હોમપેજરાજકારણઆસામના કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની પત્નીનું પાકિસ્તાન કનેક્શન, સાંસદે પણ લીધી હતી...

આસામના કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈની પત્નીનું પાકિસ્તાન કનેક્શન, સાંસદે પણ લીધી હતી પાડોશી દેશની મુલાકાત: સીએમ હિમંતાએ કર્યા ઘટસ્ફોટ– SIT તપાસમાં શું સામે આવ્યું?

સીએમ સરમાએ જણાવ્યું કે એલિઝાબેથે ભારતમાં થતી અમુક ગતિવિધિઓની માહિતી એકઠી કરીને પાકિસ્તાન તેના રિપોર્ટ મોકલ્યા હતા. જેમાં એક પચાસ પાનાનો ગુપ્ત દસ્તાવેજ પણ સામેલ છે, જે શેખને મોકલવામાં આવ્યો હતો અને તેમાં ઇન્ટેલિજન્સ બ્યુરોનાં (IB) સૂત્રોનો ઉલ્લેખ છે.

- Advertisement -

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે (8 ફેબ્રુઆરી) એક અગત્યની પ્રેસ કૉન્ફરન્સ સંબોધી. આ લાંબી પ્રેસ કૉન્ફરન્સનો વિષય હતો આસામ કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈના પાકિસ્તાન જોડાણ સંદર્ભે બેસાડવામાં આવેલી વિશેષ તપાસ સમિતિએ (SIT) સોંપેલો રિપોર્ટ. SITએ તપાસ પૂર્ણ કરીને મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો, જેની ઉપર કેબિનેટમાં ચર્ચા થયા બાદ મુખ્યમંત્રીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં અમુક વિગતો સાર્વજનિક કરી અને કોંગ્રેસ નેતા અને તેમની બ્રિટિશ પત્ની વિશે અમુક ઘટસ્ફોટ કર્યા.

સીએમ સરમાએ જણાવ્યું કે તેમની સરકાર આ કેસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલી રહી છે, કારણ કે અમુક સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો એવી છે, જે રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી. જેથી હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય જે-તે એજન્સી પાસે વિગતવાર તપાસ કરાવશે.

પ્રેસ કૉન્ફરન્સમાં આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું કે SITની તપાસમાં અમુક ગંભીર બાબતો જાણવા મળી છે અને લોકસભાના વર્તમાન સાંસદની સંડોવણી બહાર આવતાં મામલો વધુ ગંભીર બની જાય છે. તેમણે આરોપ લગાવ્યો કે ભૂતકાળમાં ગોગોઇની અનેક પ્રવૃત્તિઓ સામે આવી છે જે પાકિસ્તાન સંદર્ભે તેમના વલણ પર શંકા ઉત્પન્ન કરે છે. જેમાં 2015માં પાકિસ્તાન હાઈકમિશનમાં એક યુથ ડેલિગેશનનું નેતૃત્વ હોય કે તત્કાલીન હાઈકમિશનર અબ્દુલ બાસિત સાથેની મુલાકાત હોય.

- Advertisement -

ગોગોઇની પત્ની એલિઝાબેથ વિશે સીએમ સરમાએ જણાવ્યું કે તેઓ પહેલાં પૂર્વ યુએસ સીનેટર ટોમ ઉડાલ સાથે કામ કરી ચૂક્યાં છે, જે સીનેટરના જ્યોર્જ સોરોસ સાથે સંબંધો પણ રહ્યા છે. સોરોસે ભૂતકાળમાં મોદી સરકાર વિરુદ્ધ જાહેરમાં નિવેદનો આપ્યાં છે અને ઉથલાવવાની મનસા પણ વ્યક્ત કરી ચૂક્યા છે.

મુખ્ય આરોપ એ છે કે એલિઝાબેથ ગોગોઇનું કનેક્શન પાકિસ્તાનના એક અલી તૌકીર શેખ સાથે હોવાનું જાણવા મળ્યું છે. તપાસ મુજબ એલિઝાબેથે માર્ચ 2011થી માર્ચ 2012 દરમ્યાન પાકિસ્તાનની એક સંસ્થા LEAD પાકિસ્તાનમાં કામ કર્યું હતું, જ્યાં તૌકીર શેખ સાથે તેમની મુલાકાત થઈ હતી. તૌકીર શેખને પાકિસ્તાની એજન્ટ ગણાવવામાં આવી રહ્યો છે, જેનાં પાકિસ્તાનની સેના અને ISI સાથે પણ જોડાણ હોવાનું જાણવા મળ્યું છે.

સીએમ સરમાએ જણાવ્યું કે તૌકીર શેખ વૈશ્વિક મંચો પર ભારતવિરોધી નરેટિવ ચલાવવા માટે કુખ્યાત છે. 2010થી 2013 વચ્ચે તે લગભગ 13 વખત ભારત આવ્યો હતો. તેમણે તત્કાલીન UPA સરકાર પર સવાલો ઉઠાવીને કહ્યું કે ત્યારની સરકારે ભારતવિરોધી વલણ હોવા છતાં આ માણસને ભારત આવવા દીધો હતો.

સીએમ સરમાએ SIT રિપોર્ટને ટાંકીને જણાવ્યું કે એલિઝાબેથની બદલી ભારત થઈ ગઈ હતી પણ ત્યારબાદ પણ તેમણે પાકિસ્તાની ફર્મ પાસેથી પગાર મેળવવાનો ચાલુ રાખ્યો હતો. ઉપરાંત તેમને ભારત મોકલવા માટેનો એપોઇન્ટમેન્ટ લેટર તેમના ટ્રાન્સફરના એક વર્ષ પહેલાં ઇસ્યુ કરી દેવામાં આવ્યો હતો. SITમાં એ પણ જાણવા મળ્યું કે LEAD ઇન્ડિયાને LEAD પાકિસ્તાન હેઠળ લઈ લેવામાં આવ્યું હતું, જેથી એલિઝાબેથનો પગાર પાકિસ્તાનથી પણ થઈ શકે અને FCRA નિયમોનું ઉલ્લંઘન ન થાય.

જોકે LEAD પાકિસ્તાન સીધી રીતે એલિઝાબેથને પગાર મોકલી શકે એમ ન હતું, કારણ કે FCRA હેઠળ ફંડ ટ્રાન્સફર માત્ર ભારતીય નાગરિકોને જ થઈ શકે અને એલિઝાબેથ ભારતીય નાગરિક નથી. જેથી ફંડ પહેલાં LEAD ઇન્ડિયા મોકલવામાં આવતું અને ત્યાંથી પગાર થતો હતો.

એલિઝાબેથ ગોગોઈએ LEAD ઇન્ડિયામાં ભાવના લુથરા નામની એક સ્ત્રીના હાથ નીચે કામ કર્યું હતું, જેમની પણ SITએ પૂછપરછ કરી હતી. LEAD ઇન્ડિયાના નાણાકીય વ્યવહારો ચકાસતાં જાણવા મળ્યું કે સંસ્થાએ LEAD પાકિસ્તાન પાસેથી સંસ્થાના કામના નામે પૈસા લીધા હતા પણ એ વાસ્તવમાં એલિઝાબેથના પગાર માટે રકમ મોકલાતી હતી.

સીએમ સરમાએ એ પણ જણાવ્યું કે એલિઝાબેથનાં પાકિસ્તાનમાં અમુક સક્રિય અકાઉન્ટ છે, જ્યાં તેમને પૈસા મળતા હતા પરંતુ આ બાબતો તેમણે SITને જણાવી નથી. અન્ય એક તથ્ય એ પણ સામે આવ્યું છે કે એલિઝાબેથનો પગાર ભારતમાં તેમના ઉપરીઓ કરતાં પણ ઘણો વધારે હતો. જેમકે એલિઝાબેથને અઢી લાખ રૂપિયા મળતા હતા, જ્યારે ભાવનાનો પગાર માત્ર ₹50,000 હતો.

તપાસ અનુસાર એલિઝાબેથને પાકિસ્તાનની FCRA મારફતે કુલ ₹82.41 લાખ મળ્યા હતા. LEAD ઇન્ડિયાને LEAD પાકિસ્તાન પાસેથી ₹63.48 લાખ મળ્યા હતા, જ્યારે સપ્ટેમ્બર 2012થી નવેમ્બર 2014 સુધી મળેલી રકમ ₹91.27 લાખ હતી. જેમાંથી 90% હિસ્સો માત્ર ગૌરવ ગોગોઈની પત્નીના ખાતામાં જ ગયો.

બીજી એક હકીકત તપાસમાં એ સામે આવી કે એલિઝાબેથ ભલે ભારતમાં LEAD ઇન્ડિયામાં ભાવના લુથરાના હાથ નીચે કામ કરતાં હોય પણ તેઓ રિપોર્ટ એશિયન રિજનલ ડાયરેક્ટર અલી તૌકીર શેખને કરતાં હતાં, જેઓ ઇસ્લામાબાદમાં રહે છે.

સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં જુદા-જુદા દેશનાં યુનિટનાં સમાન રેન્ક અને સ્ટેટસ હોય છે. એટલે કે જેટલું મહત્ત્વ ભારતના યુનિટનું હોય, એટલું જ મહત્ત્વ યુકે કે ફ્રાન્સના યુનિટનું પણ હોવાનું. પણ આ કિસ્સામાં એલિઝાબેથ એક એવી સંસ્થામાં કામ કરતાં હતાં જે ભારતમાં નામની જ કામ કરતી અને તેની ઉપર સીધું પાકિસ્તાનનું નિયંત્રણ હતું. એટલે કે એલિઝાબેથની બદલી ભલે ભારત થઈ ગઈ હોય પણ તેઓ પાકિસ્તાની સંસ્થાના ‘શેડો એમ્પ્લોય’ તરીકે કામ કરતાં રહ્યાં.

