અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ સમજૂતી અંગેની વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (17 જૂન) એક નિવેદનમાં કહ્યું કે ઈરાન જો વ્યવસ્થિતપણે ડીલમાં ન જોડાયું અને ડીલ ટ્રમ્પને પસંદ ન આવી તો તેઓ ફરી બૉમ્બમારો શરૂ કરી દેશે. ટ્રમ્પે આ વાત ફ્રાન્સમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમ્યાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહી હતી.
સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરારના ‘મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ’ (MoU) પર સત્તાવાર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે તેના બરાબર બે દિવસ પહેલાં જ ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીની હાજરીમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, “આ માત્ર એક સમજૂતી પત્ર છે. જો મને તેની શરતો કે લખાણ પસંદ નહીં આવે તો અમે સીધા જ તેમની (ઈરાન) ઉપર બૉમ્બ ફેંકવાનું અને હુમલા કરવાનું ફરી શરૂ કરી દઈશું, કારણ કે તેઓ છેલ્લાં 47 વર્ષથી ઉત્પાત મચાવી રહ્યા છે.”
#BREAKING: Trump on his Iran deal:
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 17, 2026
“The text is not final; it's a memorandum of understanding. If I don't like it, we will go back to dropping bombs on their heads. If they don't behave, we will go right back to dropping bombs.” pic.twitter.com/THg4WkQMnK
નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં યુદ્ધવિરામ અને તણાવ ઘટાડવા માટે એક પ્રાથમિક માળખાકીય સમજૂતી જાહેર કરવામાં આવી હતી. આ સમજૂતીમાં 60 દિવસ માટે લડાઈ રોકવાની, વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવાની અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ બંધ કરવા અંગે નવેસરથી વાતચીત શરૂ કરવાની જોગવાઈ હોવાનું માનવામાં આવે છે.
આ શાંતિ સમજૂતીના લીક થયેલા ડ્રાફ્ટ મુજબ ઈરાનને કોઈપણ પ્રતિબંધ વિના પોતાનું તેલ વેચવાની મંજૂરી આપવાની વાત હતી. આ ઉપરાંત, પશ્ચિમી મીડિયાના અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા ઈરાનના પુનઃનિર્માણ અને આર્થિક વિકાસ માટે આશરે $300 બિલિયનનું ફંડ આપશે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નાણાકીય સહાયના દાવાઓને સદંતર ફગાવી દીધા છે, હાલ તેમણે કહ્યું છે કે અમેરિકા ઈરાનને 10 સેન્ટ પણ આપવાનું નથી.
ટ્રમ્પનાં આ નિવેદનોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેની સંભવિત શાંતિ સમજૂતી હજુ અનિશ્ચિતતાના ઘેરામાં છે. બંને દેશો વચ્ચેની વાટાઘાટો ચાલુ છે, પરંતુ પ્રતિબંધોમાં રાહત, પરમાણુ કાર્યક્રમ અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. તેથી આગામી દિવસોમાં આ સમજૂતીનું ભવિષ્ય શું રહેશે તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

