Friday, July 11, 2025
More

    ‘વિશ્વ વન્યજીવન દિવસ’ નિમિત્તે PM મોદીએ ડોલ્ફિનની વસ્તીનો અંદાજ લગાવતો અહેવાલ કર્યો રજૂ, પ્રાણી સંરક્ષણ માટે અનેક પહેલોની શરૂઆત

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) 3 માર્ચ વિશ્વ વન્યજીવન દિવસ (World Wildlife Day) નિમિત્તે ગુજરાતના ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની 7મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક પહેલાં PM મોદીએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની પણ મુલાકાત લીધી તથા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો.

    પ્રધાનમંત્રી કાર્યાલયે જારી કરેલ માહિતી અનુસાર પ્રધાનમંત્રીએ દેશમાં પ્રથમવાર નદીઓમાં વસતી ડોલ્ફિનની વસ્તીનો અંદાજ લગાવતો અહેવાલ બહાર પાડ્યો, જેમાં કુલ 6,327 ડોલ્ફિનનો અંદાજ લગાવવામાં આવ્યો.

    આ ઉપરાંત PM મોદીએ જૂનાગઢ ખાતેવન્યજીવો માટે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય 2025માં યોજાનાર 16મા એશિયાઈ સિંહ વસ્તીનો અંદાજ અને કોઈમ્બતુરના SACON ખાતે માનવ-વન્યજીવન સંઘર્ષનો સામનો કરવા માટે શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપનાની જાહેરાત કરી હતી.

    PM મોદીએ મધ્યપ્રદેશના ગાંધી સાગર અભયારણ્ય અને ગુજરાતમાં બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા લાવવાની પણ જાહેરાત કરી હતી. વન્યજીવન સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવતા, પ્રધાનમંત્રીએ ઘડિયાળો (મગરની પ્રજાતિ) માટે એક નવા પ્રોજેક્ટ અને રાષ્ટ્રીય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંરક્ષણ કાર્ય યોજનાની જાહેરાત કરી હતી.

    નોંધનીય છે કે PM મોદીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, “આજે, #WorldWildlifeDay પર, આપણે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ. દરેક પ્રજાતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – ચાલો આવનારી પેઢીઓ માટે તેમના ભવિષ્યનું રક્ષણ કરીએ! વન્યજીવોના સંરક્ષણ અને સંરક્ષણમાં ભારતના યોગદાન પર પણ અમને ગર્વ છે.”