Sunday, February 23, 2025
More

    GSRTCએ રદ કરી 27 હોટેલની પરમિટ, હવેથી બસ નહીં કરે હૉલ્ટ: હર્ષ સંઘવીએ કહ્યું- પૂરતી સ્વચ્છતા ન હોવાના કારણે મુસાફરોના હિતમાં નિર્ણય

    ગુજરાત માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા રાજ્યની કુલ 27 હોટેલ સાથેના કરાર રદ કરી દેવામાં આવ્યા છે. જેથી હવેથી અહીં ST બસ રોકાશે નહીં. શરૂઆતમાં મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, મુસ્લિમ માલિકો દ્વારા હિંદુ નામથી હોટેલના પરવાના મેળવવામાં આવ્યા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ પછીથી પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતાનું કારણ આપ્યું હતું.

    યાદીમાં વડોદરા, રાજકોટ, ગોધરા, મહેસાણા, ભુજ, ભરૂચ, અમદાવાદ, નડિયાદ, પાલનપુર વગેરે ડિવિઝનમાં આવતી કુલ 27 હોટેલો સામેલ છે. મંત્રીએ જણાવ્યું કે, ગંદકી અને અસ્વચ્છતાના કારણે 27 હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા છે ઉપરાંત વિભાગને નિર્દેશ અપાયા છે કે તમામ બસ સ્ટોપ અને હોટેલ પર દેખરેખ રાખીને નિયમોનું કડક પાલન કરાવવામાં આવે.

    ઉદાહરણ તરીકે, ભુજ-ધ્રાગંધ્રા-અમદાવાદ રૂટ પર આવેલી હોટેલ શિવશક્તિ અને સુરત-અમદાવાદ રૂટ પર આવેલી હોટેલ તુલસી પણ છે. 

    આ સિવાય ભરૂચ ડિવિઝનમાં આવતી સુરત-અમદાવાદ રૂટ પરની હોટેલ મારુતિની પરમિટ પણ રદ કરી દેવામાં આવી છે. હોટેલ વૃંદવાદ, જે વડોદરા-ગોધરા-મોડાસા રૂટ પર આવેલી છે. તેની પણ પરવાનગી રદ કરાઈ છે. અમદાવાદ-મહેસાણા-પાલનપુર રૂટ પરની હોટેલ ગુરુકૃપાની પરમિટ પણ નિગમે રદ કરી દીધી છે. 

    આ સિવાય અમદાવાદ-રાજકોટ રૂટ પરની હોટેલ સર્વોદય, અમદાવાદ-બાલાસિનોર-ગોધરા-ઝાલોદ રૂટ પરની હોટેલ શ્રીજી, અમદાવાદ-સુરત રોડ પરની હોટેલ સહયોગ, હોટેલ ગેલેક્સી, હોટેલ રોનક, અમદાવાદ-ધ્રાગંધા-ભુજ રૂટ પરની હોટેલ સર્વોદય, સુરત-અમદાવાદ રોડ પરની હોટેલ સતીમાતા વગેરેનો સમાવેશ થાય છે. 

    ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં GSRTC સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચલાવે છે અને લાંબા રૂટ પરની બસ હાઈ-વે ઉપર અમુક હોટેલ પર રોકાણ કરે છે. આ માટે નિગમ ટેન્ડર મંગાવે છે અને હોટેલો સાથે કરાર કરવામાં આવે છે. 

    (નવી જાણકારીના આધારે રિપોર્ટ અપડેટ કરવામાં આવ્યો છે.)