Sunday, May 19, 2024
More
    હોમપેજરાજકારણપોતાના જ ફની વિડીયો શૅર કરનાર 'તાનાશાહ', એવા જ વિડીયો પર પોલીસ...

    પોતાના જ ફની વિડીયો શૅર કરનાર ‘તાનાશાહ’, એવા જ વિડીયો પર પોલીસ કાર્યવાહીની ધમકી ‘લોકતંત્ર’?: ડિયર લેફ્ટ-લિબરલ્સ, હિપોક્રેસી કી ભી સીમા હોતી હૈ!

    ખરેખર જો મોદી 'તાનાશાહ' હોય તો દરેક રાજકારણી આવો તાનાશાહ હોવો જોઈએ.

    - Advertisement -

    તાજેતરમાં સોશિયલ મોડિયામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક Meme વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યાં હતાં. અનેક લોકોએ તે વિડીયો શેર કરીને મજા પણ લીધી હતી. પરંતુ ઘટનામાં વળાંક ત્યાં આવે છે, જ્યારે કોલકાતા પોલીસ એક X યુઝરને તે Meme વિડીયો પોસ્ટ કરવાને લઈને ધમકી આપે છે. કોલકાતા પોલીસે સોમવારે (6 મે, 2024) વિડીયો પોસ્ટ કરનાર સોશિયલ મીડિયા યુઝરને નોટિસ મોકલી આપી હતી અને તાત્કાલિક વિડીયો ડિલીટ કરવા જણાવી દીધું હતું. આટલું જ નહીં, પરંતુ પોલીસે તે યુઝર પર કાર્યવાહી કરવાની પણ ધમકી આપી હતી. તે સમયે સોશિયલ મીડિયામાં અનેક લોકોએ પોલીસના આ વ્યવહારની ટીકા પણ કરી હતી.

    આ ઘટનાના હજુ તો પડઘા પડ્યા જ હતા, ત્યાં અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે વડાપ્રધાન મોદીનો એવો જ Meme વિડીયો પોસ્ટ કર્યો. સાથે તે યુઝરે કેપ્શનમાં લખ્યું કે, “હું આ વિડીયો એટલા માટે પોસ્ટ કરી રહ્યો છું કારણ કે મને ખબર છે કે ‘ધ ડિક્ટેટર’ મારી ધરપકડ નહીં કરાવે.” તે વિડીયોમાં PM મોદીને ડાન્સ કરતાં દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં આખો ઘટનાક્રમ પલટાઈ ગયો.

    જે યુઝરે PM મોદીનો વિડીયો શેર કર્યો હતો, તેને ન તો કોઈ ધમકી મળી કે ન તો વિડીયો ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું. ઉલટાનું તે વિડીયો PM મોદીએ પોતે શેર કર્યો અને તેની મજા લીધી. વડાપ્રધાને X પર વિડીયો શેર કર્યો અને લખ્યું કે, “તમારા બધાની જેમ મનેપણ પોતાને ડાન્સ કરતો જોઈને મજા આવી. ચૂંટણીના સમયમાં આવી ક્રિએટિવિટી ખરેખર આનંદ આપે છે.” તેમણે આ સાથે હસીવાળા ઇમોજી પણ પોસ્ટ કર્યા.

    - Advertisement -

    કોણ છે અસલી તાનાશાહ?

    હવે સામાન્ય પ્રશ્ન એ ઉદભવે છે કે, એક જેવો Meme વિડીયો બે સોશિયલ મીડિયા યુઝરે પોસ્ટ કર્યો. વિડીયો એક જેવો, બે રાજકારણીઓ અને બે ભિન્ન પ્રતિક્રિયાઓ. એકને વિડીયો પોસ્ટ કરવા માટે ખુલ્લી ધમકી આપવામાં આવે છે અને કાર્યવાહી કરવા સુધીની વાત કરવામાં આવે છે. જ્યારે અન્ય યુઝરને પ્રોત્સાહન આપવામાં આવે છે અને ક્રિએટિવિટીની પ્રશંસા કરવામાં આવે છે. આખું INDI ગઠબંધન કાયમ મોદીને ‘તાનાશાહ’ તરીકે ખપાવવા માટે તનતોડ મહેનત કરે છે. સામી ચૂંટણીએ આખી ઇકોસિસ્ટમ મોદીને ‘તાનાશાહ’ ઘોષિત કરવા માટે લાગેલી હતી અને હજુ પણ આ નેરેટિવને આગળ વધારવાના તમામ પ્રયાસો કરવામાં આવતા જ રહ્યા છે.

    એક જેવા બે Meme વિડીયો પોસ્ટ કરનારા બંને સોશિયલ મીડિયા યુઝર્સ સાથે જે-તે નેતાએ જે વ્યવહાર કર્યો તેના પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે કોણ અસલી તાનાશાહ છે. માત્ર કહેવાથી અને ભાષણો આપવાથી કોઈપણ વ્યક્તિને તાનાશાહ ઘોષિત કરી શકાતો નથી. તેના લોકો પ્રત્યેના વલણ અને વ્યવહારના આધારે આપોઆપ સમાજને ખ્યાલ આવે છે કે, કોણ અસલી સરમુખત્યાર છે.

    આટલી ટીકા-ટીપ્પણીઓ છતાં ક્યારેય કોઈ વિપક્ષી નેતાની નથી થઈ ધરપકડ

    Meme વિડીયો પોસ્ટ કરવા પર સોશિયલ મીડિયા યુઝર સાથેનો વ્યવહાર એ તો માત્ર એક નજીવી ઘટના છે. આવી નાની ઘટના પર પણ કાર્યવાહી સુધીની ધમકી આપવામાં આવી તો વિચારો કે, તે નેતાની ટીકા કરવાથી કે તેમની વિરુદ્ધ કોઈ નિવેદન આપવાથી સામાન્ય નાગરિકની શું હાલત થઈ શકે? જ્યારે બીજી તરફ એક એવો નેતા છે, જેણે પોતાના આખા રાજકીય જીવનમાં વિપક્ષના અનેક નેતાઓની ટીકાઓનો સામનો કર્યો છે અનેક કથિત યુટ્યુબરો નતનવા નામો આપીને તેમની ટીકા કરતા રહ્યા છે. પરંતુ તેમાંના કોઈ એક વ્યક્તિની પણ ટીકા કરવાને લઈને ધરપકડ નથી થઈ. આવા વ્યક્તિને ‘તાનાશાહ’ કહેવામાં આવે છે!

    10 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. તેમણે એક આખો દાયકો બેદાગ સરકાર ચલાવી છે. કોઈપણ વ્યક્તિ લેશમાત્ર પણ આરોપ લગાવી શકે તેમ નથી. તેમ છતાં તેમને આટલી ગાળો આપવામાં આવે છે, આટલી ટીકા-ટીપ્પણીઓ થાય છે. પરંતુ ક્યારેય તેમની સરકાર કોઈને ટીકા કરવા બદલ જેલમાં નાખી દેતી નથી. જ્યારે વિપક્ષી રાજ્યોમાં આવું અનેકવાર જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે ઉદ્વવ ઠાકરે વિરુદ્ધ ટ્વિટ કરવા પર મહારાષ્ટ્રમાં સમીર ઠક્કરને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં રિપબ્લિક ભારત ચેનલના પત્રકારને લાઈવમાંથી ઉઠાવી લેવામાં આવે છે.

    આટલું જ નહીં પરંતુ શરદ પવાર સામે બોલવાથી મરાઠી અભિનેત્રી કેતકીને પણ જેલ થઈ હતી. બિહારના મનીષ કશ્યપને પણ તમિલનાડુ પોલીસે જેલભેગા કર્યા હતા. એટલું જ નહીં, રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન લાગુ થયો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે. પરંતુ આવી કાર્યવાહીઓ જ્યારે થાય ત્યારે આખી ટોળકી મોં બંધ કરીને બેસી જાય છે. બીજી તરફ, કોઇ વિરુદ્ધ કાયદાકીય રીતે પણ કાર્યવાહી થાય અને ભાજપશાસિત રાજ્ય હોય એટલે ઉહાપોહ શરૂ થઈ જાય છે અને સીધો આરોપ મોદી અને તેમની સરકાર પર લગાવી દેવાઈ છે. પણ હકીકર એ છે કે, કેટલાક સામાન્ય લોકોથી લઈને દિગ્ગજ નેતાઓ સુધીના વ્યક્તિઓએ વડાપ્રધાન મોદી વિશે અપમાનજનક અને આપત્તિજનક નિવેદનો આપ્યા હોવાના દાખલા છે. તેમ છતાં આજે તેમની ધરપકડ નથી નથી.

    ખરી તાનાશાહી તો કોંગ્રેસકાળ સમયે જોવા મળી હતી. જ્યારે દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી દીધી હતી. સૌપ્રથમ લોકશાહીની હત્યા કોંગ્રેસ શાસન સમયે થઈ હતી. જ્યારે લોકોના સામાન્ય અધિકારો પણ છીનવાઈ ગયા હતા. અનેક વિપક્ષના નેતાઓથી જેલ ભરાઈ ગઈ હતી. હવે તેના જ વારસદારો મોદીને તાનાશાહ કહી રહ્યા છે! ખરેખર જો મોદી ‘તાનાશાહ’ હોય તો દરેક રાજકારણી આવો તાનાશાહ હોવો જોઈએ. જેથી સામાન્ય લોકો પણ તેની સાથે ભળી શકે અને પોતાના પરિવારના સભ્યની જેમ તેની સાથે ખૂલીને વાત કરી શકે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં