‘આ આસામ છે… અમે 17 વખત ઇસ્લામિક આક્રમણો સામે લડ્યા છીએ, અમને ડરાવવાના પ્રયાસ ન કરો’: આસામ સીએમ હિમંતાએ કહ્યું– ખેડાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું

Screenshot

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને તેમનાં પત્ની પર ફર્જી કાગળોના આધારે આરોપો લગાવ્યા બાદ હવે કોંગ્રેસ નેતા પવન ખેડા સામે કાર્યવાહી શરૂ થઈ છે. આસામ પોલીસની એક ટીમ મંગળવારે (7 એપ્રિલ) ખેડાના દિલ્હી નિવાસસ્થાને પહોંચી હતી. જોકે ખેડા પકડની બહાર છે. બીજી તરફ મુખ્યમંત્રી હિમંતા સરમાએ ચેતવણી આપી છે કે ખેડા પાયાવિહોણા આરોપો લગાવીને બચી શકશે નહીં અને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે.

દરમ્યાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર ઢોળીને કહ્યું હતું કે વિદેશ મંત્રાલયે સીએમ સરમા અને પત્ની પર લાગેલા આરોપોની તપાસ કરવી જોઈએ. જેની ઉપર મુખ્યમંત્રીએ જવાબ આપતાં કહ્યું, “ખડગે વરિષ્ઠ નેતા છે, પણ પાગલો જેવી વાત કરે છે. તમારી પાસે આરોપો હતા, વાસ્તવિકતાની ખબર ન હતી તો તમારે પહેલાં વિદેશ મંત્રાલયને પૂછવાનું હોય. માણસને મારી નાખ્યા પછી તેને દવા આપવાની ન હોય.”

તેમણે ઉમેર્યું, “તમે લોકોને જલીલ કરો અને પછી કહો કે વિદેશ મંત્રાલયને પૂછીશું, વિદેશ મંત્રી શું તમારા જમાઈ છે? પહેલાં જઈને તેમને કેમ પૂછ્યું ન હતું?”

સીએમએ કહ્યું, “આ પવન ખેડા કોણ છે? તેઓ આસામ પોલીસને જાણતા નથી. પાતાળમાંથી શોધી કાઢીશું અને પૂછીશું કે કાગળો ક્યાંથી આવ્યા? મારો શક છે કે આ કાગળો રાહુલ ગાંધીએ આપ્યા હશે. આ કેસ ત્યાં સુધી પહોંચશે.”

હિમંતાએ આગળ કહ્યું, “અમને ડરાવવાનો પ્રયાસ ન કરો. આ આસામ છે. લચિત બોરફૂકનનો દેશ છે. અમે 17 વખત ઇસ્લામિક આક્રમણો સામે લડ્યા છીએ. અમે કોઈનાથી ડરતા નથી.”