Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતજય વસાવડાએ ‘બેંગાલ ફાઈલ્સ’ને ઉતારી પાડવા અને ગાંધીનો પાંગળો બચાવ કરવા લેખ...

    જય વસાવડાએ ‘બેંગાલ ફાઈલ્સ’ને ઉતારી પાડવા અને ગાંધીનો પાંગળો બચાવ કરવા લેખ ઘસી માર્યો… પણ બેમાંથી એકેય કામ સરખું ન થયું!

    ‘મોહનદાસે ફલાણું કર્યું હતું ને ઢીંકણું કર્યું હતું’ની દલીલો આપ્યા કરો તેનાથી તેમની ખામીઓ છુપાઈ જતી નથી એ જય વસાવડા જેવા વધુ પડતા ઉત્સાહી ગાંધીવાદીઓ સમજી જાય એ હવે જરૂરી છે. 

    - Advertisement -

    ‘ગુજરાત સમાચાર’ની બુધવાર અને રવિવારની પૂર્તિઓમાં છેલ્લા પાને કૉલમો લખતા ભાઈ જય વસાવડાને હિંદુવાદીઓ સાથે, દક્ષિણપંથીઓ સાથે અવારનવાર વાંધો પડતો રહે છે અને તે તેમની ફેસબુક દીવાલે વિરોધી મત ધરાવતા લોકો સાથે સડકછાપ ભાષામાં થતી ચર્ચાઓ પરથી કળી પણ શકાય તેમ છે. આ ભાઈને વાંધો તાજેતરમાં આવેલી ‘ધ બેંગાલ ફાઈલ્સ’ સાથે પણ પડ્યો છે. અગાઉ એક-બે લેખોમાં છૂટોછવાયો ઉલ્લેખ કરીને પણ ‘મજા’ ન આવી તો હવે તેમણે આખો એક લેખ આ ફિલ્મને ઉતારી પાડવા માટે ફાળવ્યો છે. 

    28 સપ્ટેમ્બરની કૉલમમાં જય વસાવડાએ ‘ધ બેંગાલ ફાઈલ્સ’ને ઉતારી પાડવાના જેટલા મરણિયા પ્રયાસો કર્યા, એટલા જ નિષ્ફળ પ્રયત્નો મોહનદાસ ગાંધીના પાંગળા બચાવ કરવા માટેના કર્યા છે. આનંદની વાત એટલી કે આ ભાઈ બંનેમાં નિષ્ફળ ગયા. લેખની શરૂઆતમાં જ બેંગાલ ફાઈલ્સને ધબડકો બની ગયેલી ફિલ્મ ગણાવી દેવામાં આવી છે. 

    ફિલ્મની લંબાઈનો ઉલ્લેખ કરીને જય લખે છે કે, “આ ‘ભારેખમ’ ફિલ્મ ધારી અસર ન કરતો પથારો બની હોઈને બોક્સ ઑફિસ પર ધબડકો બની ગઈ છે.” ત્યારપછી એક ફાલતુ ફેક્ટચેક કરે છે, જેની કોઈ જરૂર ન હતી. ફિલ્મમાં મુસ્લિમ વિલનનું પાત્ર ‘ભવિષ્યમાં એક દિવસ મારો છોકરો ભારતનો પહેલો માઈનોરિટી પ્રાઇમ મિનિસ્ટર બનશે’ એવું બોલે છે તેમાં આ ભાઈ ફેક્ટચેક કરવા દોડી આવીને ભૂતકાળમાં પારસી અને શીખ વડા પ્રધાન રહી ચૂક્યા એવું ડહાપણ કરે છે. 

    - Advertisement -

    વાસ્તવમાં પેલા પાત્રએ મુસ્લિમ વ્યક્તિના જ સંદર્ભમાં કહ્યું હતું અને જોનારનામાં મગજ હોય (ને પૂર્વગ્રહથી જોવા ન ગયો હોય) તો તેણે સમજવાનું પણ એ રીતે જ હોય. ‘માઇનોરિટી’ શબ્દ એટલા માટે કારણ કે મુસ્લિમ નેતાઓ જાણીજોઈને આવા જ શબ્દો વાપરતા હોય છે. 

    ત્યારબાદ તેઓ વિવેક અગ્નિહોત્રીના રિસર્ચને પડકારે છે અને કહે છે કે તેમનું 18 હજાર પાનાંનું રિસર્ચ કેવું હશે એ પોલ આનાથી ખુલી જાય છે. એક દ્રશ્યના એક ડાયલોગ પરથી આખી ફિલ્મ અને તેના રિસર્ચ પર ચુકાદો સંભળાવી દેવામાં આવ્યો. ન સંવાદનો સંદર્ભ સમજવાના પ્રયાસ કર્યા કે ન ફિલ્મના અન્ય ભાગોનું મૂલ્યાંકન કરવાની તસ્દી લીધી. 

    અહીં પ્રશ્ન એ છે કે શું ફિલ્મ ખરેખર ધબડકો થઈ ગઈ? ના. અમુક ફિલ્મો કરોડો કમાવા માટે બને છે, વ્યવસાયિક હિતો સાધવા માટે બને છે. અમુક ફિલ્મો ઇતિહાસનાં પાનાં ઉજાગર કરવા માટે બને છે. ‘કાશ્મીર ફાઈલ્સ’થી માંડીને ‘ધ કેરાલા સ્ટોરી’થી લઈને ‘બેંગાલ ફાઈલ્સ’ સુધીની ફિલ્મોએ કમાણી કેટલી કરી તેની ઉપરથી તેની સફળતા અને નિષ્ફળતા નક્કી થતી નથી. એ ફિલ્મની સામાન્ય જનમાનસ પર અસર કેટલી પડી, તેની, તેના વિષયની ચર્ચા કેટલી થઈ તેની ઉપરથી તેનું મૂલ્યાંકન થાય છે. એ રીતે જોઈએ તો આ ફિલ્મ સફળ ફિલ્મો પૈકીની એક છે. કોઈ છેલ્લા પાને કૉલમ ઘસતો લેખક પૂર્વગ્રહ રાખીને ફિલ્મો ફ્લૉપ ઘોષિત કરી દે એટલે તે ફ્લૉપ સાબિત થઈ જતી નથી. આટલું યાદ રાખીએ. 

    લેખના બીજા ભાગમાં મોહનદાસ ગાંધીની વાત આવે છે. જય વસાવડાની દલીલ છે કે ફિલ્મમાં જાણીજોઈને ગાંધી પ્રત્યે તિરસ્કાર થાય તેવાં સિલેક્ટિવ સીન અને લાઇન આપવામાં આવ્યાં છે. તેનું કારણ પણ આ ભાઈ જાતે જ આપી દે છે. કારણ શું આપે છે? વાંચો, તેમના જ શબ્દોમાં– ‘જેથી આ ગાંધીજયંતીએ અને ગાંધી ટીકા કરતાં પહેલાં પણ ફરજિયાત વાંચવી જોઈએ એવી આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની પણ શતાબ્દી થવા આવી છે ત્યારે ગાંધીને ગાળો દેવાની ખંજવાળ ખાલી ખોપરીઓની પૂરી થાય!’

    ગાંધીજયંતી પર મોહનદાસનાં નકરાં વખાણ હવે થતાં નથી એ વાસ્તવિકતા છે. સોશિયલ મીડિયા આવ્યું પછી ગાંધીનું મહિમામંડન ઘણુંખરું ઘટ્યું છે. તેમના જીવનનાં એ પાસાંની, એવી વાતોની પણ ચર્ચા થાય છે જેને વધુ પડતી ગાંધીભક્તિમાં બહાર આવવા દેવામાં ન આવ્યાં. જય વસાવડા જેવા અલ્ટ્રા પ્રો ગાંધીવાદીઓને દર બીજી ઑક્ટોબરે આ બધું ચચરે છે, પણ તેનો કોઈ ઈલાજ નથી. આ ચચરાટ પછી આવી બાલિશ દલીલોમાં દેખાય આવે છે. વિવેક અગ્નિહોત્રી ફિલ્મમાં ગાંધી સાથે કથિત રીતે ‘અન્યાય’ કરે જેથી બીજી ઑક્ટોબરે ગાંધીને ગાળો દઈ શકાય? ભલા માણસ ગાંધીની ટીકા કરવા માટે પહેલેથી ઘણી સામગ્રી ઉપલબ્ધ છે જ. 

    પછીથી ગોપાલ પાઠાના પૌત્ર શાંતનુ મુખર્જીએ દાદાના ખોટા ચિત્રણ બદલ એફઆઈઆર કરાવી એ બાબતનો ઉલ્લેખ તેઓ કરે છે ને ફરી એક વખત રિસર્ચ પર પ્રશ્નો ઉઠાવે છે. શાંતનુ મુખર્જીનો વૈચારિક ઝુકાવ કઈ તરફ છે એ આપણે જાણીએ છીએ. ને તેમણે FIR કરાવી એટલે રિસર્ચ પર પ્રશ્ન ઉઠાવવા માંડો તો એ આપણી સમજશક્તિ પર પ્રશ્નાર્થ સર્જે છે. રિસર્ચ પર પ્રશ્નો તથ્યોના આધારે ઉઠે, કોઈના સ્ટેટમેન્ટ, ફરિયાદના આધારે નહીં. 

    ત્યારબાદ જય વસાવડાએ એક લાંબો હિસ્સો ગાંધીની ટિપ્પણીઓને ‘સમજાવવામાં’ અને જસ્ટિફાય કરવા માટે ખર્ચી નાખ્યો છે. ‘બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીએ આત્મહત્યા કરી લેવી જોઈએ’ તે સ્ટેટમેન્ટ પર અગાઉ ગાંધીએ આ વિશે શું કહ્યું હતું ને કયા સંદર્ભમાં કહ્યું હતું એ આ ભાઈ સમજાવવા બેસે છે. જ્યારે સંદર્ભો સમજવાના હતા ત્યારે તેમણે વાક્યો શબ્દશઃ લઈને તે રીતે તેનાં અર્થઘટન કર્યાં હતાં, ગાંધીની વાત આવી એટલે દલીલ આપી કે તેને પૂરેપૂરા સંદર્ભ સાથે સમજવું પડે, શૈલી સમજવી પડે! 

    આગળ રમખાણો અને હિંસાની વાતોમાં પણ બેલેન્સ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસ્લિમોએ હિંસા કરી એ તો લખવામાં આવ્યું છે, પણ બેલેન્સ થઈ રહે તેના માટે એક અંગ્રેજ અફસરના પુસ્તકને ટાંકીને કહે છે કે પાછળથી હિંદુ ટોળાં પણ બહાર નીકળ્યાં હતાં નિર્બળ મુસ્લિમોને મારવા. એ પ્રતિક્રિયા હતી એ ચોખવટ કરવી જરૂરી ન લાગી. 

    ત્યારબાદ ફરી ગાંધીનું ફાલતુ મહિમામંડન શરૂ થાય છે અને તેમને ‘મરદનું ફાડિયું’ ગણાવીને કહે છે કે તેઓ કોઈ સુરક્ષા વગર લોકોના જીવ બચાવવા બંગાળ ગયા હતા. આ મરદનું ફાડિયું મોપલા નરસંહાર વખતે કે પછી ખિલાફતની આડમાં થયેલી હિંસા વખતે ક્યાં હતું એવું પૂછીશું તો આ ભાઈ અત્યંત નીચ કક્ષાની ભાષા લઈને દલીલો પર ઉતરી પડશે, એટલે માંડવાળ રાખીએ. 

    લેખમાં એવું અર્થઘટન કરવામાં આવ્યું છે કે ફિલ્મમાં જે અઘટિત થયું તેની બધી જવાબદારી ગાંધીની અહિંસાને માથે ઢોળી દેવામાં આવી છે. જ્યારે હકીકત એ નથી. ફિલ્મમાં તેમને જવાબદાર નથી ઠેરવાયા. માત્ર તેમની તે સમયની મૂંઝવણ, જે-તે સ્થિતિ મોટા પડદે દર્શાવાઈ છે. એક તો ગાંધીનાં દ્રશ્યો ઓછાં છે. મૂળ વિષય ગાંધીનું મૌન, ગાંધીની પ્રતિક્રિયા હતો પણ નહીં. ફિલ્મમાં એ જ દર્શાવાયું છે જે ઇતિહાસમાં બન્યું હતું. ગાંધીનાં વિધાનોના આધારે જ તેમના પાત્રના સંવાદો પણ લખાયા. 

    મૂળ વાત એ છે કે ગાંધી એક રાજકારણી હતા. તેમના અમુક નિર્ણયોની સકારાત્મક અસરો થઈ હતી તો અમુક ક્રિયા, પ્રતિક્રિયાઓની નકારાત્મક પણ. ગાંધી કોઈ પયગંબર ન હતા કે તેમની ટીકા ઈશનિંદા તરીકે જોવામાં આવે કે ફિલ્મોમાં તેમના પાત્રનું તથાકથિત નકારાત્મક ચિત્રણ ન થઈ શકે. એવા અનેક મુદ્દાઓ છે, જેની ઉપર ગાંધીની ટીકા થઈ શકે છે. થવી જોઈએ. અહીં ભગવાન રામ કે જગતના અધિપતિ ભગવાન શ્રીકૃષ્ણની પણ ટીકા કરનારાઓ મળી રહે છે, મોહનદાસની કેમ ન થઈ શકે? 

    ‘મોહનદાસે ફલાણું કર્યું હતું ને ઢીંકણું કર્યું હતું’ની દલીલો આપ્યા કરો તેનાથી તેમની ખામીઓ છુપાઈ જતી નથી એ જય વસાવડા જેવા વધુ પડતા ઉત્સાહી ગાંધીવાદીઓ સમજી જાય એ હવે જરૂરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં