ગુજરાતમાં ઘૂસણખોરો સામે કાર્યવાહી યથાવત: ‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ 609 બાંગ્લાદેશીઓ કસ્ટડીમાં, અમદાવાદમાંથી સૌથી વધુ ઝડપાયા

તાજેતરમાં ગુજરાતમાં શરૂ કરાયેલ ઑપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યના વિવિધ ભાગોમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસના સત્તાવાર આંકડાઓ અનુસાર 6 જૂનની રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી કુલ 609 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. આ પકડાયેલા લોકોમાં 323 મહિલાઓ, 161 પુરુષો અને 125 બાળકોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ 207 લોકોની ધરપકડ અમદાવાદથી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેરમાંથી 120, અમદાવાદ ગ્રામ્યમાંથી 64, ભરૂચ જિલ્લામાંથી 61 અને ખેડા જિલ્લામાંથી 22 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હાલમાં આ તમામ નાગરિકોની કાયદાકીય તપાસ અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

‘ઑપરેશન ડેલ્ટા હન્ટ’ શું છે?

ઑપરેશન ડેલ્ટા હન્ટ’ એ ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડવા માટે શરૂ કરવામાં આવેલી એક ખાસ સંયુક્ત ઝુંબેશ છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને શહેરોમાં કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વગર રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને તેમની ધરપકડ કર્યા બાદ તેમનો દેશનિકાલ કરવાનો.

આ ખાસ ઑપરેશન 3 જૂનની સવારથી રાજ્યભરમાં એકસાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત સ્થાનિક પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા શંકાસ્પદ વિસ્તારો, બાંધકામ સાઇટો અને ઝૂંપડપટ્ટીઓમાં સઘન ચેકિંગ હાથ ધરીને ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને શોધી કાઢવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમને આશરો કે નોકરી આપનાર સ્થાનિક લોકો સામે પણ કડક ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે.