ડૉ. મનમોહન સિંઘ (Dr Manmohan Singh) ગયા. 92 વર્ષની જૈફ વયે ગુરુવારે (26 ડિસેમ્બર) દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે દિવસ દરમિયાન રાજનેતાઓએ તેમના નિવાસસ્થાને જઈને અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ આપી. આવતીકાલે પૂરેપૂરા રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોદી સરકારે એક પૂર્વ વડાપ્રધાનને અપાય તેવું અને એકદમ ઉચિત સન્માન આપ્યું છે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કરવામાં આવ્યો, સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation. pic.twitter.com/nnNZjiSowN
— Narendra Modi (@narendramodi) December 27, 2024
મનમોહન સિંઘની કારકિર્દીનો ગ્રાફ બહુ વિશાળ રહ્યો. એક વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે નામના મેળવી પછી રાજકારણમાં આવ્યા. 1980ના દાયકામાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર રહી ચૂકેલા. પછીથી રાજકારણમાં ઝંપલાવ્યું અને 1991માં પીવી નરસિમ્હા રાવની સરકાર બની ત્યારે નાણાંમંત્રી રહ્યા. 1991માં જ સરકારે અર્થવ્યવસ્થામાં મોટાપાયે સુધારા કર્યા તેનો ઘણોખરો શ્રેય ડૉ. મનમોહન સિંઘને જાય છે. જોકે, એક થિયરી એવી પણ છે કે એ સુધારા IMFના દબાણ પછી થયા હતા અને ભારત સરકારે માત્ર નિમિત્ત બનવાનું કામ કર્યું હતું.
એ જુદી વાત છે, પણ ડૉ. સિંઘે ક્યારેય રાજકારણ માથે ચડવા દીધું નહીં. તે પણ એવી પાર્ટીમાં રહીને, જ્યાં રાજકારણને માથે ચડાવીને અહંકારમાં તરબોળ થઈ જવાની એક લાંબી પરંપરા રહી છે અને આજદિન સુધી ચાલતી આવી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો તેમણે રાજકારણને પોતાનાથી બહુ છેટું રાખ્યું. ભારત જેવા લોકતાંત્રિક દેશમાં, જ્યાં ઘણી વખત સરકાર કરતાં વિપક્ષ વધારે મજબૂત લાગવા માંડે છે, ત્યાં દસ વર્ષ સુધી સત્તાના શિખરે રહેવું એ નાની વાત નથી. ડૉ. મનમોહન સિંઘ એક દાયકા સુધી આ પદ પર રહ્યા, પણ સત્તાના અહંકારના ‘અ’ને પણ તેમણે નજીક આવવા દીધો નહીં.
તેમનું વ્યક્તિત્વ સરળ અને શાલીન હતું એ વાતમાં કોઈ બેમત નથી. એક ઉમદા વ્યક્તિ હતા તેવું તેમને જાણનારા લોકો કહે છે. દસ વર્ષમાં પણ દેશે તેમના તરફથી એવું કોઈ અહંકારભર્યું આચરણ જોયું નહીં, જેનાથી વડાપ્રધાનના પદની ગરિમાને ઠેસ પહોંચે. પરંતુ એક વડાપ્રધાનના કામનું જ્યારે મૂલ્યાંકન કરીએ ત્યારે માત્ર વ્યક્તિત્વ જોવામાં આવતું નથી અને સંપૂર્ણપણે રાજકીય દ્રષ્ટિએ જ્યારે તમે વિહંગાવલોકન કરો ત્યારે તો આ બાબતો ધ્યાનમાં જ લેવાની હોતી નથી.
એક વ્યક્તિ તરીકે મનમોહન સિંઘ સરળ હતા, એક ઉમદા રાજકારણી હતા, પણ પોલિટિકલી કરેક્ટ રહેવાનું રહેવા દઈને કહીએ તો એક વડાપ્રધાન તરીકે તેમના કામનું મૂલ્યાંકન કરીએ તો નિરાશા જ સાંપડે છે. તેમની વિદ્વતા અને આવડત જોઈએ તો તેઓ ઘણું કરી શક્યા હોત, અમુક કારણોસર તેમણે તે ન કર્યું અને એક પરિવાર પ્રત્યે વફાદારીને વધારે મહત્ત્વ આપ્યું, તેના કારણે એકંદરે નુકસાન દેશનું થયું.
2004ની લોકસભા ચૂંટણી પછી સરકાર બનાવવાનો વખત આવ્યો ત્યારે કઈ રીતે સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ નકારી દીધું એ તો કોંગ્રેસીઓએ આપણા માથે ‘ત્યાગ’ની વાતો મારીને મોઢે કરાવી દીધું છે, એટલે એ બધી વાતોમાં પડવાનો કે મનમોહન સિંઘ કઈ રીતે વડાપ્રધાન બન્યા તે ચર્ચા કરવાનો અર્થ નથી, કારણ કે એ હવે જગજાહેર છે. પણ પબ્લિક ડોમેનમાં હજુ ઓછી જાણીતી વાત એ છે કે તેમના વડાપ્રધાન બન્યાના માત્ર દસ દિવસ પછી એક નેશનલ એડવાઇઝરી કાઉન્સિલની રચના કરવામાં આવી, જે કોઈ પણ આત્મસન્માન ધરાવતો વડાપ્રધાન હોય એ ચલાવી લે નહીં, પણ દુર્ભાગ્યે મનમોહન સિંઘે ચલાવ્યું.
એક રીતે વડાપ્રધાન કાર્યાલય પર ઠોકી બેસાડેલી આ બોડીનાં અધ્યક્ષ સોનિયા ગાંધી હતાં. જે કાગળ પર તો પીએમ અને સરકારને સલાહ આપવાનું કામ કરતી, પણ આ બોડીનું કામ ‘સલાહ’ આપવા પૂરતું જ સીમિત ન હતું અને એક રીતે કેબિનેટની પણ ઉપર એક પેરેલલ કેબિનેટ જેવી બનાવી દેવામાં આવી, જેની બાગડોર હતી સોનિયા ગાંધીના હાથમાં.
મોટાભાગના રાજકીય નિર્ણયો સોનિયા ગાંધી સાથેના પરામર્શ વગર થતા નહીં કે નીતિગત બાબતોમાં પણ તેમનો હસ્તક્ષેપ રહેતો. જેના કારણે એક વડાપ્રધાન તરીકે મનમોહન સિંઘની સત્તાઓ ઘણા અર્થમાં મર્યાદિત થઈ ગઈ. પરંતુ છતાં તેઓ આ જ બોડી સાથે વર્ષો સુધી કામ કરતા રહ્યા. આખરે 2014માં NACનું અસ્તિત્વ કોંગ્રેસ સરકાર સાથે જ ખતમ થયું.
વડાપ્રધાનના કામનું મૂલ્યાંકન કરીએ ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો પણ જોવાનો રહે છે. 2004થી 2014 સુધી આંતરિક સુરક્ષા બાબતે સરકાર કેટલી નિષ્ફળ ગઈ હતી એ નવેસરથી કહેવાની જરૂર નથી. આ આખા દાયકા દરમિયાન અનેક શહેરો બૉમ્બ ધડાકાથી ધણધણતાં રહ્યાં અને સરકાર અટકાવી ન શકી. 2014 પછી આવું ક્યાંય સંભળાતું નથી એ પણ એક હકીકત છે. અર્થાત્, ઉપર બેઠેલા માણસોમાં જો ઇચ્છાશક્તિ હોત તો આ કામ ત્યારે પણ થઈ શક્યું હોત. કારણ કે સિસ્ટમ પણ એ જ હતી, સેના પણ એ જ હતી અને એજન્સીઓ પણ.
