બિહારમાં વિધાનસભા ચૂંટણી માથે હોય અને કોંગ્રેસના (કે ભાજપના?) સ્ટાર પ્રચારક શ્રીમાન રાહુલ ગાંધી પ્રચારથી સદંતર અળગા રહે એ વાતમાં આમ તો બહુ આશ્ચર્ય જેવું રહ્યું નથી, કારણ કે ‘યુવનેતા’ને આવું કરવાની આદત છે. જ્યાં ચૂંટણી હોય ત્યાં ધ્યાન ન આપીને બીજે-બીજે જ ફાંફાં મારવાની રાહુલ ગાંધીને ટેવ, રાધર કુટેવ છે. પણ બિહારમાં આનું ફરી એક વખત પુનરાવર્તન સૂચવે છે કે રાજ્યસભા પામવાની લાલસામાં આસપાસના જીહજૂરિયાઓ ભલે રાહુલને ‘જનનાયક’ ને ભલભલાં બિરુદ આપતા રહે, પણ તેઓ હજુ ફૂલટાઇમ પોલિટિશિયન પણ બની શક્યા નથી.
બિહારમાં ચૂંટણી જાહેર થવાની હતી તે પહેલાં રાહુલ ગાંધીએ ‘વૉટ ચોરી’નો મુદ્દો ઉછાળ્યો હતો. એક કલાક લાંબી પ્રેસ કૉન્ફરન્સ કરી અને એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે દેશમાં ઠેરઠેર ચૂંટણી પંચ અને મોદી-શાહ મળીને ગોટાળા કરી રહ્યા છે અને એટલે સત્તામાં ટકી રહ્યા છે. આ મુદ્દો આમ તો રાષ્ટ્રવ્યાપી હતો પણ બિહારમાં ચૂંટણી આવવાની હોવાથી કોંગ્રેસે રાહુલને ત્યાં મોકલી આપ્યા અને રેલીઓ કરાવી. બિહારમાં ગઠબંધનમાં જે રાષ્ટ્રીય જનતા દળ છે તેના નેતા તેજસ્વી યાદવને પણ સાથે રાખ્યા અને ભરપૂર પ્રચાર કર્યો.
આ રેલીઓમાં માણસો તો આવ્યા, પણ ગ્રાઉન્ડ પર કોઈ અસર ન દેખાઈ. ઉપરથી આ રેલીઓ ચાલતી હતી અને સમાનાંતરે ચૂંટણી પંચ રાહુલ અને તેજસ્વીના ઉટપટાંગ દાવાઓનું ફેક્ટચેક કરતું જતું હતું. દેશભરમાં જબરું કૌભાંડ ચાલે છે એવો નરેટિવ ઘડવાનું ઇકોસિસ્ટમનું સપનું આટલા ખર્ચા અને મહેનત પછી પણ સાકાર ન થઈ શક્યું. હમણાં સ્થિતિ એ છે કે તથાકથિત વૉટચોરી કોઈ મુદ્દો જ નથી. એટલે જ રાહુલે જે મોટા ઉપાડે ‘હાઇડ્રોજન બૉમ્બ’ની વાત કરી હતી એ પણ ફુસ્સ થઈ ગયો અને એ બૉમ્બ તો ન આવ્યો પણ 12 રાજ્યોમાં SIRની ઘોષણા થઈ ગઈ!
1 સપ્ટેમ્બરના રોજ રાહુલની આ વૉટ ચોરીવાળા કેમ્પેઈનની એક રેલીનું સમાપન હતું, એ પણ બરાબર ન થયું અને ત્યારબાદ RJDએ પણ અંતર બનાવવા માંડ્યું. ત્યારબાદ રાહુલ ગાંધી બિહાર આવ્યા નથી. બહુ ચર્ચાઓ થઈ, પ્રશ્નો ઉઠવા માંડ્યા, ફોર્મ ભરાઈ ગયાં અને પ્રચાર પૂર ગતિએ ચાલવા માંડ્યો છતાં ન દેખાયા અને પાર્ટીમાંથી જ અસંતોષ વધવા માંડ્યો ત્યારે આખરે પાર્ટીએ અમુક રેલીઓની ઘોષણા કરી છે, પરંતુ પાર્ટી અને રાહુલ બંનેની ગતિવિધિઓ પરથી એટલું સ્પષ્ટ છે કે બંનેને આ ચૂંટણીમાં હવે રસ રહ્યો નથી.
રસ ન રહે એ સ્વાભાવિક પણ છે, કારણ કે બિહારમાં કોંગ્રેસનું કોઈ ગ્રાઉન્ડ નથી. નવી પાર્ટી લઈને મેદાનમાં ઉતરેલા પ્રશાંત કિશોર આમ તો પોતે મોટા ફાંકા ફોજદાર છે, પણ તેમની એક વાત સાચી છે કે બિહારમાં કોંગ્રેસની કોઈ ‘ઔકાત’ નથી. જે RJD કહે અને ખાસ તો લાલુ યાદવ કહે એટલું તેમણે કરવું પડે છે.
સીટ શૅરિંગમાં પણ બંને પાર્ટીઓ વચ્ચે વિખવાદ હોય તેમ જણાયું અને અમુક બેઠકો પર તો બંનેએ સામસામે ઉમેદવારો ઉતાર્યા છે. ભલે પાર્ટીઓ અને ‘ફ્રેન્ડલી ફાઇટ’ કહીને ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતી હોય પણ હકીકત શું છે એ સૌ કોઈ જાણે છે.
ટૂંકમાં વાત એટલી છે કે બિહારમાં કોંગ્રેસ લડે કે ન લડે તેનાથી કોઈ મોટો ફેર પડવાનો નથી. તેની બેઠકો પણ એટલી નહીં આવે કે કિંગમેકરની ભૂમિકા ભજવી શકે. આમ પણ કોંગ્રેસ હવે તમામ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોના ખભે ચડીને જ રાજકારણ કરી રહી છે અને અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહી છે.
રાહુલ ગાંધીના કેસમાં એવું છે કે કોંગ્રેસ સંભવતઃ જાણી ગઈ છે કે તેમના તથાકથિત જનનાયકનો ‘વૉટ ચોરી’વાળો મુદ્દો સદંતર નિષ્ફળ ગયો છે અને બિહારના લોકોને તેનાથી લેશમાત્ર ફેર પડ્યો નથી. હવે તો SIRના બીજા તબક્કાની પણ ઘોષણા થઈ ગઈ. આ સંજોગોમાં કોંગ્રેસ નેતાને મેદાનમાં ઉતારવામાં આવે અને પરિણામ આવે ત્યારે પાર્ટી કશું નહીં ઉકાળે (જે નક્કી છે) તો વધારે ફજેતી થશે.
બીજું એક કારણ એ પણ છે કે રાહુલ ગાંધી પોતે ફૂલટાઇમ પોલિટિક્સ કરી શકતા નથી. દર થોડા-થોડા દિવસે તેઓ ગાયબ થઈ જાય છે અને વિદેશ યાત્રાઓ પણ ઘણી વધતી જાય છે. વિદેશમાં જઈને પણ કશુંક બફાટ કરી આવે તેનાથી અહીં પાર્ટી અને ખાસ તો આઈટી સેલવાળાઓનું કામ વધારી દે છે. ભારતમાં હોય ત્યારે પણ એક-બે ઠેકાણે આંટાફેરા કરી આવ્યા બાદ થોડા દિવસ માટે ક્યાંય દેખાતા નથી.
પાર્ટી બેઠી કરવી હોય, સંગઠન જમાવવું હોય તો 24*7 ગ્રાઉન્ડ પર રહેવું પડે છે. નરેન્દ્રભાઈના શબ્દોમાં કહીએ તો હાથમાં ચમચી લઈને પેદા થયેલાઓનું એ કામ નથી. જેમનું છે તેમણે કરીને બતાવ્યું છે અને એક વખત સત્તામાં આવ્યા પછી હજાર પ્રયાસો પણ હટાવી શકાયા નથી. રાહુલને આ બધું શીખતાં હજુ વાર લાગશે.


