‘કોર્ટના આદેશથી બંધારણીય સુધારા ન થાય’: સુપ્રીમ કોર્ટે હિન્દીને અધિકૃત ભાષા બનાવવા કમિશનની માંગ કરતી PIL ફગાવી

સુપ્રીમ કોર્ટે 25 સપ્ટેમ્બરે હિન્દીને સુપ્રીમ કોર્ટની અધિકૃત ભાષા તરીકે ઉપયોગમાં લેવા માટેની ભલામણ કરવાની PIL ફગાવી દીધી છે. ભલામણમાં હિન્દીને ઓફિશિયલ લેંગ્વેજ તરીકે વાપરવા એક કમિશનની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. આ PIL બ્રહ્મેશ્વર નાથ મિશ્રા નામક વ્યક્તિએ દાખલ કરી હતી, જેમાં કમિશન બનાવવાનો નિર્દેશ આપવાની વિનંતી કરાઈ હતી.

CJI સૂર્યકાન્ત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રકારના ભાષાકીય સુધારાઓ જ્યુડિશિયલ ઓર્ડર આપીને લાગુ કરી શકાતા નથી. કોર્ટે નોંધ્યું કે ભાષા સંબંધિત સુધારાઓ વહીવટી સ્તરે ધીમે ધીમે અને તબક્કાવાર રીતે જ આગળ વધારી શકાય છે.

અરજદારના વકીલે વારંવાર કોર્ટને વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટ હિન્દી ભાષાના ઉપયોગ અંગે ભલામણો કરવા માટે માત્ર એક આયોગની રચના કરવાનો આદેશ આપે. જોકે, સુનાવણી દરમિયાન જસ્ટિસ વી. મોહનાએ ટકોર કરી હતી કે અરજીકર્તા જે માંગ કરી રહ્યા છે તે વાસ્તવમાં બંધારણીય સુધારા સમાન છે અને કોઈ કોર્ટ આવો સુધારો કરવાનો આદેશ આપી શકે નહીં.

કોર્ટની સ્પષ્ટતા

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, “આવી બાબતો કોર્ટના આદેશોથી થતી નથી. તે સુધારાના ભાગરૂપે, ધીમે ધીમે અને તબક્કાવાર રીતે થાય છે અને અમે તે દિશામાં કામ કરી જ રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયોના સંક્ષિપ્ત વિવરણો હિન્દીમાં આપવાનું શરૂ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ તે શરૂ કરવામાં આવશે.

અદાલતે સ્પષ્ટ કર્યું કે સર્વોચ્ચ અદાલત દેશની ભાષાકીય સંસ્કૃતિ જાળવી રાખવા અને તમામ પ્રાદેશિક ભાષાઓ પ્રત્યે સંપૂર્ણ આદર જાળવવા માટે કટિબદ્ધ છે. બંધારણના આર્ટીકલ 348(1)(a) મુજબ સુપ્રીમ કોર્ટ અને તમામ હાઇકોર્ટની કામગીરી અંગ્રેજી ભાષામાં જ કરવાની જોગવાઈ છે.

જોકે, અનુચ્છેદ 348(2) હેઠળ રાજ્યપાલ રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિથી હાઇકોર્ટમાં હિન્દી કે અન્ય ભાષાના ઉપયોગની છૂટ આપી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ માટે બંધારણમાં આવી કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. આથી જ ખંડપીઠે આ મામલે કોઈ પણ હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજીને રદ કરી હતી.