CJI પર ટિપ્પણીઓ બદલ કેરલમ કોંગ્રેસે માગી માફી, દોષનો ટોપલો સોશિયલ મીડિયા હેન્ડલર પર ઢોળીને કાઢી મૂક્યો

કેરલમ કોંગ્રેસે CJI સૂર્યકાંત વિરુદ્ધ કરેલી આપત્તિજનક ટિપ્પણીને લઈને બિનશરતી માફી માંગવી પડી છે. ટ્વિટ વાયરલ થયા બાદ અદાલતની અવમાનનાની નોટિસ મોકલવામાં આવી હતી, જેના જવાબમાં પાર્ટીના કેરલમ યુનિટે બિનશરતી માફી માગી લીધી અને દોષનો ટોપલો પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલર પર ઢોળી દીધો હતો. પોસ્ટ વિવાદ બાદ તરફ ડિલીટ કરી દેવામાં આવી હતી.

આ વિવાદની શરૂઆત INDI ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કરેલ હોબાળા દરમિયાન થઈ હતી. આ વિરોધ પ્રદર્શન વેળાએ દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પૂછવામાં આવેલા સવાલ પર CJI સૂર્યકાંતે તે પોતાના ક્ષેત્રમાં ન આવતું હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

આ ટિપ્પણી સામે આવતા જ કેરલમ કોંગ્રેસે તેના X હેન્ડલ પરથી પોસ્ટ કરી કે, “ડિયર સૂર્યકાંત, જો કાયદો અને વ્યવસ્થા તમારા કાર્યક્ષેત્રમાં ન હોય તો હમણાં જ રાજીનામું આપી દો, અમે તમારી જગ્યાએ કામ કરી શકે તેવી વ્યક્તિ શોધી લઈશું.” દેશની સુપ્રીમ કોર્ટના વડા પ્રત્યે આ પ્રકારની ભાષાનો ઉપયોગ થતાં કોંગ્રસની ખૂબ ટીકા થઈ હતી અને ત્યારબાદ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

વિરોધ થતાં મામલો વકર્યો

કોઈ રાષ્ટ્રીય રાજકીય પક્ષના સત્તાવાર હેન્ડલ પરથી દેશના મુખ્ય ન્યાયાધીશ સામે આવી ભાષા વાપરવામાં આવતાં બંધારણીય સંસ્થાઓની મર્યાદા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન અને અન્ય વકીલ મંડળોએ પણ આ પ્રકારના નિવેદનો અને સોશિયલ મીડિયા ટ્રોલિંગ સામે સખત વાંધો નોંધાવ્યો હતો, જેના કારણે કોંગ્રેસ પક્ષ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો.

મામલો વધુ ગંભીર બનતા અને કાનૂની નોટિસ મળતા કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના (KPCC) પ્રમુખ સની જોસેફે 22 ઑક્ટોબર, 2026ના રોજ લેખિતમાં પોતાનો ખુલાસો રજૂ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સંયુક્ત સચિવ અને વકીલ મીનેશ દુબેએ મોકલેલી નોટિસના જવાબમાં પક્ષે સ્વીકારવું પડ્યું કે આ પ્રકારની ભાષા વાપરવી યોગ્ય નહોતી.

છટકબારીનો પ્રયાસ

નોટિસનો જવાબ આપતી વખતે બિનશરતી માફી માગતાં કેરલમ કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ પોસ્ટ વરિષ્ઠ નેતાઓની જાણકારી કે મંજૂરી વગર કરવામાં આવી હતી. પક્ષે એમ પણ કહ્યું કે CJIનું રાજીનામું માંગતી આ પોસ્ટ કોંગ્રેસનું સત્તાવાર વલણ નથી.

જવાબદારી ખંખેરવાના ભાગરૂપે કોંગ્રેસે સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વિવાદાસ્પદ પોસ્ટ મૂકનારા વિજય થોટ્ટાથિલ સામે કાર્યવાહી કરી છે. પક્ષે વિજય થોટ્ટાથિલને સંબંધિત મીડિયા સેલની જવાબદારીમાંથી હટાવી દીધો છે અને જાહેરમાં માફી માંગવા માટે આદેશ આપ્યો હોવાનો દાવો કર્યો છે.

કેરલમ કોંગ્રેસે પોતાના જવાબમાં એવું પણ સ્વીકાર્યું છે કે તેમની ડિજિટલ કામગીરીમાં બાહ્ય વ્યાવસાયિક એજન્સીઓ સંકળાયેલી છે, પરંતુ તેમ છતાં પક્ષ પોતાની દેખરેખની જવાબદારીમાંથી છટકી શકે નહીં. પક્ષે કહ્યું કે અકાઉન્ટનું એક્સેસ કોની-કોની પાસે હતું અને મંજૂરી વગર આ પોસ્ટ કેવી રીતે પ્રસારિત થઈ તેની આંતરિક તપાસ કરવામાં આવશે.