Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણપોસ્ટરમાંથી ગાયબ રાહુલ ગાંધી, પ્રેસ કૉન્ફરન્સમાં પણ ન દેખાયા: બિહાર ચૂંટણી પહેલાં...

    પોસ્ટરમાંથી ગાયબ રાહુલ ગાંધી, પ્રેસ કૉન્ફરન્સમાં પણ ન દેખાયા: બિહાર ચૂંટણી પહેલાં જ ‘તેજસ્વી કેન્દ્રિત’ મહાગઠબંધનમાં કેમ હારી ગઈ કોંગ્રેસ?

    કોંગ્રેસે પોતાનો મૂળ જનાધાર ગુમાવી દીધો છે. હવે તે તમામ ચૂંટણીઓ માટે સ્થાનિક પાર્ટીઓ પર નિર્ભર થઈ ગઈ છે અને રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં તેની પ્રતિષ્ઠા ખૂબ ખરડાઈ છે. સ્થાનિક પાર્ટીઓ પણ દેશની સૌથી જૂની પાર્ટીને ફટકાર લગાવી દે છે.

    - Advertisement -

    બિહાર ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ NDA મજબૂતી સાથે કામ પર લાગી ગયું છે તો બીજી તરફ વિપક્ષી મહાગઠબંધનમાં આંતરિક કકળાટની વાતો સામે આવી રહી છે. જોકે, મહામહેનતે આ ગઠબંધને પોતાનો મુખ્યમંત્રી ઉમેદવારનો ચહેરો તો નક્કી કરી લીધો છે પણ અમુક ઘટનાઓ જોતાં એવું લાગી રહ્યું છે કે હાલ પણ મહાગઠબંધનમાં ખેંચતાણ જોવા મળી રહી છે. તેનું કારણ છે તાજેતરની પ્રેસ કૉન્ફરન્સનું પોસ્ટર અને રાહુલ ગાંધીના સંકેતો. 

    તાજેતરમાં જ સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સનું એક પોસ્ટર સામે આવ્યું હતું, જેમાં તેજસ્વી યાદવને મુખ્ય પાત્ર કે ગઠબંધનના ‘હીરો’ તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને આ પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનું નામોનિશાન ન હતું. ન તો રાહુલ ગાંધીનો ફોટો હતો અને ન તો કોંગ્રેસનું બીજું કોઈ અસ્તિત્વ. આ પોસ્ટર સામે આવ્યા બાદ ભાજપ સહિતના પક્ષોએ કટાક્ષ પણ કર્યો હતો. જોકે, આ માત્ર એક ગ્રાફિક મિસ્ટેક નથી, રાજકીય પ્રતિદ્વંદીઓએ આ ઘટનાને કોંગ્રેસની નબળી સ્થિતિ ગણાવી છે. 

    વિપક્ષના અંદરના તાલમેલ પર શંકા, કોંગ્રેસ સાથેના સંબંધોમાં અસંતુલન અને સાર્વજનિક ધારણા પર પ્રભાવ- આ બધી બાબતોને લઈને ભાજપ સહિતના સાથી પક્ષોએ કોંગ્રેસ પર અનેકો પ્રહાર કર્યા હતા. આ તો થઈ પહેલી એક વાત. બીજી વાત એ છે કે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સમાં ક્યાંય રાહુલ ગાંધી નજરે ન પડ્યા. ન તો કોંગ્રેસનો કોઈ આલા દરજ્જાનો નેતા દેખાયો. તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવારના ચહેરા તરીકે જાહેર કરાયા બાદ પણ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ સંબંધિત એક પણ પોસ્ટ સુદ્ધાં કરી નથી. આ બધા સંકેતો જનતા માટે સામાન્ય હોય શકે પણ રાજકારણ માટે તે સામાન્ય નથી. 

    - Advertisement -

    રાજકીય સાંઠગાંઠ ધરાવતા ગઠબંધનોમાં, અને એમાંય પાછું આ તો મહાગઠબંધન!, વિઝ્યુઅલ પ્રતિક (નેતૃત્વની ઉપસ્થિતિ/અનુપસ્થિતિ) એવો જ અર્થ ધરાવે છે જેવો ભાષણો ધરાવે છે. રાહુલનો પોસ્ટરમાં અભાવ અને પ્રેસ કૉન્ફરન્સમાં પણ અભાવ કોંગ્રેસની ‘પાર્ટનર’ તરીકેની ઘટતી ભૂમિકાનો સંકેત આપે છે. માત્ર બિહાર જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસને હવે સાઇડલાઇન કરવામાં આવી રહી છે. જોકે આવું થવા પાછળ પણ ઘણા કારણો જવાબદાર હોય શકે છે.

    બિહાર ચૂંટણી પહેલાં જ કેમ હારતી દેખાઈ કોંગ્રેસ? 

    હજુ બિહાર વિધાનસભા ચૂંટણીની શરૂઆત પણ નથી થઈ અને કોંગ્રેસ હારતી દેખાઈ રહી છે. જમીન પર તો દૂરની વાત છે પણ પોતાના જ મહાગઠબંધનમાં આટલી મોટી અને જૂની મહાકાય પાર્ટીને અવગણવામાં આવી રહી છે. તેની પાછળ જવાબદાર મોદી નથી!, તેની પાછળ જવાબદાર છે કોંગ્રેસ પોતે. કારણ કે કોંગ્રેસની એક કુટેવ એ રહી છે કે તે કોઈપણ જગ્યાએ પોતાને ‘મોટા ભાઈ’ ગણાવવા પ્રયાસો કરતી રહે છે. બિહાર, બંગાળ, જમ્મુ-કાશ્મીરમાં પણ આવું જ થતું હતું અને પરિણામો શું આવ્યા એ જનતાની સામે છે. તે સિવાય પણ ઘણા કારણો આ બાબતે જવાબદાર છે. 

    નબળું સંગઠન અને નેતૃત્વનો અભાવ

    2014 પછી કોંગ્રેસની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં હવે કોંગ્રેસ તરફડી રહી છે. આવું જ બિહારમાં પણ છે. બિહારમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ નબળી છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની સાથે બિહારના સ્થાનિક નેતૃત્વમાં પણ ઉણપ દેખાઈ રહી છે. બંને નેતૃત્વ નબળા છે. નેતૃત્વ નબળું હોવાના કારણે બિહારમાં કોંગ્રેસનો કોઈ આધાર બની શક્યો નથી અને તેના કારણે હવે મહાગઠબંધનમાં પણ કોંગ્રેસની સ્થિતિ નબળી પડી ગઈ છે. જોકે, હવે તમામ રાજ્યોમાં કોંગ્રેસ કોઈ સ્થાનિક પાર્ટી પર નિર્ભર રહે છે અને તેના જોરે ચૂંટણી લડે છે. 

    તે સિવાય બિહારમાં કોંગ્રેસનું પોતાનું કોઈ ઔચિત્ય નથી રહ્યું. દાયકાઓથી તે સ્થાનિક પાર્ટીઓના જોરે ચૂંટણી લડતી આવી છે. રાહુલ ગાંધી કેન્દ્રીય રાજકારણમાં આવ્યા બાદ તો બિહારમાં કોંગ્રેસની સ્થિતિ વધુ કથળી ગઈ. તે રાજ્યમાં માત્ર એક સહાયક ભાગીદારની ભૂમિકામાં રહી છે. ઐતિહાસિક સંદર્ભ અને ડેટા દર્શાવે છે કે કોંગ્રેસ લાંબા સમયથી રાજ્ય સ્તર પર શીર્ષ પ્રતિદ્વંદી બનવામાં નિષ્ફળ રહી છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પરથી ચૂંટણી લડી, પરંતુ માત્ર 19 બેઠકો જ જીતી શકી. આ પરિણામ દર્શાવે છે કે જનતામાં પાર્ટીની પકડ ખૂબ નબળી છે. 

    વૉટચોરીના મુદ્દે સ્વછબી ચમકાવતા રાહુલ ગાંધી

    બિહાર ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ આખા બિહારમાં વૉટચોરીનો મુદ્દો ચગાવ્યો હતો. સાથે તેજસ્વી યાદવને રાખીને ઠેર-ઠેર જઈને સભાઓ ગજવી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી બિહારમાં મુખ્ય ચહેરો બની રહ્યા હતા. જોકે રાહુલ ગાંધી એ હેતુથી જ મુદ્દો ચગાવી રહ્યા હતા કે તેઓ પોતાનું પ્રમોશન કરી શકે. પણ તેમાં નુકસાન RJDને હતું. રાહુલ ગાંધી અને તેજસ્વી સાથે ફરી તો રહ્યા હતા, પણ રાહુલ ગાંધી ગઠબંધનની જગ્યાએ માત્ર પોતાની અને કોંગ્રેસની છબી ચમકાવવા માટે કામ કરી રહ્યા હતા. 

    સમય જતાં તેજસ્વી યાદવ અને અન્ય સહયોગી પક્ષો એ જાણી ગયા અને પછી ધીમે ધીમે કોંગ્રેસ અને રાહુલ ગાંધીથી દૂરી બનાવતા રહ્યા. ત્યારબાદ આ બંને નેતાઓ ક્યારેય સાથે જોવા નથી મળ્યા. પોસ્ટરમાં પણ તેજસ્વી યાદવની સાથે રાહુલ ગાંધીનો ફોટો જોવા ન મળ્યો અને પ્રેસ કૉન્ફરન્સમાં પણ રાહુલ ગાંધી દેખાયા નહીં. રાહુલ ગાંધીએ ચગાવેલો વૉટચોરીનો મુદ્દો કોંગ્રેસ ઇકોસિસ્ટમે આખા દેશમાં ફેલાવી દીધો હતો અને એવો માહોલ તૈયાર કર્યો હતો કે હવે વૉટચોરી મામલે લોકો જાગી ગયા છે અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર થયા છે. 

    પણ હવે તેનું પરિણામ શું આવ્યું? હાલ કોઈપણ જગ્યાએ વૉટચોરીના તે મુદ્દાની ચર્ચા નથી. જે-તે સમયે રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સો કરી, ચૂંટણી પંચને ટાર્ગેટ કર્યું, સભાઓ ગજવી, પણ તે તમામ પ્રયાસો માત્ર ક્ષણિક રહ્યા. તાજેતરના સમયમાં એ મુદ્દો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂક્યો છે. મુદ્દાની સાથે કોંગ્રેસની બિહાર ચૂંટણીમાં કિસ્મત ચમકાવવાની આશા પર પણ પાણી ફરતું દેખાઈ રહ્યું છે. 

    RJD-કેન્દ્રિત માહોલ

    રાહુલ ગાંધીને કેન્દ્રમાં રાખીને શરૂ થયેયો ‘વૉટચોરી’નો મુદ્દો આખરે ચૂંટણી પહેલાં સમાપ્ત થઈ ગયો અને મહાગઠબંધનમાં તેજસ્વી યાદવને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવાના શરૂ થઈ ગયા. કોંગ્રેસની અસહમતી દેખાઈ રહી હતી, પણ તેની પાસે તેજસ્વી પર મહોર માર્યા સિવાયનો કોઈ વિકલ્પ પણ નહોતો. તેજસ્વીએ જમીની અને જાતિગત (યાદવ-મુસ્લિમ) સાંઠગાંઠના કારણે ગઠબંધનમાં પ્રમુખતા મેળવી લીધી છે. 

    RJDનો વ્યાપક વૉટબેઝ અને સ્થાનિક સંગઠન તેને મહાગઠબંધનનો ‘મુખ્ય ચહેરો’ બનાવે છે. તેથી જ પ્રચારની રણનીતિમાં પણ તેજસ્વીની દ્રશ્યતા સ્વાભાવિક દેખાઈ રહી છે અને મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે પણ તેના નામ પર મહોર મારવામાં આવી છે. મૂળ મુદ્દો એ છે કે બિહારમાં કોંગ્રેસને ચૂંટણી લડવી હોય તો સ્થાનિક પાર્ટીના જોરે જ લડી શકાય એમ છે. પરંતુ મહાગઠબંધનની પાર્ટીઓ રાહુલ ગાંધીના ‘સ્વછબી’ ચમકાવવાના પ્રયાસોને જાણી ગઈ છે અને એટલે જ કોંગ્રેસ મહાગઠબંધનમાં હારી ગઈ છે. 

    સીટ-શેરિંગનો પણ વિવાદ

    અન્ય એક કારણ બેઠકોને લઈને થયેલો વિવાદ પણ છે. કોંગ્રેસ મુસ્લિમ સમીકરણો ધરાવતી ઘણી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવા માંગતી હતી, જેથી ત્યાં સરળતાથી જીતી શકાય. પણ RJDને તે સ્વીકાર્ય નહોતું. એવી ઘણી બેઠકો હતી, જેમાં બંને એકબીજા સાથે બખાળા લઈ રહ્યા હતા. ઘણી બેઠકો પર તો સામસામે ઉમેદવારો પણ ઉતારી દેવાયા હતા. કોઈ જગ્યાએ કોંગ્રેસની સામે RJDએ ઉમેદવાર ઉતાર્યા તો કોઈ જગ્યાએ VIPની સામે વામપંથી પાર્ટીઓએ. 

    કોંગ્રેસ પોતાનું ધાર્યું કરાવવાની આદત ધરાવે છે, પણ એ સમય હવે ગયો. હવે કોંગ્રેસ પાસે એટલી સત્તા નથી રહી કે તે કહેશે એવું અન્ય પાર્ટીઓ કરતી રહેશે. બિહારમાં જે થઈ રહ્યું છે, તે RJDના ઇશારા પર થઈ રહ્યું છે. કારણ કે બિહારમાં કોંગ્રેસનો જનાધાર નહિવત છે અને તેની સામે RJD મોટા જૂથો પર પ્રભુત્વ ધરાવે છે. એટલે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પાસે અન્ય વિકલ્પો બચતા પણ નથી. 

    સ્થાનિક પાર્ટીઓ પરની કોંગ્રેસની નિર્ભરતા

    કોંગ્રેસે પોતાનો મૂળ જનાધાર ગુમાવી દીધો છે. હવે તે તમામ ચૂંટણીઓ માટે સ્થાનિક પાર્ટીઓ પર નિર્ભર થઈ ગઈ છે અને રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં તેની પ્રતિષ્ઠા ખૂબ ખરડાઈ છે. સ્થાનિક પાર્ટીઓ પણ દેશની સૌથી જૂની પાર્ટીને ફટકાર લગાવી દે છે. બિહારમાં પણ આ જ થયું છે. કોંગ્રેસના ‘મોટો ભાઈ’ બનવાના સપનાં માત્ર સપનાં જ રહી ગયા છે. માત્ર બિહાર જ નહીં, પણ હવે દરેક જગ્યાએ કોંગ્રેસ સાથે આવું થઈ રહ્યું છે. 

    અગાઉ દિલ્હી વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે થઈ ગયા હતા. AAPએ દિલ્હી જેવા વિસ્તારોમાં પણ કોંગ્રેસને કોઈ ભાવ આપ્યો ન હતો અને તેનું પરિણામ ‘શૂન્ય’માં આવીને ઊભું રહ્યું હતું. પશ્ચિમ બંગાળમાં તો મમતા બેનર્જી કોંગ્રેસને પોતાની પાસે પણ નથી આવવા દઈ રહ્યા. કાશ્મીરમાં પણ કોંગ્રેસને NCની મદદ લઈને લડવું પડે છે અને સરકારમાંથી પણ બહાર રહેવું પડે છે. લગભગ મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની સ્થિતિ આવી જ થઈ ચૂકી છે.

    ગુજરાતમાં પણ કોંગ્રેસનું મજબૂત નેટવર્ક નથી અને ગઠબંધનના લીરા ઊડી ગયા એ અલગ. INDI ગઠબંધન તો હવે સામસામે તલવારો ખેંચાવામાંથી ઊંચું નથી આવી રહ્યું. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે થઈ રહ્યા છે, પંજાબમાં પણ આ જ સ્થિતિ છે અને દિલ્હીમાં તો જે થયું એ ઇતિહાસ છે. આવી બધી પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ દેશમાં તો પોતાનો જનાધારા ગુમાવી ચૂકી છે, પણ હવે આજકાલની નાની-નાની પાર્ટીઓ પણ કોંગ્રેસને પકડીને પાડી દઈ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં