‘અભિજીત દીપકેની તાત્કાલિક ધરપકડ કરો’: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીની દિલ્હી પોલીસને માંગ, સમર્થકો દ્વારા હુમલો કરાવ્યાનો આરોપ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીએ 4 ઑગસ્ટ 2026ના રોજ ‘કોકરોચ જનતા પાર્ટી’ના (CJP) સ્થાપક અભિજીત દીપકે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં અંસારીએ દાવો કર્યો છે કે દીપકેના સમર્થકોએ પુણે અને ઔરંગાબાદમાં તેના પર હુમલો કર્યો હતો. ફરિયાદીએ દિલ્હી પોલીસને વિનંતી કરી છે કે તેઓ અભિજીત દીપકેની ‘તાત્કાલિક ધરપકડ’ કરે.

સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા ફૈઝાન અંસારીએ જણાવ્યું હતું કે, “આજે મેં CJP પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સામે દિલ્હી DCP પાસે લેખિત ફરિયાદ નોંધાવી છે, કારણ કે મારી પાસે પુરાવા છે કે તેના માણસોએ મારા પર હુમલો કર્યો હતો. મારા પર પુણે અને ઔરંગાબાદમાં હુમલો થયો હતો અને તે અંગે પહેલાંથી જ બે કેસ નોંધાયેલા છે.”

ફૈઝાન અંસારીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પોલીસના વખાણ કરતા જણાવ્યું હતું કે સોનમ વાંગચુકની યોગ્ય સમયે અટકાયત કરવાને કારણે દિલ્હીનો માહોલ બગડતો અટકી ગયો. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે દીપકે પોતાના અંગત સ્વાર્થ માટે આ બધું કરી રહ્યો છે.

તેણે વધુમાં ઉમેર્યું કે, “હું ઈચ્છું છું કે દિલ્હી પોલીસ તાત્કાલિક દીપકેની ધરપકડ કરે. આ ઉપરાંત હું દિલ્હીના મુખ્યમંત્રી અને પોલીસને સલામ કરું છું જેમણે યોગ્ય સમયે સોનમ વાંગચુકની અટકાયત કરી, જેના કારણે દિલ્હીનું વાતાવરણ બગડતું બચી ગયું… દીપકે આ બધું માત્ર પોતાના ફાયદા માટે કરી રહ્યો છે.”

નોંધનીય છે કે અભિજીત દીપકે આમ આદમી પાર્ટીનો પૂર્વ કાર્યકર્તા છે, જે પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાંની માંગ સાથે નવી દિલ્હીમાં વિવાદાસ્પદ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરીને દેશભરમાં ચર્ચામાં આવ્યો હતો.