22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) પછી ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પક્ષ મૂકવા માટે બધા પક્ષોના 59 નેતાઓને વિદેશોમાં (All Party Leaders Delegation) મોકલ્યા છે. જેમાં 31 નેતાઓ NDAના અને 20 નેતાઓ અન્ય પક્ષોના છે. આ નેતાઓમાં, કોંગ્રેસ (Congress), ભાજપ, એનસીપી, શિવસેના, અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ પણ સક્રિય રીતે સામેલ છે. આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાનથી થતા આતંકવાદની સામે ભારતની લડતને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ મૂકવાનો અને પાકિસ્તાનને (Pakistan) આંતરરાષ્ટ્રીય રીતે એકલું પાડવાનો છે.
નોંધનીય છે કે પહલગામ હુમલા પછી, કોંગ્રેસે જાહેરાત કરી હતી કે આતંકવાદ વિરુદ્ધના પગલામાં એ કેન્દ્ર સરકારની સાથે છે. પરંતુ જ્યારે સરકારે સર્વપક્ષીય સાંસદોનું ડેલીગેશન બનાવ્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વાત કરવા મોકલ્યું, ત્યારે કોંગ્રેસ અને તેના નેતાઓ વિરોધ કરવા લાગ્યા. આ વિરોધનું કારણ શું હોઈ શકે? એક બાજુ તો કોંગ્રેસ દેશ હિતની વાત કરવાની વાત કરે છે, પરંતુ બીજી બાજુ, જ્યારે તેના નેતાઓ દેશ હિતની વાત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાય છે, ત્યારે તેમની ટીકા કરવામાં આવે છે.
એક તરફ આ નેતાઓ વિશ્વના વિવિધ દેશોનો પ્રવાસ કરીને આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો પક્ષ મૂકી રહ્યા છે અને ભારતની સુરક્ષા ચિંતાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરી રહ્યા છે. આ નેતાઓમાં કોંગ્રેસના જ શશી થરુર, સલમાન ખુર્શીદ જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. બીજી તરફ, આ નેતાઓના મોઢેથી દેશહિતની વાત સાંભળીને કદાચ કોંગ્રેસના અન્ય નેતાઓના પેટમાં દુઃખી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. કોંગ્રેસ પોતે જ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ મૂકી રહેલ સાંસદોને ટ્રોલ કરી રહી છે, જેના કારણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું નિવેદન સામે આવ્યું છે.
“શું રાષ્ટ્રવાદી બનવું આટલું મુશ્કેલ છે?”- સલમાન ખુર્શીદ
કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “તે ‘દુઃખદ’ છે કે જ્યારે તેઓ ‘આતંકવાદ વિરુદ્ધ મિશન’ પર વિદેશમાં છે, ત્યારે ‘ઘરે’ (કોંગ્રેસ) લોકો તેમની ‘રાજકીય વફાદારી’ માપી રહ્યા છે.” તેમણે પ્રશ્ન કર્યો હતો કે, “શું રાષ્ટ્રવાદી બનવું આટલું મુશ્કેલ છે?” આ પ્રશ્ન એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે કે શું કોંગ્રેસને એ ગમતું નથી કે તેના નેતાઓ દેશ હિતની વાત કરે?
When on mission against terrorism, to carry India’s message to the world, it’s distressing that people at home are calculating political allegiances. Is it so difficult to be patriotic?
— Salman Khurshid (@salman7khurshid) June 2, 2025
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ સલમાન ખુર્શીદે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થયાને સમર્થન આપ્યું હતું. જોકે, કોંગ્રેસે 370ની નાબૂદીનો ભારે વિરોધ કર્યો હતો ત્યાં સુધી તો જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી દરમિયાન આ આર્ટીકલ પરત લાવવા સુધીની વાતો કરી હતી. ત્યારે હવે સલમાન ખુર્શીદના નિવેદનના કારણે કોંગી નેતાઓના પેટમાં તેલ રેડાયું હોય એમ લાગી રહ્યું છે અને ખુર્શીદની પાર્ટી પ્રત્યેની વફાદારીને માપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પહેલા થરૂરને પણ કરાયા હતા ટાર્ગેટ
જોકે, આ પહેલાં પણ કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીના ‘સલાહકાર’ જયરામ રમેશે આંતરાષ્ટ્રીય સ્તરે ભારતનો પક્ષ મૂકવા ગયેલા સાંસદોની સરખામણી આતંકવાદીઓ સાથે કરી દીધી હતી. આવી સરખામણીઓ કરવી એ ન તો યોગ્ય છે અને ન તો દેશ હિતમાં. આ સિવાય તેમણે મોદી સરકારના વિદેશી પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના શશી થરૂર જેવા વિપક્ષી નેતાઓને સામેલ કરવાના પગલાની ટીકા કરી અને તેને યોગ્ય સલાહ-સૂચન વિના કરવામાં આવતી ‘સસ્તી રાજકીય રમત’ ગણાવી હતી.
નોંધનીય છે કે શશી થરૂરે પણ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, “આપણે આપણા મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. એક સમૃદ્ધ લોકશાહીમાં, ટિપ્પણીઓ અને ટીકાઓની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ અમે હમણાં તેમના પર ધ્યાન આપી શકતા નથી. જ્યારે અમે ભારત પાછા ફરીશું, ત્યારે અમે ચોક્કસપણે આપણા ટીકાકારોને સંબોધિત કરીશું અને અમારા સાથીઓ તથા મીડિયા સાથે વાત કરીશું. હાલમાં, અમારું ધ્યાન અમે જે દેશોની મુલાકાત લઈ રહ્યા છીએ અને જે સંદેશ આપી રહ્યા છીએ તેના પર છે.”
My dear @ShashiTharoor
— Dr. Udit Raj (@Dr_Uditraj) May 28, 2025
Alas ! I could prevail upon PM Modi to declare you as super spokesperson of BJP , even declaring as foreign minister before landing in India . How could you denigrate the golden history of Congress by saying that before PM Modi , India never crossed LOC… https://t.co/c88b8rX2bq
કોંગ્રેસના નેતા ઉદિત રાજે થરૂરની આ ટિપ્પણીની મજાક ઉડાવી, અને કટાક્ષમાં સૂચન કર્યું કે તેમને ‘ભાજપના સુપર પ્રવક્તા’ તરીકે નિયુક્ત કરવા જોઈએ. કોંગ્રેસના નેતાઓ વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનો પક્ષ મૂકી રહેલ નેતાઓ પ્રત્યે જે ટિપ્પણીઓ કરી રહ્યા છે તે દર્શાવે છે કે કોંગી નેતાઓ દેશની કોઈપણ ગંભીરથી અતિગંભીર સમસ્યાનું રાજકીયકરણ કરી શકે છે. આ ટિપ્પણીઓ કોંગ્રેસની સ્પષ્ટ માનસિકતા દર્શાવી રહી છે કે તેના માટે રાષ્ટ્રહિત નહીં પરંતુ રાજકીય હિત મહત્વનું છે. આવી વર્તણૂકથી કોંગ્રેસની પ્રતિબદ્ધતા પણ પ્રશ્નચિહ્ન હેઠળ આવે છે. જ્યારે દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા દર્શાવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસની અંદરનો એક પક્ષપાતી અભિગમ દર્શાવે છે.