ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનું કાવતરું રચ્યાની નિખિલ ગુપ્તાની કબૂલાત: અમેરિકી કોર્ટમાં સ્વીકાર્યા આરોપ

અમેરિકાની એક કોર્ટમાં નિખિલ ગુપ્તા દ્વારા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુની હત્યાના કાવતરા સાથે જોડાયેલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. 54 વર્ષીય નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્કની મેનહટન ફેડરલ કોર્ટમાં ત્રણ ગંભીર ફોજદારી આરોપોમાં પોતાનો દોષ કબૂલ કરી લીધો છે.

આ આરોપોમાં હત્યા માટે સોપારી આપવાનું કાવતરું, હત્યાનું ષડ્યંત્ર અને મની લોન્ડરિંગ સામેલ છે. અમેરિકી અભિયોજકો અનુસાર આ કેસોમાં દોષિત જાહેર થવા પર ગુપ્તાને મહત્તમ 40 વર્ષ સુધીની સજા થઈ શકે છે. કોર્ટમાં હાજરી દરમિયાન ગુપ્તાએ અમેરિકી મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો.

આ પહેલાં પ્રત્યર્પણ બાદ તેણે પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો, પરંતુ હવે તેણે આરોપો કબૂલ કરી લીધા છે. અમેરિકી અધિકારીઓ અનુસાર ગુપ્તાને જૂન 2024માં અમેરિકા લાવવામાં આવ્યો હતો. તે પહેલાં તેની ચેક ગણરાજ્યમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તે લગભગ એક વર્ષ સુધી કસ્ટડીમાં રહ્યો હતો.

અમેરિકા પહોંચ્યા બાદ તેમને ન્યૂયોર્કની બ્રુકલિન જેલમાં રાખવામાં આવ્યા હતા. આ આખા મામલે ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેનો આ ષડ્યંત્ર સાથે કોઈ સંબંધ નથી અને તે એવી કોઈ પણ પ્રવૃત્તિને સમર્થન આપતી નથી.