Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાતપ્રતિભા જૈન અમદાવાદના મેયર, જતીન પટેલ ડેપ્યુટી મેયર તરીકે ઘોષિત: દેવાંગ દાણી...

    પ્રતિભા જૈન અમદાવાદના મેયર, જતીન પટેલ ડેપ્યુટી મેયર તરીકે ઘોષિત: દેવાંગ દાણી બન્યા AMC સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન

    અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની જાહેરાત થઈ. બાકીની મહાનગર પાલિકાઓ માટેની જાહેરાત મંગળવાર, 12 સપ્ટેમ્બરના રોજ કળવામાં આવશે.

    - Advertisement -

    સોમવાર (11 સપ્ટેમ્બર 2023) ના રોજ અમદાવાદને તેના નવા મહિલા મેયર મળ્યા છે. આજે ગુજરાતની અમદાવાદ સહિતની 8 મહાનગરપાલિકાઓના હોદ્દેદારોના નામ જાહેર થવાના હતા. તે જ શ્રેણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના હોદ્દેદારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈન પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

    અહેવાલો અનુસાર શાહીબાગના ભાજપ કોર્પોરેટર પ્રતિભા જૈનને અમદાવાદના નવા મેયર બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ AMCની મહિલા અને બાળવિકાસ કમિટીના ચેરમેન છે. તેઓ સતત ૩ ટર્મથી આ જ વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે.

    નોંધનીય છે કે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો માટેની ટર્મ અઢી વર્ષની રાખવામાં આવે છે. જે અનુસાર ચાલી ટર્મ પૂરી થતાં જ હવે નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

    - Advertisement -

    ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાની પણ જાહેરાત

    રવિવારે સ્થાનિક ભાજપ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં આ નામો નક્કી કરવામાં આવ્યા હતા. સોમવારે સવારે 10 વાગ્યે AMC ખાતે મળેલી બેઠકેમાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી.

    મેયર સિવાયના હોદ્દેદારોમાં ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયાના ભાજપ કોર્પોરેટર જતીન પટેલની વરણી કરવામાં આવી છે. અતિમહત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે બોડકદેવ વોર્ડના ભાજપ કોર્પોરેટર દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા તરીકે ભાજપ કોર્પોરેટર ગૌરાંગ પ્રજાપતિનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

    પિંકી સોની બન્યા વડોદરાના નવા મેયર

    અમદાવાદ સિવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરના નવા મેયરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની વરણી કરવામાં આવી છે.

    નોંધનીય છે કે મંગળવારે (12 સપ્ટેમ્બર) ગુજરાતની બાકીની મહાનગરપાલિકાઓ સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં