલવતા કહ્યું કે, “જો ભારતના 40 કરોડ મુસ્લિમો ગુસ્સે થશે તો હિંદુઓ બચશે નહીં.” તેણે પાકિસ્તાનની મદદથી ભારત પર હુમલો કરવા અને ‘ત્રણ કલાકમાં કબજો’ કરવા જેવી ઉશ્કેરણીજનક નિવેદનો પણ કર્યાં હતાં.
આ વિડીયોમાં તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંઘ, અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નામ લઈને ધમકી આપી હતી.
મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને ધમકીઓ
બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ શખ્સ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને સરહદ પર દફનાવી દેવાની ધમકી આપી રહ્યો છે. આ વિડીયો ‘ધ ઇન્કલાબ’ નામના ફેસબુક પેજ પરથી પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. જોકે, પોલીસ આ વિડીયોની સત્યતા ચકાસવા માટે તપાસ કરી રહી છે.
બીજી તરફ, બાંગ્લાદેશી મૌલાના ઇનાયતુલ્લાહ અબ્બાસી કહી રહ્યો છે કે જો બંગાળમાં મુસ્લિમો સુરક્ષિત ન હોય તો બાંગ્લાદેશમાં પણ હિંદુઓને સુરક્ષિત નહીં રહેવા દેવામાં આવે. વધુમાં તે બાંગ્લાદેશની તારિક રહેમાન સરકારને ભારત સાથેના વ્યાપારી સંબંધો તોડી નાખવાની ચેતવણી આપીને ઉશ્કેરી રહ્યો છે.
બંગાળમાં ‘પરિવર્તન’ની ગ્રાઉન્ડ રિયાલિટી: સરહદપારના અવળા ધંધા હવે થશે બંધ
પશ્ચિમ બંગાળમાં ભાજપની વધતી રાજકીય તાકાત અને ચૂંટણીમાં મળેલી સફળતા બાદ બાંગ્લાદેશનો ફફડાટ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બંગાળની અંદાજે 2200 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે અને તેનો એક મોટો ભાગ ખુલ્લો હતો. વર્ષોથી આ વિસ્તાર ગેરકાયદે ઘૂસણખોરી, પશુઓની દાણચોરી, નકલી નોટોનું નેટવર્ક અને કટ્ટરપંથી ગતિવિધિઓનું કેન્દ્ર બનેલો હતો.
પશ્ચિમ બંગાળમાં તુષ્ટીકરણની રાજનીતિને કારણે સીમા સુરક્ષાને લઈ મમતા બેનર્જીની સરકારમાં ખૂબ ઢીલું વલણ રાખવામાં આવ્યું હતું. વોટ બેન્કની રાજનીતિને લીધે ગેરકાયદે ઘૂસણખોરોને રક્ષણ મળતું રહ્યું અને ધીમે-ધીમે અનેક સરહદી જિલ્લાઓની ડેમોગ્રાફી પણ બદલાતી ગઈ. ત્યાં સુધી કે એવી વાતો પણ સામે આવી કે બાંગ્લાદેશ તરફથી કરવામાં આવતા ગેરકાયદે કાર્યોને તૃષ્ટિકરણ રાજનીતિમાં ડૂબેલી સરકારની ‘મમતા’ મળી રહી હતી.
હવે જેમ-જેમ ભાજપનો પ્રભાવ વધી રહ્યો છે તેમ-તેમ એવા તત્વોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે જેઓ સરહદ પારથી ચાલતા ગેરકાયદે કારોબાર અને રાજકીય સંરક્ષણ પર નિર્ભર હતા. બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠનો, ત્યાંના મજહબી નેતાઓ અને સરકારી અધિકારીઓની પ્રતિક્રિયાઓને આ સંદર્ભમાં જોવાની જરૂર છે. તેમને ડર છે કે જો બંગાળમાં કડક વહીવટી વ્યવસ્થા લાગુ થશે તો અત્યાર સુધી જે ગેરકાયદે પ્રવૃત્તિઓને રક્ષણ મળતું હતું તેના પર અંકુશ આવી જશે.


