જૂનાગઢ AAP પ્રમુખ સામે છેડતી-એટ્રોસિટીની FIR બાદ પોલીસ મથકે ગોપાલ ઇટાલિયાનો ડ્રામા, PIને પગે પડવાનાં નાટક કર્યાં

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર AAPના નેતાઓ અને શ્રમિક વચ્ચે ઘર્ષણ થયું હતું અને તે બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થયા બાદ હવે આપિયાઓએ નવા નાટક શરૂ કરી દીધાં છે. 

પોલીસ દ્વારા AAPના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ અપાતાં 28 ડિસેમ્બરના રોજ આપનો એકમાત્ર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્રણેય નેતાઓને હારતોળા કરીને વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન સમર્થકો અનેક નવા નાટકો શરૂ કરી દીધાં હતાં અને જાહેરમાં ભવાડા શરૂ કર્યા હતા. 

મહિલા પીઆઈએ શાલીનતાથી શાંતિથી વાત કરવાનું કહેતા ઇટાલિયાને માઠું લાગી આવ્યું હતું અને ઉશ્કેરાઈ જઈને તે મહિલા પીઆઈના પગમાં દંડવત થઈ ગયો હતો. બાદમાં મહિલા પીઆઈએ નારાજગી પણ વ્યક્ત કરી હતી અને સ્થળ પરથી રવાના થઈ ગયાં હતાં, પણ સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. વિડીયોમાં ગોપાલ ઇટાલિયા વારંવાર ‘ખોટી ફરિયાદ થઈ છે’ કહી રહ્યો હતો અને પોલીસ પાસેથી પુરાવાની માંગણી કરી રહ્યો હતો. 

આખરે તે ‘લ્યો બેન, પગે લાગુ’ કહીને મહિના પીઆઈના ચરણોમાં દંતવત થઈ ગયો હતો. દરમ્યાન અન્ય સમર્થકો હાકલા-પડકારા કરીને ઇટાલિયાને પ્રોત્સાહન પૂરું પાડવામાં વ્યસ્ત રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓનાં આવાં નાટકોની હારમાળામાં વધુ એક મણકો પરોવી દેવાયો છે. 

શું હતો વિવાદ?

સમગ્ર ઘટના મામલે વિસાવદરના ASP રોહિત ડાગરે જણાવ્યું છે કે માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં ઘસી આવ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. વિવાદ વધતાં આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યાં હતાં. પોલીસ અનુસાર, આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર કલમો હેઠળ FIR નોંધાયા બાદ આરોપીઓ હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગળામાં ફૂલના હાર પહેરાવ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઇટાલિયાના નેજા હેઠળ નાટક કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 

પોલીસ સ્ટેશન પહોંચીને પણ ઇટાલિયાએ સીધા ભાજપ પર પ્રહાર કરવાના શરૂ કરી દીધા હતા. તેણે એવો દાવો કરી દીધો હતો કે ખેડૂતો માટે લડનારાઓને જેલમાં પૂરવા ભાજપનું ષડ્યંત્ર છે. જોકે, આ કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર, ખેડૂતો-શ્રમિકો સાથે લડનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોપાલ ઇટાલિયાએ એવો પણ દાવો કર્યો છે કે કાયદાનો દુરુપયોગ કરીને એટ્રોસિટી અને છેડતી જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે જૂનાગઢ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) રવિસેજસિંહ પરમાર દ્વારા આરોપીઓને BNSSની કલમ 35(3) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 75(2), 115(2), 296(બી), 351(33), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(આર)(એસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ આ FIR નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.