
ભારતમાં UPI દ્વારા રોજિંદા નાણાકીય વ્યવહારો કરતા સામાન્ય નાગરિકો અને વેપારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ (NPCI) પસંદગીના UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય દિવાળી પછી અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. 13 ઑક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલી સત્તાવાર જાહેરાત અનુસાર તહેવારોની સિઝનમાં ખરીદી અને વેપારને અસર ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, આ નવો ચાર્જ કઈ ચોક્કસ તારીખથી લાગુ થશે તેની અલગથી જાહેરાત કરવામાં આવશે. અગાઉ આ ચાર્જ 15 ઑક્ટોબરથી લાગુ થવાનો હતો પણ હવે દિવાળી પછી જાહેરાત કરાશે.
નીતિ મુજબ, અમુક ચોક્કસ પ્રકારના વેપારી વ્યવહારો પર જ MDR લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે. અહીં MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આ એક એવો ચાર્જ છે જે વેપારીએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ ચૂકવવો પડે છે. પ્રસ્તાવિત જોગવાઈ મુજબ, પાત્ર ધરાવતા વેપારી વ્યવહારોમાં ₹2,000થી વધુ રકમના UPI પેમેન્ટ પર સામાન્ય રીતે 0.4% લેખે MDR લાગશે. પરંતુ આ નિયમ તમામ વ્યવહારો પર એકસરખી રીતે લાગુ નહીં થાય, કારણ કે ચાર્જનું પ્રમાણ વ્યવહારના પ્રકાર અને વેપારીની કેટેગરી પર આધારિત રહેશે.
રોજિંદા વપરાશ પર નહીં પડે કોઈ ફરક
જોકે આપણે આગળ એ પણ જોઈ ગયા હતા કે સામાન્ય નાગરિકોને કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં અને આ ફેરફારથી તેમના રોજિંદા વપરાશ પર કોઈ વિપરીત અસર નહીં પડે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને પૈસા મોકલે તેવા તમામ P2P (પર્સન ટુ પર્સન) વ્યવહારો સંપૂર્ણપણે મફત જ રહેશે. આ ઉપરાંત, ₹2,000 સુધીના કોઈપણ પાત્ર વેપારી વ્યવહારો પર પણ કોઈ MDR વસૂલવામાં નહીં આવે. એટલે કે મિત્રો કે પરિવારજનોને પૈસા ટ્રાન્સફર કરવા અથવા નાની-મોટી દૈનિક ખરીદી માટે UPIનો ઉપયોગ કરવા પર ગ્રાહકોએ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
UPI MDR on Select Merchant Transactions Shall be Implemented Post Diwali Press Release Link: https://t.co/5KMjOP0tHd https://t.co/pD8IKfN6sR
— NPCI (@NPCI_NPCI) October 13, 2026
જો મોટા વ્યવહારોની વાત કરીએ તો ₹2,000થી વધુના પાત્ર વેપારી વ્યવહારો પર 0.4% MDR લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક દુકાનદારને ₹10,000નું ચૂકવણી કરે છે તો 0.4% ના દર પ્રમાણે ₹40 MDR થાય છે. આ સિવાય, ₹75,000 કે તેથી વધુ રકમના મોટા વ્યવહારો માટે મહત્તમ ચાર્જની મર્યાદા ₹300 નક્કી કરવામાં આવી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે MDR એ મુખ્યત્વે વેપારી ચૂકવણી વ્યવસ્થાનો ભાગ છે.
ચોક્કસ ક્ષેત્રો માટે અલગ નિયમો
વિશેષ સેવાઓ અને ચોક્કસ ક્ષેત્રો માટે સામાન્ય 0.4% દરના બદલે અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. રેલવે, ટેલિકોમ, પેટ્રોલ-ડીઝલ અને વીમા જેવી આવશ્યક સેવાઓમાં ₹2,000થી વધુના પાત્ર વ્યવહારો પર પ્રતિ વ્યવહાર ₹5નો નિશ્ચિત ચાર્જ રાખવાની જોગવાઈ છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને બ્રોકિંગ ક્ષેત્ર સંબંધિત પાત્ર વ્યવહારો માટે 0.02%નો નીચો દર સૂચવાયો છે, જેમાં પ્રતિ વ્યવહાર મહત્તમ ₹300 સુધીની મર્યાદા રાખવામાં આવી છે.
નાના વેપારીઓના હિતોનું રક્ષણ કરવા માટે પણ નિયમોમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. શાકભાજીના વિક્રેતાઓ, કરિયાણાની નાની દુકાનો અને અન્ય નાના ધંધાદારીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે નિર્ધારિત કેટેગરીના નાના વેપારીઓને MDRમાંથી મુક્તિ આપવામાં આવશે. NPCIનો મૂળ હેતુ સમગ્ર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લાંબાગાળે ટકાઉ બનાવવાનો છે, જેથી બેંકો, પેમેન્ટ એપ ડેવલપર્સ અને સંબંધિત સંસ્થાઓને પોતાની સેવાઓ જાળવી રાખવા માટે જરૂરી આવક મળી રહે.
દિવાળી પછી અમલમાં મૂકવાનું કારણ
આ નવો નિયમ તહેવારો પહેલાં લાગુ કરવાના બદલે દિવાળી પછી અમલમાં મૂકવા પાછળનું ખાસ કારણ વેપારીઓને રાહત આપવાનું છે. દિવાળી દરમિયાન બજારમાં મોટાપાયે ખરીદી થતી હોય છે અને UPI પેમેન્ટનું પ્રમાણ પણ ઘણું વધી જાય છે. આવી વ્યસ્ત સિઝનમાં તાત્કાલિક ચાર્જ લાગુ કરવાથી વેપારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને NPCIની UPI અને સર્વિસિસ સ્ટિયરિંગ કમિટીએ 13 ઑક્ટોબરના રોજ બેઠક કરીને નિયમનો અમલ દિવાળી પછી કરવાનો વિવેકપૂર્ણ નિર્ણય લીધો હતો.
સમગ્ર બાબતનો સાર એ છે કે સામાન્ય UPI વપરાશકર્તાઓએ આ જાહેરાતથી ગભરાવાની જરૂર નથી. સામાન્ય ગ્રાહકો માટે વ્યક્તિગત પૈસાની આપ-લે પહેલાંની જેમ જ મફત રહેશે અને તમામ વ્યવહારો પર ચાર્જ લાગવાનો નથી. આ ફેરફાર માત્ર પાત્ર ધરાવતા ચોક્કસ વેપારી વ્યવહારો પૂરતો સીમિત છે. તેથી, ગ્રાહકો અને વેપારીઓ બંનેએ આગામી સમયમાં NPCI દ્વારા જાહેર કરવામાં આવનારી અંતિમ અમલીકરણની તારીખ અને સત્તાવાર સૂચનાઓ પર નજર રાખવી જોઈએ.

