રાજકીય ફાયદા માટે આરોપો લગાવવા અને ત્યારબાદ ભાગી જવું– એ હવે ભારતીય રાજકારણમાં આમ તો સામાન્ય થઈ ગયું છે પણ એક દાયકાથી સત્તાવિહોણી રહેવાના કારણે હતાશાની ચરમસીમાએ પહોંચી ચૂકેલી પાર્ટી કોંગ્રેસ અને તેમાં પણ રાજ્યસભા બેઠક માટે જેમની તપસ્યા દર વખતે અધૂરી રહી જાય છે એવા પ્રવક્તા પવન ખેડાએ આ આ કુટેવને જ ઘણા સમયથી રાજકીય હથિયાર બનાવી રાખી છે. અત્યાર સુધી આવાં ગતકડાં કરીને તેમણે રાજકારણનું ગાડું ચલાવ્યે રાખ્યું, પણ આસામમાં દાવ ઊંધો પડી ગયો હોવાનું પ્રતીત થાય છે.
આસામમાં 9 એપ્રિલે વિધાનસભા ચૂંટણી છે. પાંચમી એપ્રિલે રવિવારે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમનાં પત્ની પર અમુક આરોપ લગાવ્યા. મુખ્ય આરોપ એ હતો કે હિમંતાનાં પત્ની રિનીકી ભૂયાં શર્માની વિદેશમાં સંપત્તિ છે, જે પતિના એફિડેવિટમાં ઘોષિત કરવામાં આવી નથી અને તેઓ પોતે ત્રણ વિદેશી પાસપોર્ટ ધરાવે છે.
ખેડાએ પ્રેસ કૉન્ફરન્સમાં અમુક કાગળો અને ડોક્યુમેન્ટ તો દર્શાવ્યાં, પણ પછી થોડા જ કલાકોમાં પોલ ખુલી ગઈ. વાસ્તવમાં UAEના પાસપોર્ટ તરીકે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું એ પાસપોર્ટ હતો જ નહીં અને UAEનું બીજું એક ડોક્યુમેન્ટ હતું. ઉપરાંત એ પણ કોઈ પાકિસ્તાની વ્યક્તિના આઈડીમાં છેડછાડ કરીને બનાવવામાં આવ્યું હતું. બાકી પણ ઘણી ગોલમાલ હતી, જે થોડા જ કલાકોમાં બહાર આવી ગઈ. જેમકે, આસામ સીએમ હિમંતા પોતાની અટક ‘સરમા’ લખે છે, પણ તેમનાં પત્નીની અટક છે શર્મા. આસામમાં Sharma, Sarma, Sarmah જેવી અનેક અટક વપરાય છે. કોંગ્રેસીઓને આ ખ્યાલ ન રહ્યો અને તેમણે રિનીકીની અટક પણ ખોટી લખી.
પોલ ખુલી ગયા પછી આસામના મુખ્યમંત્રી હિમંતા સરમા અને તેમનાં પત્ની બંનેએ જાહેર નિવેદનોમાં કહ્યું કે પોતાની ઉપર લાગેલા આરોપો મુદ્દે તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે. ત્યારબાદ ખેડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી.
તાજા સમાચાર એવા છે કે ખેડાને શોધતી આસામ પોલીસની એક ટીમ દિલ્હી પણ પહોંચી ગઈ હતી, પણ ભાઈ ત્યાં ન મળ્યા! ઘરમાં થોડીઘણી શોધખોળ કરવામાં આવી. આસામમાં પ્રચાર કરતા સીએમ સરમાએ કહ્યું કે ખેડા જ્યાં હોય ત્યાં, પાતાળમાંથી પણ આસામ પોલીસ તેમને શોધી લાવશે. ‘ખેડા કા પેડા બના દુંગા’ એવું પણ તેમણે કહ્યું છે ને સાથે આશંકા એવી પણ વ્યક્ત કરી કે સંભવતઃ રાહુલ ગાંધીએ ખેડાને કાગળો આપ્યા હોવા જોઈએ, એટલે કેસ ત્યાં સુધી પણ પહોંચશે.
બહુ ખરાબ રીતે ફજેતી થયા પછી પવન ખેડા સોશિયલ મીડિયા પર ડોકાયા નથી! સંભવતઃ તેમને બહુ મોટી બ્લન્ડર થઈ ગયાનું પછીથી સમજાયું હશે. હવે કોંગ્રેસ એવી અવળી વાતો કરી રહી છે કે કેન્દ્રમાં તો સરકાર ભાજપની છે, તો તેઓ શા માટે હિમંતા અને પરિવાર પર લાગેલા આરોપોની તપાસ કરતા નથી. પરંતુ હિમંતા સરમાએ બહુ યોગ્ય જવાબ આપ્યો કે આ કોંગ્રેસે આરોપ લગાવતાં પહેલાં વિચારવાનું હોય. તેમની પાસે અમુક કથિત કાગળો હતા તો પહેલાં વિદેશ મંત્રાલય પાસેથી ખરાઈ કરવાની હોય અને તેમની મદદ માગવાની હોય. પોતે આરોપો લગાવી દીધા પછી એ કામ સરકારને કરવા કહે છે.
જોકે અહેવાલો જણાવે છે કે ઇજિપ્તના દૂતાવાસે સરકાર સાથે પુષ્ટિ કરી છે કે રિનીકી શર્માના નામે જે કથિત ડોક્યુમેન્ટ કોંગ્રેસે ફેરવ્યું હતું એ ઓથેન્ટિક નથી, એટલે અહીં પણ કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે.
ટૂંકમાં કહીએ તો કોંગ્રેસથી કાચું કપાયું છે. સંભવતઃ ખેડાને કાગળ પકડાવી દેનારાઓને પણ વાસ્તવિકતાની ખબર હતી પરંતુ અહીં બધો ખેલ સમયનો છે.
આસામમાં 9 એપ્રિલે ચૂંટણી છે. તે પહેલાં મુખ્યમંત્રીને બહુ ગણતરીપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યા. આસામ ચૂંટણીમાં હિમંતા બિસ્વા સરમા પણ એક ચહેરો છે અને તેમના નેતૃત્વ હેઠળ જ ચૂંટણી લડાઈ રહી છે. પોતે બહુ આક્રમક મિજાજ સાથે ચૂંટણી લડી રહ્યા છે અને ગ્રાઉન્ડ પર જોઈએ તો પ્રજા પણ તેમના સમર્થનમાં દેખાય છે. ત્યારે બે-ચાર દિવસ પહેલાં જ ચૂંટણીના મુખ્ય ચહેરા વિરુદ્ધ આવા ગંભીર આરોપો લગાવવામાં આવે તો મતદારો પર તેની અવળી અસર પડે.
મુખ્યમંત્રી અને તેમનો પરિવાર આરોપોની સાબિતી આપી રહે ત્યાં સુધીમાં તો બહુ મોડું થઈ ચૂક્યું હોય. એક વખત મતદાન પૂર્ણ થઈ જાય પછી આરોપો સાચા-ખોટા સાબિત થાય તેનું કોઈ ઔચિત્ય રહેતું નથી. કાયદાકીય કાર્યવાહી થાય તોપણ ચાર દિવસમાં કોઈ એવી ઠોસ કાર્યવાહી ન થાય કે જેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે. હાલ તો શાસન જ ચૂંટણી પંચના હાથમાં છે, આ કિસ્સામાં કોર્ટ સુધી કેસ પહોંચે પણ નહીં. કોંગ્રેસે આ બધું વિચારીને જ ઝંપલાવ્યું હતું. અને પવન ખેડાને આગળ કર્યા.
પવન ખેડા આ પહેલાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે, તેમના પરિવાર વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. ગાંધી પરિવારની નજીક રહેવાનાં હવાતિયાં મારતા રહેતા પવન ખેડાને દર વખતે રાજ્યસભાની સીટોની ઘોષણા થાય ત્યારે નિરાશા જ હાથ લાગે છે. ત્યારબાદ તેઓ ગાંધી પરિવારને વહાલા થવા, વધુ લાઇમલાઇટમાં આવવા માટે મોદી પર, ભાજપ પર પ્રહારો કરવાનું શરૂ કરી દે છે. આ વખતે પણ સંભવતઃ તેમને આવી જ કોઈ તક દેખાઈ હશે, પણ આસામના મુખ્યમંત્રીએ ખેલ અવળો પાડી દીધો!
હાલ નરેટિવ સંપૂર્ણ ભાજપના અને હિમંતા સરમાના પક્ષમાં છે. જે આરોપો લગાવ્યા હતા એ પાયાવિહોણા હતા એવું ફેલાઈ ચૂક્યું છે. બીજી તરફ કોંગ્રેસ સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગઈ છે. દર વખતે આવા આરોપો લગાવીને કોંગ્રેસ રાજકીય લાભ લઈ લેતી હતી, આ વખતે તેમને ફાવટ આવી નથી અને હવે પોલીસ શોધી રહી છે!