અન્ય એક ઘટસ્ફોટ કરતાં સીએમ સરમાએ જણાવ્યું કે એલિઝાબેથે ભારતમાં થતી અમુક ગતિવિધિઓની માહિતી એકઠી કરીને પાકિસ્તાન તેના રિપોર્ટ મોકલ્યા હતા. જેમાં એક પચાસ પાનાનો ગુપ્ત દસ્તાવેજ પણ સામેલ છે, જે શેખને મોકલવામાં આવ્યો હતો અને તેમાં ઇન્ટેલિજન્સ બ્યુરોનાં (IB) સૂત્રોનો ઉલ્લેખ છે. આઈબી ભારતમાં આંતરિક ઇન્ટેલિજન્સનું કામ કરે છે, જેથી આ ઑફિશિયલ સિક્રેટ એક્ટનું પણ ઉલ્લંઘન છે.

LEAD ઇન્ડિયામાં કામ કરતી વખતે એલિઝાબેથે છ વખત ઇસ્લામાબાદની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે આ સંસ્થા છોડી અને ઓક્સફોર્ડ પોલિસી મેનેજમેન્ટ જોઇન કર્યું, ત્યારબાદ ત્રણ વખત પાકિસ્તાન ગયાં હતાં. દરેક વખતે તેઓ ફ્લાઇટથી જવાના સ્થાને અટારી સરહદેથી ગયાં હતાં. જોકે એલિઝાબેથે પાકિસ્તાનની મુલાકાત લીધી હોવાની જાણ ભાવના લુથરાને ન હોવાનું તેમણે પૂછપરછમાં જણાવ્યું હતું.

પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ સરમાએ ગૌરવ ગોગોઇ પર પણ આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું કે લોકસભા ચૂંટણીના બરાબર પાંચ મહિના પહેલાં ગૌરવ ગોગોઈ પાકિસ્તાન ગયા હતા અને તેઓ પણ જમીન માર્ગે જ ગયા હતા.

સીએમએ જણાવ્યું કે ગૌરવના વિઝા માત્ર લાહોર માટેના જ હતા, પણ પાકિસ્તાન ગયા બાદ તેમના વિઝાની મુદત લંબાવવામાં આવી અને સ્થળમાં પણ ઈસ્લામાબાદ અને કરાંચીનો ઉમેરો કરવામાં આવ્યો. આ એક્સ્ટેંશન પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના એક પત્રના આધારે આપવામાં આવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

મુખ્યમંત્રી જણાવે છે કે ગૌરવનું વ્યક્તિત્વ પાકિસ્તાન મુલાકાત બાદ સંપૂર્ણ બદલાઈ ગયું હતું અને લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમણે અમુક સંવેદનશીલ બાબતો પર પ્રશ્નો ઉઠાવવાના શરૂ કર્યા હતા. જેમકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, યુરેનિયમ રિઝર્વ, સરહદીય સુરક્ષા, ડિફેન્સ હાર્ડવેર અને સોફ્ટવેર, એર પાવર, ડોમેસ્ટિક વેપન મેન્યુફેક્ચરિંગ વગેરે.

સીએમ સરમાએ એક ક્લિપ પણ રજૂ કરી, જેમાં ગૌરવ ગોગોઈ કહે છે કે તેમણે પાકિસ્તાનની મુલાકાત એટલા માટે લીધી હતી કારણ કે તેમનાં પત્ની ત્યાં કામ કરતાં હતાં. પરંતુ હકીકત એ છે કે એલિઝાબેથની બદલી એક વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી.

ગોગોઇની પુત્રી લંડનમાં જન્મી હોવાના કારણે બ્રિટિશ નાગરિક છે. તેમનો પુત્ર ભારતીય હતો. પણ મે 2022માં તેનો પાસપોર્ટ પણ સરેન્ડર કરી દેવાયો હતો. ત્યારબાદ બ્રિટિશ પાસપોર્ટ બનાવાયો, પણ તેમાં ધર્મનો કોઈ ઉલ્લેખ નથી જ્યારે ભારતના પાસપોર્ટમાં ધર્મ હિંદુ લખવામાં આવ્યો હતો. સીએમ સરમાએ કહ્યું કે ગોગોઇનો પુત્ર હવે ખ્રિસ્તી બની જશે અને ગોગોઈ પોતાના જ પરિવારમાં લઘુમતી થઈ રહ્યા છે.

સીએમએ જણાવ્યું કે પહેલાં કેસની તપાસ આસામ CID કરી રહી હતી, પરંતુ અમુક માહિતી મેળવવા માટે ઈન્ટરપોલની મદદ જોઈએ છે અને અમુક ક્લાસિફાઇડ ડેટાની પણ જરૂર પડશે, જે આસામ પોલીસના કાર્યક્ષેત્રની બહારની બાબત છે. કેબિનેટે આ મામલે 7 ફેબ્રુઆરીના રોજ ચર્ચા કરી હતી અને ત્યારબાદ મામલો કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે આગળની તપાસ ગૃહ મંત્રાલય કરશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં