
ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકતરફી વિજય મેળવ્યો છે. તેમાં પણ કુલ પંદર મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી તે તમામ ઠેકાણે ભાજપે માત્ર વિજય નહીં પણ જંગી બહુમતીએ વિજય મેળવ્યો. હવે સ્થિતિ એ સર્જાઈ છે કે પંદરમાંથી દસ મહાનગરપાલિકામાં સત્તાવાર વિપક્ષ પણ રહેશે નહીં.
આમ તો મહાનગરપાલિકાઓની સામાન્ય સભાના સંચાલન માટે પાલિકાઓના પોતાના નિયમો છે, પરંતુ સામાન્ય નિયમો અનુસાર વિપક્ષમાં બેસવા માટે પણ કુલ બેઠકોની ઓછામાં ઓછી 10 ટકા બેઠકો મળવી અનિવાર્ય છે. હાલ સ્થિતિ એ છે કે માત્ર પાંચ જ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે 10%થી વધુ બેઠકો છે. જેમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીધામ અને વાપીનો સમાવેશ થાય છે.
ગુજરાતની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો…
— ઑપઇન્ડિયા (@OpIndia_G) April 28, 2026
1. અમદાવાદ મહાનગરપાલિકા
અહીં ભાજપે ગત ચૂંટણી કરતા 1 સીટ વધુ એટલે કે 160 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે… pic.twitter.com/jERkxP73zm
અમદાવાદમાં કોંગ્રેસ 192માંથી 32 બેઠકો જીતી છે. આણંદમાં 52માંથી 8, ભાવનગરમાં 52માંથી 8 અને ગાંધીધામમાં 52માંથી 11 તેમજ વાપીમાં 52માંથી 11 બેઠકો કોંગ્રેસને મળી. જ્યારે ભાજપને અમદાવાદમાં 160, આણંદમાં 43, ભાવનગરમાં 44, ગાંધીધામમાં 41 અને વાપીમાં 37 બેઠકો મળી છે.
10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની બેઠક 10%થી પણ ઓછી
આ સિવાયની સુરત, વડોદરા, રાજકોટ, નડિયાદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, નવસારી, મહેસાણા અને જામનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ 10% જેટલી પણ બેઠક મેળવી શકી નથી. મોરબી અને પોરબંદરમાં કોંગ્રેસને એકેય સીટ નથી મળી અને ભાજપે તમામ સીટો મેળવી લીધી છે. સુરત, સુરેન્દ્રનગર અને નડિયાદમાં માત્ર 1-1 સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે. નવસારી અને જામનગરમાં કોંગ્રેસને 2 બેઠકો મળી છે.
રાજકોટમાં વિપક્ષના દરજ્જા માટે જરૂરી 8 બેઠકોની સામે કોંગ્રેસ પાસે 7 બેઠકો છે અને મહેસાણામાં પણ 6ની સામે 5 બેઠકો મળી છે. આમાંથી કોઈ પણ ઠેકાણે આમ આદમી પાર્ટીનું પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું નથી એટલે સંયુક્ત વિપક્ષની પણ શક્યતા નથી. AAPને સુરતમાં 4 અને જામનગરમાં 2 એમ માત્ર 6 જ બેઠકો મળી છે. સુરતમાં AAP અને કોંગ્રેસની બેઠકો થઈને પણ વિપક્ષની 10% બેઠકો થતી નથી. અહીં 120માંથી ભાજપ પાસે 115 સીટ છે.
આ જોકે નિયમોની વાત છે. ઘણી વખત નિયમોથી વિપરીત જઈને શાસક પક્ષ કોંગ્રેસને વિપક્ષનું પદ આપી દેતો હોય છે. ભૂતકાળમાં પણ માત્ર એક બેઠક આવી હોવા છતાં કોંગ્રેસને વિપક્ષ નેતાનું પદ અપાયાના દાખલા બન્યા છે.

