Monday, July 15, 2024
More
  હોમપેજરાજકારણરાજનાથ સિંઘને માતાના અંતિમ સંસ્કાર માટે પેરોલ નહતી મળી, કારણ કે ત્યારે...

  રાજનાથ સિંઘને માતાના અંતિમ સંસ્કાર માટે પેરોલ નહતી મળી, કારણ કે ત્યારે ‘લોકતંત્ર’ હતું; કેજરીવાલને પ્રચાર માટે પણ જામીન મળી ગયા, કારણ કે હાલ ‘તાનાશાહી’ છે!

  લોકો વચ્ચે જાગૃતિ લાવતા સોશિયલ મીડિયા સ્ટાર્સને સન્માનિત કરવામાં આવે છે. શ્રમિકો પર પુષ્પવર્ષા કરી તેમના ચરણો ધોવામાં આવે છે. આજે ખરા અર્થમાં લોકો માટે, લોકોની અને લોકો દ્વારા ચાલતી સરકાર જોવા મળી રહી છે. તેમ છતાં કેટલાક લોકોને દેશમાં માત્ર અને માત્ર તાનાશાહી જ દેખાઈ રહી છે!

  - Advertisement -

  દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલને શુક્રવારે (10 મે, 2024) વચગાળાના જામીન મળ્યા. 1 જૂન સુધી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોર્ટે તેમને જામીન આપ્યા છે. જામીન પર બહાર નીકળીને તેમણે ભાષણ પણ કર્યું હતું. લોકોને સંબોધીને તેમણે કહ્યું હતું કે, તેઓ તાનાશાહીનો અંત લાવશે અને લોકતંત્રને સુરક્ષિત કરશે. માત્ર કેજરીવાલ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તાનાશાહીના અંતની વાત કરી હતી. જે વાતો માત્ર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ જ નહીં પરંતુ લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ અને તેમની ઈકોસિસ્ટમ છેલ્લા ઘણા સમયથી કરતી આવી છે.

  પહેલાં તો તાનાશાહીનો વિલાપ કરતાં વિપક્ષી ગઠબંધને સમજવું જરૂરી છે કે, તાનાશાહી ખરેખર કહેવાય કોને. તાનાશાહી તે છે, જ્યાં લોકોના મૌલિક અધિકારો પણ હોતા નથી. તમામ ક્ષેત્રો પર તાનાશાહી સરકારનો દબદબો હોય. બધી સિસ્ટમ સરકાર દ્વારા કન્ટ્રોલ થતી હોય. પરંતુ આપણાં દેશમાં તો કોઈ અલગ રીતની જ તાનાશાહી લાગી રહી છે! જ્યાં એક વિપક્ષી નેતાને ચૂંટણી ટાણે જામીન આપી દેવામાં આવ્યા છે. એક વિપક્ષી નેતાને જામીન મળતા હોય તો તે જ વાતની સાબિતી છે કે, આ તાનાશાહી નથી.

  જો સરકાર બધી સિસ્ટમ પર કન્ટ્રોલ કરતી હોત તો જામીન કઈ રીતે મંજૂર થયા? જામીન મળ્યા તેની જ સાબિતી છે કે, દેશમાં તાનાશાહી નથી. તાનાશાહીનો સીધો અર્થ થાય છે કે, શાસક સર્વોપરી છે અને બધા જ ક્ષેત્રો પર તેનો કન્ટ્રોલ છે. જો ખરેખર દેશમાં આવો માહોલ હોય તો અરવિંદ કેજરીવાલ ક્યારેય બહારની દુનિયા જોઈ શક્યા ના હોત. ન્યાયતંત્ર પર પણ તાનાશાહી લાગુ થઈ હોત અને કેજરીવાલને પ્રચાર માટે પણ જામીન જામીન મળ્યા ન હોત. પરંતુ અહીં ન્યાયતંત્ર સ્વતંત્ર છે. તેમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. જે વાત ફરી એક વખત સાબિત થઈ.

  - Advertisement -

  અહીં કેજરીવાલને જામીન મળવા જોઈતા હતા કે નહીં કે પછી ન્યાયિક રીતે તે સાચું છે કે ખોટું તે અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ હકીકત એ છે કે વચગાળાની રાહત આપવામાં આવી છે. જો ખરેખર સરકારના નિયંત્રણ હેઠળ જ બધી સિસ્ટમ હોત અને સરકારે જ ચૂંટણી સમયે ધરપકડ કરાવી હોત તો પછી આ નિર્ણયનો કોઇ પ્રશ્ન જ ન હતો.

  આપણાં દેશમાં વાતાવરણ એવું છે કે, વિપક્ષી નેતાઓ ખુલ્લા મંચ પરથી કોઈપણ ડર કે સંકોચ વગર સરકાર પર તાનાશાહીના આરોપો લગાવે છે. તે ત્યારે જ શક્ય બને જ્યારે દેશમાં તાનાશાહી ન હોય. જો હોય તો વિપક્ષી નેતાઓ આટલું પણ બોલવાની હિંમત કરી શકે ખરા? ગયા વર્ષે જ સમાચાર સામે આવ્યા હતા કે, ઉત્તર કોરિયામાં વિદેશી શૉ જોવાના ગુનામાં બે સગીર બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. આને કહેવાય તાનાશાહી. જ્યારે આપણાં દેશમાં તો વિપક્ષી નેતાઓ ખૂલીને શાસક તરફ આંગળી ચીંધે છે. ગાળો પણ આપી દે છે. તેમને મોતની સજા તો દૂર ક્યારેય જેલ પણ જવું પડ્યું નથી.

  તાનાશાહી ખરેખર કોને કહેવાય?

  આવી ચર્ચાઓ છેલ્લા થોડા સમયથી ચાલતી રહે છે અથવા તો જાણીજોઇને ચલાવવામાં આવે છે. એક ઈકોસિસ્ટમ સતત દેશ ‘તાનાશાહી’ તરફ આગળ વધી રહ્યો હોવાનો નેરેટિવ આગળ વધારતી રહે છે. આવો જ પ્રશ્ન જ્યારે એક પોડકાસ્ટ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંઘને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબમાં એક કિસ્સો કહી સંભળાવ્યો અને કહ્યું કે ખરેખર તાનાશાહી જો કહેવી જ હોય તો કોને કહેવી જોઈએ.

  ઇમરજન્સી દરમિયાન દેશના હાલના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. તેમનો ગુનો એ હતો કે, તેઓ ઇમરજન્સીનો વિરોધ કરી રહ્યા હતા. તે સમયે મોટાભાગના વિપક્ષી નેતાઓ જેલમાં જ હતા. જેલમાં નાખ્યા એ પૂરતું નહોતું. પરંતુ રાજનાથ સિંઘનાં માતાના દેહાંત બાદ અંતિમ સંસ્કાર માટે પણ તેમને પેરોલ મળી નહતી.

  રાજનાથ સિંઘે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે, ઇમરજન્સીમાં તેમને 18 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જેમણે ઇમરજન્સી દ્વારા તાનાશાહી લાગુ કરી, તેઓ અમારા પર તાનાશાહીના આરોપ લગાવે છે.” તેમણે ઇમરજન્સી દરમિયાનના જેલવાસને યાદ કરતાં કહ્યું કે, તેમની ઉંમર 24 વર્ષની હતી. નવાં-નવાં લગ્ન થયાં હતાં. અચાનક અડધી રાત્રે પોલીસ આવી અને તેમને ઉઠાવીને લઈ ગઈ. કોઈપણ કારણ આપ્યા વગર સીધા તેમને જેલમાં નાખવામાં આવ્યા.

  તેમણે જેલવાસના દિવસોને યાદ કરતાં કહ્યું કે, ત્યારે તેમને વાંચવા માટે પુસ્તકો પણ આપવામાં આવ્યાં ન હતાં. માત્ર એક પિત્તળની થાળી આપી દેવામાં આવી હતી. જેમાં ભોજન માટે દાળ આપવામાં આવતી હતી અને બે રોટલી હાથમાં પકડાવી દેવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, જ્યારે તેમને મિર્ઝાપુર જેલથી નૈની સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે મંચ પર કેટલાક પોલીસકર્મીઓની સાથે તેમના માતા પણ હતા. ત્યારે તેમના માતાએ તેમને કહ્યું હતું કે, “ભલે કઈપણ થઈ જાય, માફી ના માંગતો..” આ સાંભળીને પોલીસકર્મીઓ પણ રડી પડ્યા હતા.

  વાત આટલે પૂર્ણ નથી થતી. રાજનાથસ સિંઘે જણાવ્યું કે, 1 વર્ષ બાદ તેમની માતાએ તેમની મુક્તિ વિશે પૂછ્યું, જેના પર તેમના પિતરાઈ ભાઈએ કહ્યું હતું કે, ઇમરજન્સી વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ જાણવાથી રાજનાથ સિંઘનાં માતાને બ્રેન હેમરેજ થઈ ગયું. 27 દિવસ માટે તેઓ હોસ્પિટલમાં એડમિટ રહ્યાં પરંતુ રાજનાથ સિંઘ તેમને મળી શક્યા નહીં. ત્યારબાદ તેમના માતાનું નિધન થયું. ત્યારે પણ તેમને પેરોલ આપવામાં આવી નહીં. તેથી તેઓ અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શક્યા નહોતા. જેના કારણે તેમણે જેલમાં જ માથાનું મુંડન કરાવ્યું અને શોક પાળ્યો. હવે કલ્પના કરો કે, તે જ લોકો તાજેતરની સરકાર પર તાનાશાહીના આરોપો લગાવી રહ્યા છે.

  આમ તો જોકે, હકીકત એ પણ છે કે ઇમરજન્સી સમયે કે હાલ પણ, ન્યાયતંત્ર પર સરકારનું કોઇ નિયંત્રણ હોતું નથી કે કોઇ હસ્તક્ષેપ હોતો નથી. પરંતુ એક સરકાર પર તેની ઉપર નિયંત્રણ કરવાના આરોપ લગાવવામાં આવે છે, જ્યારે ઇમરજન્સીની વાત આવે ત્યારે તે સમયની સરકારને ક્લીનચિટ આપી દેવામાં આવે છે.

  ઇમરજન્સીના એ કાળા દિવસો

  તાનાશાહી વિશે વાત કરીએ અને ઇમરજન્સીના દિવસો યાદ ન આવે, તે શક્ય જ નથી. સૌપ્રથમ લોકતંત્રની હત્યા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરીને કરી હતી. વિપક્ષી નેતાઓથી જેલો ભરાઈ ગઈ હતી. સરકાર વિરુદ્ધ એકપણ શબ્દ બોલી શકાતો નહોતો. 25 જૂન, 1975 ની રાત્રે, દેશવાસીઓ પર અચાનક અને કારણ વગર કટોકટી લાદવામાં આવી હતી. ચોક્કસપણે આ દુર્ઘટનાને ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય કહી શકાય. ઈમરજન્સી દરમિયાન આખો દેશ એક વિશાળ જેલખાનામાં ફેરવી દેવામાં આવ્યો હતો. 25 જૂન, 1975ની સવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવાજમાં પ્રસારિત થયેલો સંદેશ આખા દેશે સાંભળ્યો. આ સંદેશમાં ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે “ભાઈઓ અને બહેનો! રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પરંતુ સામાન્ય લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી.”

  ઘોષણા બાદ તરત જ નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા તો બીજી તરફ રાત્રેથી જ વિપક્ષી નેતાઓની ધરપકડ શરૂ થઇ. જયપ્રકાશ નારાયણ, અટલ બિહાર બાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિતના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ છોડવામાં આવ્યા ન હતા. કોંગ્રેસવિરોધીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને જેલમાં નાંખી દેવામાં આવતા અને દિવસો સુધી FIR વગર કે કાયદાકીય કાર્યવાહી કર્યા વગર બેસાડી રાખવામાં આવતા. આ જ દરમિયાન સમયની જરૂરિયાત હોવાનું કહીને બંધારણ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. હવે તે જ લોકો ‘બંધારણ જોખમમાં’ હોવાની બૂમો પાડે છે.

  તેમ છતાં હાલના વિપક્ષી નેતાઓના મોઢામાંથી ક્યારેય એવું નથી સાંભળવા મળ્યું કે, ઇમરજન્સી લાગુ કરવી યોગ્ય નહોતી. ઇમરજન્સી વિશે બોલવામાં કે અગાઉની સરકારો વિશે બોલવામાં મોઢામાં મગ ભરાય જાય છે અને હમણાં કશું નથી છતાં તાનાશાહીની બૂમો પાડવામાં આવે છે. આજે આખો દેશ જોઈ રહ્યો છે કે, લોકતંત્ર કોને કહેવાય. જ્યાં લોકો માટે જીવતા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. લોકો વચ્ચે જાગૃતિ લાવતા સોશિયલ મીડિયા સ્ટાર્સને સન્માનિત કરવામાં આવે છે. શ્રમિકો પર પુષ્પવર્ષા કરી તેમના ચરણો ધોવામાં આવે છે. આજે ખરા અર્થમાં લોકો માટે, લોકોની અને લોકો દ્વારા ચાલતી સરકાર જોવા મળી રહી છે. તેમ છતાં કેટલાક લોકોને દેશમાં માત્ર અને માત્ર તાનાશાહી જ દેખાઈ રહી છે!

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં