POKમાં પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં 30નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત, અનેક શહેરોમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનો: ભારત સરકારે પણ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફરી તણાવ સર્જાયો છે. તાજેતરના પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષાબળો વચ્ચેના સંઘર્ષમાં 30 વ્યક્તિઓનાં મોત થયાં અને લગભગ 70થી વધુને ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલાં દ્રશ્યોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયેલા જોવા મળે છે, જેમને વિખેરવા માટે સુરક્ષાબળો ટીયર ગેસના શેલ છોડતા જોવા મળે છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘણા સમયથી સક્રિય જોઇન્ટ આવામી એક્શન કમિટી નામના સંગઠનને પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત કરી દીધા બાદ મંગળવારે (9 જૂન) જૂથ દ્વારા પ્રદર્શનોનું એલાન કરવામાં આવ્યું હતું. આ જૂથ POKમાં પાકિસ્તાની સરકારની નીતિઓ અને અન્ય મુદ્દાઓ જેમકે વધતી મોંઘવારી, વીજળી દરો, ટેક્સ નીતિ વગેરેને લઈને પાકિસ્તાન સરકાર સામે પ્રદર્શનો કરતું રહે છે.

પાકિસ્તાની સરકારને આ જૂથથી જોખમ જણાતાં સેનાધ્યક્ષ આસિમ મુનીરના આદેશ પર તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. POKના લોકોનું કહેવું છે કે તેમના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એટલે હવે પ્રદર્શનોનો દાયરો મુઝફ્ફરાબાદથી અન્ય શહેરોમાં પણ ફેલાઈ રહ્યો છે.

તાજેતરમાં રાવલકોટમાં પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામેલા એક JAACના સભ્યનો મૃતદેહ જે હોસ્પિટલના મોર્ગમાં રાખવામાં આવ્યો હતો તેની બહાર પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. તેમની સામે પોલીસ અને સુરક્ષાબળોએ કાર્યવાહી શરૂ કરતાં મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પોલીસના ફાયરિંગમાં 12 વ્યક્તિઓનાં મોત થયાં હતાં. ત્યારબાદ આંકડો વધ્યો અને 30 પર પહોંચ્યો છે. ઉપરાંત ઘટનામાં પચાસ પ્રદર્શનકારીઓ અને 23 સુરક્ષાકર્મીઓને ઈજા પણ પહોંચી હોવાનું કહેવાય છે. જોકે સાચો આંકડો હજુ ઘણો વધારે અને લગભગ 400 સુધીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

JAAC નેતા શૌકત નવાઝ મીરે એક વિડીયો સંદેશમાં કહ્યું કે, “સરકારે રાવલકોટમાં આપણા લોકોનો નરસંહાર શરૂ કરી દીધો છે, પરંતુ આપણે 9 જૂનનું લૉકડાઉન થાય એ સુનિશ્ચિત કરવા માટે એકજૂટ રહીશું.” બીજી તરફ પાકિસ્તાનની સરકાર અને ‘કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની કાર્યવાહી’ ગણાવીને છટકબારી શોધી રહી છે.

‘પાકિસ્તાનને તેની કરતૂતો માટે જવાબદાર ઠેરવવામાં આવે’: ભારત સરકાર

આ ઘટનાઓ પર ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આ પાકિસ્તાનનો પોતાની નિષ્ફળતાઓ ઢાંકવાનો અને માનવાધિકાર ઉલ્લંઘન પરથી દુનિયાનું ધ્યાન ભટકાવવાનો એક પ્રયાસ છે. અનેક અહેવાલો આવી રહ્યા છે જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોલીસ દમન ગુજારી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અનેક લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણાને ઈજા પણ પહોંચી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેની કરતૂતો બદલ જવાબદાર ઠેરવશે એવી આશા રાખીએ.”