26 નવેમ્બર, 2008ના દિવસે પાકિસ્તાન પ્રેષિત આતંકવાદીઓએ મુંબઈમાં હુમલો કર્યો એ આપણે આટલાં વર્ષે પણ ભૂલી શક્યા નથી. જ્યારે-જ્યારે 26/11ની ચર્ચા નીકળે છે ત્યારે-ત્યારે તત્કાલીન સરકાર પર પણ સવાલો ઉઠે છે. સેના પ્રતિશોધ માટે સક્ષમ હતી, પણ અહીં પણ અભાવ હતો ઈચ્છાશક્તિનો અને નિર્ણય લેવામાં ભલે અનેકોની ભૂમિકા હોય છે પણ આવી બાબતોમાં આખરે જવાબદારી એક જ વ્યક્તિએ લેવાની આવે છે- વડાપ્રધાન.
ભ્રષ્ટાચારમાં તો કોંગ્રેસે એકએકથી ચડિયાતા રેકોર્ડ બનાવ્યા છે, પણ મનમોહન સિંઘની સરકાર દરમિયાન પણ આ સિલસિલો ચાલુ જ રહ્યો. 2G, અગસ્તા વેસ્ટલેન્ડ, કોમનવેલ્થ ગેમ્સ સ્કેમ, નેશનલ હેરાલ્ડ કેસ- આ બધું તો હવે નવી પેઢીને પણ મોઢે થઈ ગયું છે. હજારો કરોડનાં કૌભાંડ થતાં રહ્યાં…એવું માનવાને કોઈ કારણ નથી કે મનમોહન સિંઘ કાંઈ કરી શકતા ન હોય. પણ તેમણે કશુંક કરવાના સ્થાને ગાંધી પરિવાર પ્રત્યે વફાદારીને વધારે મહત્ત્વ આપ્યું.
આ બધું થઈ રહ્યું હતું ત્યારે મનમોહન સિંઘ સર્વોચ્ચ કાર્યવાહક પદ ઉપર હતા. પરંતુ જેટલી જરૂર ગાંધી પરિવારને તેમની હતી, તેટલી જ તેમને પણ હતી. પરિણામસ્વરૂપ તેમણે આ પરિવારને જ ઉપર રાખ્યો. એ પણ એવા સંજોગોમાં, જ્યારે આ પરિવારે તેમનું અપમાન કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. 2013માં રાહુલ ગાંધીએ મનમોહન સિંઘની જ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલા એક અધ્યાદેશની નકલ જાહેરમાં ફાડી નાખી હતી.
ઈન્ટરનેટ પર જઈને જોશો તો અઢળક ફોટા અને વિડીયો ઉપલબ્ધ છે, જેમાં કોઈ વિદેશી મહેમાનના આગમન સમયે કે કોઈ અન્ય સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ કરતાં પ્રોટોકોલમાં સોનિયા ગાંધીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હોય. રાહુલના આવા બાલિશ વર્તન પછી કે ગાંધી પરિવારની આવી વર્તણૂક પછી પણ તેમણે ગાંધી પરિવાર સાથે ચાલવાનું જ મુનાસિબ માન્યું.
ડૉ. મનમોહન સિંઘે એક વખત કહ્યું હતું અને હવે એ કથન બહુ વાયરલ પણ થઈ રહ્યું છે કે- ‘ઇતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર રહેશે તેમ મને લાગે છે’. ઇતિહાસ એક વ્યક્તિનું મૂલ્યાંકન કરશે ત્યારે ચોક્કસપણે ઉદાર રહેશે, પણ એ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ અને હકીકતોને જેમની તેમ રજૂ કરવી એ જ એકમાત્ર વિકલ્પ હશે. એટલે એક વ્યક્તિ તરીકે તેઓ શાલીન હતા, એક વડાપ્રધાન તરીકે તેઓ નિષ્ફળ રહ્યા. ઘણું બધું કરી શક્યા હોત, ઘણું થઈ શક્યું હોત. તેમણે તેમ ન કર્યું. જે પરિણામો આવ્યાં તે પણ સામે છે, દુષ્પરિણામો પણ.