ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે હમણાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટનો મારો ચલાવીને ગામ ગજવી મૂક્યું. ગોપાલે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે ગુજરાત પોલીસ તેમના સુરતના ઘરે પહોંચી ગઈ હતી અને તેમનાં માતાને પરેશાન કરીને ધાકધમકી આપી હતી અને ગેરવર્તન કર્યું હતું. આ બધું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઇશારે થતું હોવાનાં રોદણાં પણ ગોપાલે રડ્યાં.
X પર કરેલી પોસ્ટમાં ગોપાલ લખે છે, ‘દૂરદરાજના ગામમાં એક સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા ગોપાલ ઈટાલિયાનું રાજકારણમાં આવવું ગુનો બની ગયું?’
दूरदराज के गाँव के एक साधारण किसान परिवार में पैदा हुए गोपाल इटालिया का राजनीति में आना गुनाह हो गया?
— Gopal Italia (@Gopal_Italia) April 7, 2026
गुजरात के गृहमंत्री हर्ष संघवी ने निम्नता की सारी हदे आज पार कर दी। आज सुबह सूरत के मेरे घर पर हर्ष संघवी ने पुलिस भेज कर मेरी बूढ़ी माता को डराने धमकाने की कोशिश करी। पुलिस…
આગળ ગોપાલે લખ્યું, ‘ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિમ્નતાની હદ પાર કરી નાખી. આજે સવારે સુરતના મારા ઘરે હર્ષ સંઘવીએ પોલીસ મોકલીને મારાં વૃદ્ધ માતાને ડરાવવા-ધમકાવવાના પ્રયાસ કર્યા. પોલીસ દ્વારા માતાજી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને પણ ‘ગોપાલ ક્યારે આવે છે, ક્યારે જાય છે’ સવાલ પૂછીને પરોક્ષ રીતે ડરાવવાના પ્રયાસો કરવામાં આવ્યા.’
ગોપાલ ધરાર ઈમોશનલ થઈને પૂછે છે કે, ‘મારી માતાનો ગુનો શું છે? તેમણે મને જન્મ આપ્યો અને ગુજરાતની જનતા માટે લડતાં શીખવ્યું એ વાતની સજા હર્ષ સંઘવી આપશે? સિનિયર સિટિઝનને ધમકાવવા માટે પોલીસ મોકલવી કેટલું યોગ્ય છે? હર્ષ સંઘવીને મારી સાથે તકલીફ હોય તો મને કૉલ કરીને જણાવી દે. મારી ધરપકડ કરવી હોય તો કોઈ પણ પોલીસ સ્ટેશન પર બોલાવી લે, હું સ્વયં આવી જઈશ, પરંતુ મારી માને ડરાવવાની શું જરૂર પડી ગઈ?’
ગોપાલ આગળ કહે છે કે ગાળાગાળીનું રાજકારણ બદલવા માટે તે રાજકારણમાં આવ્યો હતો પણ આજે પોતે દુખી છે કારણ કે તેના રાજકારણમાં હોવાના કારણે તેની માતાએ અપમાનિત થવું પડ્યું. જોકે અહીં એક હકીકત એ પણ છે કે ગોપાલે પોતે ભૂતકાળમાં અમુક વિડીયો બનાવીને વડા પ્રધાન અને અન્ય નેતાઓ વિશે આપત્તિજનક ભાષામાં ટિપ્પણીઓ કરી હતી. તે ગાળાગાળીનું રાજકારણ બદલવાની વાત કરે છે પણ પોતે સંતો અને કથાકારો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી ચૂક્યો છે.
પછીથી ગોપાલની આ પોસ્ટ આમ આદમી પાર્ટીના સમર્થકોએ બહુ વાયરલ કરી અને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે સામી ચૂંટણીએ તેમના નેતાને અને તેમના પરિવારને પોલીસ મોકલીને હેરાન કરવામાં આવી રહ્યો છે. પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે પણ એક પોસ્ટ કરીને ગુજરાત પોલીસને ટાર્ગેટ કરી નાખી. પરંતુ આ બધાનું તૂત લાંબો સમય ટકી શક્યું નહીં.
गुजरात की बीजेपी सरकार ने गुंडागर्दी की सारी हदें पार कर दी हैं। https://t.co/8omMvHv9fa
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 7, 2026
થોડા જ કલાકોમાં હકીકત સામે આવી ગઈ. વાસ્તવમાં ન તો પોલીસ ગોપાલના ઘરે કારણ વગર ગઈ હતી, ન ત્યાં જઈને ગોપાલની માતા કે અન્ય કોઈને હેરાન-પરેશાન કર્યા હતા અને ધાકધમકી આપી હતી.
વાસ્તવમાં 2020માં ગોપાલ સામે મહેસાણામાં એક FIR દાખલ થઈ હતી, જે મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગોપાલને બોલાવવા છતાં તે સુનાવણીમાં રૂબરૂ હાજર ન થતાં કોર્ટે એક વૉરન્ટ ઇસ્યુ કર્યું હતું, જે બિનજામીનપાત્ર હતું.

વૉરન્ટ નીકળે એટલે તેને જે-તે વ્યક્તિ સુધી પહોંચાડીને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું કામ પોલીસનું હોય છે. આ જ કામ માટે મહેસાણા પોલીસની એક ટીમ સુરત ગોપાલ ઈટાલિયાના નિવાસસ્થાને પહોંચી હતી.
પોલીસ સૂત્રો અનુસાર, ટીમ પહોંચી ત્યારે ગોપાલ ઘરે ન હતો. તેની માતાને પૂછવામાં આવ્યું જેમણે જણાવ્યું કે ગોપાલ ઘરે નથી. ત્યારબાદ પોલીસે આગળ કોઈ પણ પ્રકારની માથાકૂટ કર્યા વગર માત્ર ઘરનો ફોટો પાડીને ત્યાંથી રવાના થઈ ગયા. કારણ કે પોલીસે પોતે વૉરન્ટની બજવણી કરવા માટે ઘરની મુલાકાત લીધી હતી તેવું રેકર્ડ પર દર્શાવવું પડે છે. પોલીસનું કહેવું છે કે કોઈને ધાકધમકી આપવામાં આવી ન હતી.
ગોપાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર પોતાને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનું કહ્યું, માતાનું નામ પણ વચ્ચે લાવ્યો પણ એ ન જણાવ્યું કે પોલીસ વૉરન્ટ લઈને આવી હતી.
આ હકીકત સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર એક ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં ગોપાલ ઈટાલિયાનો અવાજ સાંભળવા મળે છે. સામે ‘જીતુ’ નામની વ્યક્તિ સાથેની વાતચીત પરથી લાગે છે કે તેમને ખબર હતી કે પોલીસ વૉરન્ટ લઈને આવશે.
वारंट काण्ड में अब @Gopal_Italia का एक नया ऑडियो वायरल हुआ है जिससे स्पष्ट पता चलता है की गोपाल को पता था की पुलिस कोर्ट का समन लेकर उसके सूरत निवास पर जाने वाली है और इस ऑडियो में गोपाल साफ़ ये कहते हुए सुनाई दे रहे हैं की आने दो पुलिस को कोर्ट का वारंट लेकर ताकि उन्हें इसका… https://t.co/PNqm1iYZ8E pic.twitter.com/cSRytww3rf
— Nirnay Kapoor (@nirnaykapoor) April 7, 2026
‘જીતુ’ ગોપાલને જણાવે છે કે પોલીસ વૉરન્ટ લઈને આવી શકે છે, પણ ગોપાલ તેને ચિંતા ન કરવાનું કહીને કહે છે કે આવે ત્યારે તે સંભાળી લેશે. બંને વચ્ચે ગોપાલનાં માતા વિશે પણ વાતચીત થાય છે, જેમાં ગોપાલ કહેતો સંભળાય છે કે તો એમ કહેવાનું કે ભાજપવાળા માતાને હેરાન કરે છે.
આ ઑડિયો સામે આવ્યાના થોડા કલાકો બાદ બીજા દિવસની સવારે ગોપાલ ઈટાલિયાએ બીજો એક વિડીયો બનાવ્યો અને દાવો કર્યો કે તે એઆઈ જનરેટેડ ઑડિયો છે અને હર્ષ સંઘવીના આદેશથી બનાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીનો પણ દાવો છે કે આ ઑડિયો એઆઈ જનરેટેડ છે.
જોકે એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જો ગોપાલને લાગતું હોય કે તેમનો ખોટો અને એઆઈ ઑડિયો ફેરવવામાં આવી રહ્યો છે તો તેણે FSL તપાસની માંગ કરવી જોઈએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. પણ આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીએ આવું કશું કર્યું નથી અને ઉપરથી ફેક ઑડિયોનું રટણ ચાલુ રાખ્યું છે.
આમ આદમી પાર્ટી અને ગોપાલની દલીલો ત્યાં પણ નબળી પડે છે કે ઑડિયોમાં જે વાતચીત છે એમાં ભાષા, ઝડપથી માંડીને ખાસ તો કાઠિયાવાડી લહેકો બધું જળવાય રહ્યું છે. એઆઈ ટૂલની મદદથી આટલું પરફેક્શન લાવવું બહુ કઠિન કામ છે.
ઑડિયો સાચો છે કે ખોટો એ અલગ વાત થઈ ગઈ, પણ ગોપાલ ઈટાલિયાના ડ્રામા વધુ સમય ટકી શક્યા નહીં. એક તરફ તે કહે છે કે પોલીસે જો ધરપકડ કરવી હોય તો તેની કરે અને કોઈ પણ પોલીસ સ્ટેશને બોલાવી લે, પરંતુ બીજી તરફ જ્યાં કોર્ટ તેને બોલાવે છે ત્યાં એ જતો નથી અને એટલે કોર્ટે વૉરન્ટ કાઢવાં પડી રહ્યાં છે. આ વૉરન્ટ લઈને પોલીસ આવે છે ત્યારે એ વિક્ટિમ કાર્ડ રમવા મંડી પડે છે, પણ સાચું કારણ જણાવતો નથી.
હવે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે ચૂંટણી પહેલાં ગોપાલની ધરપકડ થઈ શકે છે. પરંતુ તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ કાઢવામાં આવ્યું છે તે જણાવવામાં આવી રહ્યું નથી.
દર ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવાં બધાં નાટકો કરતા રહે છે અને દર વખતે પોલ ખુલી જાય છે. ગોપાલના કિસ્સામાં પણ આવું જ થયું છે.


