તાજેતરમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતી પત્રકાર પરિષદ યોજી. આ સિવાય બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR), ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 7 ઑગસ્ટની સાંજે INDI ગઠબંધનની એક બેઠક મળી હતી. જેમાં પણ રાહુલ ગાંધીએ PPT પર મહારાષ્ટ્ર, કર્ણાટકમાં તથાકથિત ‘મત ચોરી’ થઈ હોવાના દાવા કરીને ચૂંટણી પંચ પર ભાજપ સાથે મળીને કામ કરવાનો આરોપ લગાવ્યો અને બહુ મોટું ફ્રૉડ ચાલી રહ્યું હોવાનું ચિત્ર ઊભું કરવાના પ્રયાસ કર્યા. રાહુલ ગાંધીનાં આ તરકટ બાદ ત્રણ રાજ્યોનાં ચૂંટણી પંચે તેમને પડકાર ફેંક્યો છે અને વાસ્તવિકતાના દર્શન કરાવ્યા છે.
નોંધવું જોઈએ કે આ પહેલાં પણ રાહુલે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે દર વખતે ચૂંટણી પંચે તેમને ફટકાર લગાવીને ભ્રામક માહિતી ન ફેલાવવા ચેતવણી આપી છે. હવે ફરી એક વખત મહારાષ્ટ્ર, કર્ણાટક અને હરિયાણાના ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને ફટકાર લગાવીને જવાબ માંગ્યા છે, તથા એક શપથપત્ર પર હસ્તાક્ષર કરવા પણ કહ્યું છે.
— ChiefElectoralOffice (@CEO_Maharashtra) August 7, 2025
ત્રણેય રાજ્યનાં ચૂંટણી પંચે સોશિયલ મીડિયા માધ્યમ પર એક પત્ર જારી કર્યો છે. જેમાં કર્ણાટક અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધીને સહી કરેલ સોગંદનામા સાથે બાકાત કરાયેલા અને ગેરલાયક ઠરેલા મતદારોનાં નામ જાહેર કરવા જણાવ્યું છે.
પત્રોમાં લખ્યું છે કે,
“1 જેમ તમે જાણો છો, મતદાર યાદીઓ પારદર્શક રીતે તૈયાર કરવામાં આવે છે, જે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950, મતદારોની નોંધણી નિયમો, 1960 અને ભારતના ચૂંટણી પંચ દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓ અનુસાર તૈયાર થાય છે.”
Letter to Shri Rahul Gandhi, Hon'ble Member of Parliament and Hon'ble Leader of the Opposition in Lok Sabha
— Chief Electoral Officer, Karnataka (@ceo_karnataka) August 7, 2025
Expecting the signed declaration and oath@ECISVEEP pic.twitter.com/7CLG100V2r
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ અને અંતિમ INCના પ્રતિનિધિ સાથે શેર કરવામાં આવી હતી. ત્યાર પછી કોંગ્રેસ તરફથી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ એક પણ અપીલ દાખલ કરવામાં આવી નહોતી. તેમાં વધુમાં લખ્યું હતું કે, “ચૂંટણીના સંચાલનની વાત કરીએ તો, માનનીય હાઇકોર્ટ સમક્ષ ચૂંટણી અરજી દ્વારા જ ચૂંટણી પરિણામો પર પ્રશ્ન ઉઠાવી શકાય છે.”
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં જે બાબતોના આરોપ લગાવ્યા તે માટે પત્રમાં લખ્યું હતું કે, “આપને વિનંતી કરવામાં આવે છે કે મતદારો નોંધણી નિયમો, 1960ના નિયમ 20(3)(b) હેઠળ જોડાયેલ ઘોષણાપત્ર/સોગંદનામું આવા મતદારોના નામ સાથે સહી કરીને પરત મોકલો જેથી જરૂરી કાર્યવાહી શરૂ કરી શકાય.”
શપથપત્રમાં લખ્યું છે કે,
‘1. હું, રાહુલ ગાંધી, સંસદ સભ્ય, આથી શપથ પર પ્રતિજ્ઞા લઉં છું કે હું મતદાતા નોંધણી નિયમો, 1960ના નિયમ 20 હેઠળ નીચે મુજબના સંદર્ભમાં જે નિવેદન આપવા જઈ રહ્યો છું તે:
વ્યક્તિ/વ્યક્તિઓનું નામ: [જેમનું નામ સમાવવા/બાકાત રાખવાનો પ્રસ્તાવ છે]
ભાગ નંબર: [મતદાતા યાદીનો ભાગ નંબર]
— Chief Electoral Officer, Haryana (@ceoharyana) August 7, 2025
અનુક્રમ નંબર: [મતદાતા યાદીમાં અનુક્રમ નંબર, જો ઉપલબ્ધ હોય તો]
મારી પાસે ઉપલબ્ધ જાણકારી અને માન્યતા મુજબ સાચું છે.
2. મને ખબર છે કે મતદાર યાદીના સંદર્ભમાં ખોટી જાહેરાત કરવી એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 31 હેઠળ સજાપાત્ર છે.
3. હું એ પણ સમજું છું કે ખોટા પુરાવા આપવા એ ભારતીય દંડ સંહિતા, 2023ની કલમ 227 હેઠળ સજાપાત્ર છે.
4. હું એ પણ જાહેર કરું છું કે ભલે હું ઉપરોક્ત મતવિસ્તારનો મતદાર નથી, મને આ બાબત અંગે વ્યક્તિગત જાણકારી છે અને હું સ્વેચ્છાએ આ નિવેદન આપી રહ્યો છું.
નોંધનીય છે કે રાહુલ ગાંધી આ પહેલાં પણ ચૂંટણી પંચ પર આવા આરોપ લગાવી ચૂક્યા છે જે અંગે પંચે ઘણીવાર સ્પષ્ટતા આપી છે. તેમ છતાં રાહુલ ગાંધી વારંવાર આવા દાવા કરતા હોય છે. ત્યારે હવે ત્રણેય રાજ્યના ચૂંટણી પંચે શપથપત્ર પર હસ્તાક્ષર કરી આપવા કહ્યું છે, જો રાહુલ ગાંધી આમ નહીં કરે તો તથ્યવિહીન ભ્રામક નિવેદનો આપવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.
ચૂંટણી પંચે કહ્યું– શપથપત્ર પર હસ્તાક્ષર કરે અન્યથા માફી માંગે
ત્રણ રાજ્યોનાં ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આ શપથપત્ર મોકલ્યા પછી પણ કોંગ્રેસ કે રાહુલ ગાંધી મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પ્રેસ કૉન્ફરન્સ અને સોશિયલ મીડિયામાં મોટેમોટેથી બૂમો પાડતા નેતાઓ જ્યારે સહી સાથે આરોપોની વિગતો આપવાની વાત આવી ત્યારે મૌન થઈ ગયા. રાહુલ ગાંધીની આ આદત રહી છે. તેઓ કાયમ બહાર આરોપો લગાવી આવે છે, પણ મામલો કાયદાકીય સ્વરૂપ પકડે ત્યારે ક્યાં પાણીમાં બેસી જાય છે, અથવા કોર્ટમાં જઈને માફી માંગી લે છે. જેવું રાફેલના મુદ્દામાં થયું હતું.
ચૂંટણી પંચનું કહેવું છે કે જો રાહુલ ગાંધીને લાગતું હોય કે તેમના આરોપો સાચા છે તો શપથપત્ર પર સહી કરી આપવામાં તેમને કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ જો તેઓ હસ્તાક્ષર ન કરે તો તેનાથી એ સાબિત થશે કે તેમને પોતાના જ દાવાઓ, આરોપો પર વિશ્વાસ નથી. આ કિસ્સામાં તેમણે દેશની માફી માંગવી પડશે.
કમિશન અનુસાર, રાહુલ ગાંધી પાસે બે જ વિકલ્પો છે. તેઓ શપથપત્ર પર હસ્તાક્ષર કરી આપે, અથવા ચૂંટણી પંચ વિરુદ્ધ તદ્દન પાયા વગરના આરોપો લગાવવા બદલ દેશ સમક્ષ જાહેરમાં માફી માંગે.
હવે જોવાનું એ રહે કે કોંગ્રેસી યુવરાજ આ બેમાંથી કયું કામ કરે છે, કે આદત અનુસાર કંઈ જ ન કરીને બીજો મુદ્દો પકડી લે છે. શક્યતા ત્રીજાની વધુ લાગે છે.


