હોમપેજરાજકારણસોશિયલ મીડિયા પર યુવાનોની ઉશ્કેરણી, ભાષણોમાં ‘નેપાળવાળી’ કરવાની વાત: ગુજરાતમાં અસ્થિરતા સર્જીને...

સોશિયલ મીડિયા પર યુવાનોની ઉશ્કેરણી, ભાષણોમાં ‘નેપાળવાળી’ કરવાની વાત: ગુજરાતમાં અસ્થિરતા સર્જીને સત્તા સુધી પહોંચવાનો માર્ગ શોધી રહી છે AAP?

સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે ગુજરાતમાં 'નેપાળવાળી' કરવાની ધમકી આપી હતી. એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, "અમે બહુ અગ્નિકાંડમાં અમારા દીકરા હોમાતા જોયા. હવે જો તમે વિસાવદરવાળી કે સાવરણાવાળીમાં નહીં માનો તો અમે નેપાળવાળી કરીશું…

- Advertisement -

સત્તાનો માર્ગ શાંતિ અને જનતા વચ્ચેથી નીકળે છે એવું કોણે કહ્યું એ યાદ નથી પણ વાત સાચી છે. જોકે હમણાંની સ્થિતિ જોતાં લાખ પ્રયત્ને પણ સફળ ન થઈ શકનારાઓ સત્તાનો માર્ગ બંદૂકના નાળચામાંથી કાઢવા મથી રહ્યા હોવાનું પ્રતીત થાય છે. આસપાસના દેશોની કથિત ક્રાંતિની પેટર્નને ઘરમાં નાખીને રાજ્ય અને દેશને અરાજકતામાં હોમી દઈ આ ટોળકીઓ સત્તાના શિરમોર સુધી પહોંચવાનાં નિષ્ફળ શમણાં જોઈ રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હમણાંની થોડી હરકતો જોઈને લાગે છે કે તેનું સ્થાન પણ આ જ ટોળકીમાં ક્યાંક હોવું જોઈએ. આમ આદમી પાર્ટીનાં સોશિયલ મીડિયા પેજ, તેના નેતાઓનાં ભાષણોમાં નેપાળનો ઉશ્કેરણીજનક ઉલ્લેખ દર્શાવે છે કે પાડોશી દેશમાં જે થયું એ ગુજરાતમાં કરાવીને તેઓ સત્તાનો સ્વાદ ચાખવા માંગે છે અને તેને હવા આપવાનું કામ કથિત મીડિયા અને ‘યુ-ટ્યુબ પત્રકારો’ કરી રહ્યા છે. 

હમણાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના નેતા રેશ્મા પટેલે ગુજરાતમાં ‘નેપાળવાળી’ કરવાની ધમકી આપી હતી. એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “અમે બહુ અગ્નિકાંડમાં અમારા દીકરા હોમાતા જોયા. હવે જો તમે વિસાવદરવાળી કે સાવરણાવાળીમાં નહીં માનો તો અમે નેપાળવાળી કરીશું… આ વાત તમારે બોલવી પડશે. કારણ કે હવે ધીમે-ધીમે ચાલવાથી મેળ નહીં પડે.” સભામાં AAP સાંસદ સંજય સિંઘથી લઈને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી સુધીના નેતાઓ હાજર હતા.

આમ આદમી પાર્ટીના નેતાઓનાં આવાં વિવાદાસ્પદ નિવેદનો કોઈ નવાઈની વાત નથી. તાજેતરમાં જ સુરતના આમ આદમી પાર્ટીના પેજ પરથી પણ આવી જ કથિત ક્રાંતિ કરવાના બણગાં ફૂંકવામાં આવ્યા હતા અને યુવાનોને રસ્તા પર ઉતારવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે રેશ્મા પટેલે પણ રાજ્યમાં ‘નેપાળવાળી’ કરવાની વાત કરી છે. હવે પ્રશ્ન એ છે કે શું આવાં બધાં નિવેદનો કે કૉમેન્ટ અચાનક આવે છે કે તેની પાછળ ચોક્કસ માનસિકતા છે? ફ્રસ્ટ્રેશન બોલે છે? હતાશા આ બધું કરાવી રહી છે?

- Advertisement -

નેપાળની ઘટનાઓ પછી આમ પણ ભારતમાં આવું દોહરાવવાનાં સપનાં જોનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે અહીં ભૂતકાળમાં આ જ પેટર્ન પર આંદોલનો અને પ્રદર્શનો થઈ ચૂક્યાં છે પણ સરકારની કુનેહ અને સ્થિરતાના કારણે સફળતા ન મળી. હવે અનેક પ્રયાસો પછી પણ સત્તાના પાયા ન હલાવી શકનારાઓ ફરી નેપાળ જેવું કે બાંગ્લાદેશ જેવું કે શ્રીલંકા જેવું ભારતમાં કરીને તેના જોરે ખુરશી પચાવવા માટે સપનાં જોઈ રહ્યા છે. તેમાં વિપક્ષનો એક મોટો વર્ગ આવી ગયો. આમ આદમી પાર્ટીના નેતાઓ વળી એક ડગલું આગળ વધી ગયા અને પોસ્ટો અને ભાષણોમાં ખુલ્લેઆમ આ બધું કહેવા માંડ્યા.

અસ્થિરતામાંથી સત્તા સુધી જવાનો રસ્તો શોધી રહી છે AAP?

આમ આદમી પાર્ટી આમ રાજકારણ બદલવાનો દાવો કરીને આવી હતી. એક દાયકામાં રાજકારણ કેટલુંક બદલી નાખ્યું એ હવે આપણે જાણીએ છીએ. કેટલીક બાબતોમાં આ પાર્ટી કોંગ્રેસથી પણ ઘણી આગળ નીકળી ગઈ છે. અહીં યાદ કરવું ઘટે કે ફેબ્રુઆરી, 2020માં દિલ્હીમાં જે રમખાણો થયાં હતાં, તેમાં મુખ્ય નામ આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સેલર તાહિર હુસૈનનું હતું. તેના ઘરમાંથી પેટ્રોલ બૉમ્બ, પથ્થરો અને અન્ય હથિયારો મળી આવ્યાં હતાં. મુસ્લિમ ટોળાંને ઉશ્કેરીને દિલ્હીમાં અરાજકતા ઊભી કરવાનો ફાળો પણ તેનો જ હતો અને આ રમખાણોનું મુખ્ય કેન્દ્ર પણ તેનું ઘર હતું.

ગુજરાત પર આવીએ તો અહીં આમ આદમી પાર્ટીએ પગપેસારો તો ઘણા સમય પહેલાંથી કર્યો હતો પણ ગંભીરતાથી કામ કરવાનું 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં શરૂ કર્યું. જોકે આ ચૂંટણીમાં બહુ કંઈ કાઢી લેવા જેવું પ્રદર્શન કર્યું નહીં. પાંચ બેઠકો જીતી પણ એ તમામ ઉમેદવારો પોતાની રીતે જીત્યા હતા, તેમાં પાર્ટીનું બેનર સેકન્ડરી થઈ પડ્યું. પછી પણ આ પાર્ટીએ સતત ગુજરાતમાં ગમે તેમ કરીને સક્રિયતા જાળવી રાખી છે, પણ ધારેલી સફળતા મળી નથી. સ્થાનિક સ્વરાજ્યથી માંડીને લોકસભા ચૂંટણીઓ ગઈ પણ ‘AAP’ ક્યાંય દેખાઈ નહીં. કેજરીવાલ અને તેમના સાથીઓ જે ગુજરાતમાં પરિવર્તન લાવવાની વાતો કરતા હતા એ વાતો ટાઢાં પહોરનાં ગપ્પાં સાબિત થઈ. તેમની સાથે મીડિયાનો એક મોટો વર્ગ અને યુટ્યુબરોની આખી જમાત છે, છતાં સફળતા મળી રહી નથી. એટલે હવે અંતિમ માર્ગ અપનાવ્યો હોય તેમ લાગે છે.

ગુજરાતને અસ્થિર કરીને તેની તક લઈ સત્તાની ખુરશી સુધી પહોંચવા માટે એક જ પાર્ટી વ્યક્તિને કે સંસ્થાને રસ હોય એમ નથી. ગુજરાત એવી એક વ્યક્તિનું ગૃહરાજ્ય છે જે હાલ ભારતના રાજકારણના કેન્દ્રમાં છે. તેને હરાવવા માટે તેના ગૃહરાજ્યમાં તેના પક્ષને નબળો પાડવો જરૂરી છે એ આખી ઇકોસિસ્ટમને ખબર છે. ગુજરાતમાં અશાંતિ સર્જાય, ગુજરાતમાં અરાજકતા સર્જાય તો તેની અસર દુરોગામી થઈ શકે તે પણ તેઓ જાણે છે. તેઓ એ પણ જાણે છે કે ગુજરાતમાં ભૂતકાળમાં જ્યારે-જ્યારે અસ્થિરતાનો માહોલ સર્જાયો ત્યારે વિપક્ષો સત્તાની વધુ નજીક પહોંચ્યા છે. જોકે તેઓ સત્તા સુધી ન પહોંચી શક્યા તેમાં ગુજરાતનું, ગુજરાતીઓનું શાણપણ અને ગંભીરતા મુખ્ય કારણો છે. મોદી પ્રત્યેનો લગાવ, મોદી સાથેનું જોડાણ એ બીજું કારણ થયું.

ભૂતકાળમાં કોઈ એક ચોક્કસ વર્ગને સરકાર સામે ઊભો કરી દઈને સત્તા સામે રણશિંગા ફૂંકવાનાં પ્રયાસો તો અઢળક થયા પણ તેમાં સફળતા ન મળી શકી. અત્યારે પણ એવું જ છે. રઘવાઈ થયેલી આમ આદમી પાર્ટી અને તેના વચેટિયાઓ કોઈપણ ભોગે ગુજરાતને અસ્થિર કરવાનાં સપનાં જોઈ રહ્યા છે. ગુજરાતને ભડકે બાળવું, યુવાનોને ઉશ્કેરીને રસ્તા પર ઉતારવા અને સરકારને ઉખેડી ફેંકવાની વાતો કરવી- આવી વાતો કર્યા સિવાય ન તો આ ટોળકી કશું કરી શકે તેમ છે અને ન તો તેનાથી થાય એમ છે. કારણ કે આ ટોળકી પોતે કશું કરવા નથી માંગતી, તે એક વર્ગ અને યુવાનોને ભડકાવીને તેના દ્વારા પોતાની ‘અસીમિત ચળ’ સંતોષવાનો પ્રયાસ કરી રહી છે. 

આ ટોળકીમાં કામ પણ વહેંચાયેલા છે. પહેલાં નેતાઓ ‘નેપાળવાળી’ કરવાના અને ‘રાજ્યના યુવાનોને રસ્તા પર ઉતારવાના’ નિવેદનો આપે છે. ત્યારબાદનું કામ આ યુ-ટ્યુબ ટોળકી ઉપાડી લે છે. નેતાઓનાં આવાં ‘વિવાદિત’ નિવેદનોને ‘ક્રાંતિ’માં ખપાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને યુવાનો સુધી તેનો સંદેશ પહોંચાડવામાં આવે છે. પણ આખરે પરિણામ તો શૂન્ય જ આવે છે. તેમ છતાં આ ટોળકી ‘હિંમતભેર’ પોતાનું કામ સતત ચાલુ રાખે છે.

રાજ્યની સાથે દેશમાં પણ થઈ રહ્યા છે આવી અરાજકતા સર્જવાના પ્રયાસો

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગુજરાતને કેમ અસ્થિર કરવા માંગે છે તે વિશે તો સૌ કોઈ જાણે છે. એક તો આ રાજ્ય દેશના વડા પ્રધાનનું વતન છે અને બીજું એ કે આ રાજ્યને અસ્થિર કર્યા સિવાય કેન્દ્ર સુધી પહોંચી નથી શકાવાનું. તેથી જ આખી ઇકોસિસ્ટમના રડાર પર કાયમ ગુજરાત જ રહ્યું છે. તેમાં આમ આદમી પાર્ટી પણ પોતાનો ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ જેટલો ફાળો આપતી રહી છે અને આવાં ઉટપટાંગ નિવેદનો આપીને અરાજકતા સર્જવાના નિષ્ફળ પ્રયાસો કરતી રહી છે. 

હમણાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જેન-ઝી શબ્દ વાપર્યો. તેમણે દાવો કર્યો છે કે Gen-Z દેશમાં બદલાવ લાવશે. તેમણે કહ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓ, યુવાનો અને Gen-Zની સાથે ઊભા રહેશે. એવું પણ કહ્યું કે આ Gen-Z જ લોકતંત્ર અને બંધારણ બચાવશે અને ‘વૉટચોરી’ રોકશે. આ શબ્દ પહેલાં ક્યારેય વપરાયો નથી. નેપાળમાં જે થયું પછી તેનો ઉપયોગ એ સંયોગ નથી, વાસ્તવમાં પ્રયોગ છે.

આ ઇકોસિસ્ટમ 2014થી દિવસ-રાત મોદી સરકારને ‘પાડી દેવાના’ સપનાં જોઈ રહી છે અને વારંવાર યુવાનોને ભડકાવવા માટે નવાં-નવાં ગતકડાં શોધી રહી છે, પણ હજુ સુધી તેનો મેળ પડ્યો નથી. તેની પાછળ પણ ઘણાં કારણો છે. યુવાનોને ભડકાવીને દેશમાં અરાજકતા ઊભી કરી મોદી સરકારને તોડી પાડવાનાં દિવાસ્વપ્ન જોવામાં આવી રહ્યાં છે પણ એ જ યુવાનોએ 2014 બાદ હવે ત્રીજી વખત મોદીને સત્તા સોંપી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે– યુવાનો બદલાવ લાવશે; અને 2014માં મોટો બદલાવ લાવ્યા પણ હતા.

ભારતની બહુમતી પ્રજા અને ખાસ કરીને યુવાવર્ગ ખૂબ સમજદાર છે. તેમને મોદી સરકાર પર પૂરેપૂરો વિશ્વાસ છે અને આ ભરોસો દિનપ્રતિદિન વધી પણ રહ્યો છે. ચિંતાની વાત નથી, પણ નચિંત રહેવાનું પણ કોઈ કારણ નથી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં