સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ પત્રકારો પૈકીના એક અજીત ભારતી વિરુદ્ધ કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં FIR નોંધવામાં આવી છે. આ FIR કર્ણાટક કોંગ્રેસના લીગલ સેલ સચિવ બોપન્ના દ્વારા નોંધવામાં આવી છે. કર્ણાટક કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, અજીત ભારતીએ રાહુલ ગાંધીને લઈને જૂઠ ફેલાવ્યું છે કે, રાહુલ ગાંધી અયોધ્યામાં રામ મંદિરની જગ્યા પર બાબરી મસ્જિદ બનાવવાની વાત કરી રહ્યા છે. આ પહેલીવાર નથી કે વિપક્ષશાસિત રાજ્યોમાં કોઈ પત્રકાર પર અત્યાચાર થયો હોય. આ પહેલાં પણ અનેક પત્રકારો અને સામાન્ય લોકો વિરુદ્ધ વિપક્ષી રાજ્યોની સરકારોએ કડક કાર્યવાહી કરી હોવાના દાખલા છે. પરંતુ તે જ INDI ગઠબંધનના હોનહાર નેતાઓ PM મોદીને ‘તાનાશાહ’ કહેતા આવ્યા છે.
સોશિયલ મીડિયા પર ચર્ચિત પત્રકાર અજીત ભારતી વિરુદ્ધ બેંગ્લોરના હાઇ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તેમના પર સેકશન 153A અને IPCની કલમ 502(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસ સાથે સંકળાયેલા શાંતનુએ કહ્યું છે કે, આવી જ FIR તેલંગાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ નોંધવામાં આવશે. અહીં પ્રશ્ન એ નથી કે, વિપક્ષી સરકારોએ અજીત ભારતી સામે ગુનો નોંધ્યો છે. મૂળ પ્રશ્ન એ છે કે, આ જ લોકો મોદીને તાનાશાહ કહેતા આવ્યા છે. ‘તાનાશાહી બંધ કરો’ અને ‘લોકશાહીની હત્યા’ના બણગાં ફૂંકીને હાથમાં ઝંડા લઈને નીકળી પડતાં આ નેતાઓ પોતાના જ રાજ્યોમાં ડોકિયું કરવાનું વારંવાર ચૂકી જાય છે.
#Breaking: An FIR has been registered against Ajeet Bharti in Bengaluru for spreading fake communal propaganda using the name of Rahul Gandhi Ji under sections 153A and 505 (2) of IPC 1860.
— Shantanu (@shaandelhite) June 16, 2024
Today more FIRs will be done in Telangana and other states. pic.twitter.com/svGaIE3RPm
વિપક્ષ શાસિત રાજ્યોમાં વારંવાર સામાન્ય લોકોથી લઈને પત્રકારો પર અત્યાચારો આચરવામાં આવ્યા છે. તેમના એજન્ડા અને વિચારધારા વિરુદ્ધ કોઈ એક શબ્દ પણ બોલે કે, આ લોકો તરત જ કાર્યવાહીની ધમકી આપી દે છે. INDI ગઠબંધનની સરકારોનો ઇતિહાસ આવી અનેક ઘટનાઓથી ભર્યો પડ્યો છે. કથિત યુ-ટ્યુબરો અને લેફ્ટ-લિબરલ ગેંગના ‘ક્રાંતિકારી’ઓ આવા અત્યાચાર વિરુદ્ધ એક પણ શબ્દ બોલ્યા નથી. જ્યારે મોદી સરકારમાં આમાંની કોઈ એક ઘટના પણ બની નથી, તેમ છતાં તે લોકોએ તાનાશાહી-તાનાશાહી કરીને આખો દેશ માથે લીધો છે. અજીત ભારતી વિરુદ્ધ ગુનો નોંધાવવામાં સૌથી મોટો હાથ કથિત ફેક્ટચેકર મોહમ્મદ ઝૂબૈરનો છે. તેણે અમુક સેકન્ડનો વિડીયો અપલોડ કરીને આગળ-પાછળના સંદર્ભ વગર જ તેને શેર કર્યો હતો. તેનું કાર્ય પૂર્ણ થયા બાદ કર્ણાટક કોંગ્રેસનું કાર્ય શરૂ થયું હતું. આ આખી ઘટના એવી રીતે ઘટી જાણે પહેલાંથી જ તેને પ્લાન કરી રાખવામાં આવી હોય.
કોંગ્રેસ અને INDI ગઠબંધનની સરકારો વારંવાર પત્રકારો અને વિપક્ષી સરકારના એકપક્ષીય વલણ પર અવાજ ઉઠાવનારા લોકોને પ્રતાડિત કરતી રહી છે. મહારાષ્ટ્રથી લઈને બિહાર સુધી, કર્ણાટકથી લઈને તમિલનાડુ સુધી અને રાજસ્થાનથી લઈને પંજાબ સુધીમાં આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. વિપક્ષશાસિત રાજ્યોની સરકારોનું આ ‘તાનાશાહી’ વલણ આજકાલનું નથી. છતાં INDI ગઠબંધનના નેતાઓ વારંવાર મોદીની ટીકા કરે છે અને તેમને તાનાશાહ કહીને રોદણાં રડ્યા કરે છે.
અનેક પત્રકારો અને સામાન્ય લોકો પર વિપક્ષશાસિત સરકારોનો અત્યાચાર
10 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે અને હવે આવનારા 5 વર્ષ પણ રહેવાના છે. તેમણે એક આખો દાયકો બેદાગ સરકાર ચલાવી છે. કોઈપણ વ્યક્તિ લેશમાત્ર પણ આરોપ લગાવી શકે તેમ નથી. તેમ છતાં તેમને આટલી ગાળો આપવામાં આવે છે, આટલી ટીકા-ટીપ્પણીઓ થાય છે. પરંતુ ક્યારેય તેમની સરકાર કોઈને ટીકા કરવા બદલ જેલમાં નાખી દેતી નથી. જ્યારે વિપક્ષી રાજ્યોમાં આવું અનેકવાર જોવા મળ્યું છે. નોંધનીય છે કે, રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકારે પત્રકારો વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધ્યા હતા. તે પત્રકારોમાં એક નામ અમન ચોપડાનું પણ છે. અમન ચોપડા ન્યૂઝ18 ચેનલમાં પત્રકાર છે. તેમના વિરુદ્ધ ‘દેશ નહીં ઝૂકને દેંગે’ નામનો શૉ પ્રસારિત કરવા પર અને બાદમાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટને લઈને FIR નોંધવામાં આવી હતી.
માત્ર આટલું જ નહીં, પરંતુ INDI ગઠબંધનમાં કોંગ્રેસ બાદ સૌથી અગત્યની પાર્ટી DMK દ્વારા શાસિત તમિલનાડુમાં પત્રકારો અને સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટો વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવતી રહી છે. બિહારના યુ-ટ્યુબર મનીષ કશ્યપનો કેસ ઘણો ચર્ચામાં આવ્યો હતો. તેમની વિરુદ્ધ NSA જેવો મામલો નોંધવામાં આવ્યો હતો. ઘણા મહિનાઓ સુધી તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમને કોર્ટે તમામ મામલે નિર્દોષ જાહેર કર્યા હતા. તે સિવાય તમિલનાડુના કોયમ્બતુરમાં આવેલી જેલમાં યુ-ટ્યુબર સુવુક્કુ શંકરને માર માર્યાની ઘટના સામે આવી હતી. તમિલનાડુ પોલીસે શનિવારે (4 મે, 2024) સાયબર ક્રાઇમ કેસમાં તેમની ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલ્યા બાદ તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થયું હોવાનો મામલો પણ સામે આવ્યો હતો.
ત્યારબાદ તાજેતરમાં જ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીના મુદ્દાએ જોર પકડયું હતું. તે દરમિયાન લાઈવ રિપોર્ટિંગ કરી રહેલા રિપબ્લિક ભારતના પત્રકારને બંગાળ પોલીસે લાઈવમાંથી ઉઠાવી લીધો હતો. ત્યારે લોકશાહી અને માનવાધિકારો કયા ગયા હતા? ત્યારબાદ હવે અજીત ભારતી સામે ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આમાં ખરેકગર તાનાશાહ કોણ? પત્રકારો સિવાય વિપક્ષી રાજ્યોની સરકારે નેતાઓ અને સામાન્ય લોકોને પણ નથી છોડ્યા. નોંધનીય છે કે, પંજાબ પોલીસે ભાજપ નેતા તજીન્દર પાલ સિંઘ બગ્ગા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. પંજાબ પોલીસે તેમને પકડવા માટે દિલ્હીમાં દરોડા પાડયા હતા.
તે સિવાય તાજેતરમાં જ પશ્ચિમ બંગાળની કોલકાતા પોલીસે એક X યુઝરને મમતા બેનર્જીનો Meme વિડીયો પોસ્ટ કરવાને લઈને ધમકી આપી હતી. મિમમાં મમતા બેનર્જીને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસે વિડીયો પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા યુઝરને નોટિસ મોકલી આપી હતી અને તાત્કાલિક વિડીયો ડિલીટ કરવા જણાવી દીધું હતું. આટલું જ નહીં, પરંતુ પોલીસે તે યુઝર પર કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી. તે સમયે સોશિયલ મીડિયામાં અનેક લોકોએ પોલીસના આ વ્યવહારની ટીકા પણ કરી હતી.
આ ઘટનાના હજુ તો પડઘા પડ્યા જ હતા, ત્યાં અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે વડાપ્રધાન મોદીનો એવો જ Meme વિડીયો પોસ્ટ કર્યો. સાથે તે યુઝરે કેપ્શનમાં લખ્યું કે, “હું આ વિડીયો એટલા માટે પોસ્ટ કરી રહ્યો છું કારણ કે મને ખબર છે કે ‘ધ ડિક્ટેટર’ મારી ધરપકડ નહીં કરાવે.” તે વિડીયોમાં PM મોદીને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં આખો ઘટનાક્રમ પલટાઈ ગયો. જે યુઝરે PM મોદીનો વિડીયો શેર કર્યો હતો, તેને ન તો કોઈ ધમકી મળી કે ન તો વિડીયો ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું. ઉલટાનું તે વિડીયો PM મોદીએ પોતે શેર કર્યો અને તેની મજા લીધી. વડાપ્રધાને X પર વિડીયો શેર કર્યો અને લખ્યું કે, “તમારા બધાની જેમ મને પણ પોતાને ડાન્સ કરતો જોઈને મજા આવી. ચૂંટણીના સમયમાં આવી ક્રિએટિવિટી ખરેખર આનંદ આપે છે.” તેમણે આ સાથે હસીવાળા ઇમોજી પણ પોસ્ટ કર્યા.
વિપક્ષી રાજ્યોમાં પત્રકારો અને સામાન્ય લોકોને પ્રતાડિત કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ અનેકવાર જોવા મળી છે. ઉદાહરણ તરીકે ઉદ્વવ ઠાકરે વિરુદ્ધ ટ્વિટ કરવા પર મહારાષ્ટ્રમાં સમીર ઠક્કરને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરંતુ શરદ પવાર સામે બોલવાથી મરાઠી અભિનેત્રી કેતકીને પણ જેલ થઈ હતી. આવા તો અનેક કિસ્સાઓ છે. પરંતુ આવી કાર્યવાહીઓ જ્યારે થાય ત્યારે આખી ટોળકી મોં બંધ કરીને બેસી જાય છે. બીજી તરફ, કોઇ વિરુદ્ધ કાયદાકીય રીતે પણ કાર્યવાહી થાય અને ભાજપશાસિત રાજ્ય હોય એટલે ઉહાપોહ શરૂ થઈ જાય છે અને સીધો આરોપ મોદી અને તેમની સરકાર પર લગાવી દેવાઈ છે. પણ હકીકત એ છે કે, કેટલાક સામાન્ય લોકોથી લઈને દિગ્ગજ નેતાઓ સુધીના વ્યક્તિઓએ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક અને આપત્તિજનક નિવેદનો આપ્યા હોવાના દાખલા છે. તેમ છતાં આજે તેમની ધરપકડ નથી નથી.
ઇમરજન્સીના એ કાળા દિવસો
તાનાશાહી વિશે વાત કરીએ અને ઇમરજન્સીના દિવસો યાદ ન આવે, તે શક્ય જ નથી. સૌપ્રથમ લોકતંત્રની હત્યા ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરીને કરી હતી. વિપક્ષી નેતાઓથી જેલો ભરાઈ ગઈ હતી. સરકાર વિરુદ્ધ એકપણ શબ્દ બોલી શકાતો નહોતો. 25 જૂન, 1975ની રાત્રે, દેશવાસીઓ પર અચાનક અને કારણ વગર કટોકટી લાદવામાં આવી હતી. ચોક્કસપણે આ દુર્ઘટનાને ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય કહી શકાય. ઈમરજન્સી દરમિયાન આખો દેશ એક વિશાળ જેલખાનામાં ફેરવી દેવામાં આવ્યો હતો. 25 જૂન, 1975ની સવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના અવાજમાં પ્રસારિત થયેલો સંદેશ આખા દેશે સાંભળ્યો. આ સંદેશમાં ઈન્દિરા ગાંધીએ કહ્યું હતું કે “ભાઈઓ અને બહેનો! રાષ્ટ્રપતિએ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પરંતુ સામાન્ય લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી.”
ઘોષણા બાદ તરત જ નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા તો બીજી તરફ રાત્રેથી જ વિપક્ષી નેતાઓની ધરપકડ શરૂ થઇ. જયપ્રકાશ નારાયણ, અટલ બિહાર બાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિતના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા. શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને પણ છોડવામાં આવ્યા ન હતા. કોંગ્રેસવિરોધીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકર્તાઓને જેલમાં નાંખી દેવામાં આવતા અને દિવસો સુધી FIR વગર કે કાયદાકીય કાર્યવાહી કર્યા વગર બેસાડી રાખવામાં આવતા. આ જ દરમિયાન સમયની જરૂરિયાત હોવાનું કહીને બંધારણ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. હવે તે જ લોકો ‘બંધારણ જોખમમાં’ હોવાની બૂમો પાડે છે.
તેમ છતાં હાલના વિપક્ષી નેતાઓના મોઢામાંથી ક્યારેય એવું નથી સાંભળવા મળ્યું કે, ઇમરજન્સી લાગુ કરવી યોગ્ય નહોતી. ઇમરજન્સી વિશે બોલવામાં કે અગાઉની સરકારો વિશે બોલવામાં મોઢામાં મગ ભરાય જાય છે અને હમણાં કશું નથી છતાં તાનાશાહીની બૂમો પાડવામાં આવે છે. આજે આખો દેશ જોઈ રહ્યો છે કે, લોકતંત્ર કોને કહેવાય. જ્યાં લોકો માટે જીવતા લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. લોકો વચ્ચે જાગૃતિ લાવતા સોશિયલ મીડિયા સ્ટાર્સને સન્માનિત કરવામાં આવે છે. શ્રમિકો પર પુષ્પવર્ષા કરી તેમના ચરણો ધોવામાં આવે છે. આજે ખરા અર્થમાં લોકો માટે, લોકોની અને લોકો દ્વારા ચાલતી સરકાર જોવા મળી રહી છે. તેમ છતાં કેટલાક લોકોને દેશમાં માત્ર અને માત્ર તાનાશાહી જ દેખાઈ રહી છે!