ન્યાયતંત્ર, CJI પર આપત્તિજનક ટિપ્પણી મામલે ‘પત્રકાર’ નિખિલ વાગલે અને સાંસદ સંજય રાઉત સામે અવમાનનાનો કેસ, સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિશે કરવામાં આવેલી આપત્તિજનક ટિપ્પણીઓ મામલે સુપ્રીમ કોર્ટે વામપંથી પત્રકાર નિખિલ વાગલે અને શિવસેનાના (ઉદ્ધવ જૂથ) સાંસદ સંજય રાઉત સામે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 16 ઑક્ટોબર 2026ના રોજ CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ બંનેને શો-કોઝ નોટિસ જારી કરી છે.

આ આખો મામલો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની (SCBA) કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી સાથે જોડાયેલો છે. SCBA તરફથી હાજર રહેલા વકીલ પ્રદીપ રાયે માંગ કરી હતી કે બંને વ્યક્તિઓને કોર્ટમાં રૂબરૂ હાજર રહેવાનો આદેશ આપવામાં આવે. પરંતુ બેન્ચે હાલના તબક્કે રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ આપીને માત્ર નોટિસ ફટકારી છે.

સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે ન્યાયતંત્ર સામે થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય અદાલતોએ નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવામાં ક્યારેય કોઈ કસર બાકી રાખી નથી. આવી સ્થિતિમાં જ્યારે આખી ન્યાયપ્રણાલી અને બંધારણીય સંસ્થાને નિશાન બનાવવામાં આવે ત્યારે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત કહેવાય.

કોર્ટે બંનેને કહ્યું કે અત્યારે તેમને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે તેમની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ તેનો જવાબ માંગવામાં આવ્યો છે. તેમનો જવાબ આવ્યા બાદ કોર્ટ આ મામલે આગળની કાર્યવાહી નક્કી કરશે.

શું હતો સમગ્ર મામલો

આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓના એક પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચની કામગીરી અને SIR અંગે ચર્ચા કરવા CJI સૂર્યકાંતને મળવાનો સમય માંગ્યો ત્યારપછી થઈ હતી. CJIએ ‘સેપરેશન ઑફ પાવર’નો સિદ્ધાંત સમજાવીને મામલો કોર્ટમાં હોવાથી વિપક્ષી નેતાઓને મળવાનો ઇનકાર કર્યો અને આ મુદ્દા માટે અદાલતમાં અરજી દાખલ કરવાની સલાહ આપી હતી.

આ નિર્ણય પછી કોંગ્રેસીઓ વધુ પડતા ઉશ્કેરાટમાં આવી ગયા હતા. દરમ્યાન કથિત પત્રકાર નિખિલ વાગલે અને શિવસેનાના (UBT) સાંસદ સંજય રાઉતે ન્યાયતંત્ર અને CJI વિરુદ્ધ ટિપ્પણીઓ કરી હતી. પત્રકાર નિખિલ વાગલેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર CJI માટે અત્યંત અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બીજી તરફ, સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આશરે 80 ન્યાયાધીશો લંડનમાં રાજકીય નેતાઓ સાથે બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

જોકે તપાસમાં સામે આવ્યું કે જે તસ્વીરોના આધારે લંડનના દાવા થયા હતા તે વાસ્તવમાં નવેમ્બર 2025માં દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં યોજાયેલી એક મેચની હતી. આ ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને બંને વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી હતી. કાર્યવાહી કરવાની સંમતિ આપતાં એટર્ની જનરલે પણ માન્યું કે આ પ્રકારનાં નિવેદનોથી ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે.

SCBAએ કોર્ટને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયા કંપનીઓને આ સંબંધિત તમામ ડિજિટલ રેકોર્ડ સુરક્ષિત રાખવાના નિર્દેશ આપવામાં આવે અને ન્યાયતંત્ર પર ભવિષ્યમાં આવા ખોટા આરોપો રોકવા આદેશ કરવામાં આવે. બાર એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ ન્યાયપ્રણાલીની વાજબી ટીકાને રોકવાનો નથી, પરંતુ અદાલતની ગરિમા અને વિશ્વસનીયતા પર થતા અયોગ્ય પ્રહારો સામે પગલાં લેવાનો છે.

જોકે અહીં એ પણ નોંધવું જોઈએ કે ‘પત્રકાર’ વાગલે પહેલાં જ માફી માગી ચૂક્યો છે. એક નોટિસ ગયા બાદ તેણે જાહેરમાં બિનશરતી માફી માગતાં કહ્યું હતું કે તેણે આવેશમાં આવીને પોસ્ટ કરી નાખી હતી પરંતુ હવે પોસ્ટ હટાવી દેવામાં આવી છે, જેથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે.