Tuesday, March 18, 2025
More

    પ્રયાગરાજ: મહાકુંભના સેક્ટર 19માં આગ, તાત્કાલિક કાબૂ મેળવાયો, કોઈને ઈજા નહીં

    પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક તારણ એવું છે કે આગ સિલિન્ડર બ્લાસ્ટના કારણે લાગી હતી. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. 

    કુંભમાં સેક્ટર 19ના અમુક તંબૂઓમાં આગ લાગી ગઈ હતી. જોકે, તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તાજા જાણકારી અનુસાર, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

    સોશિયલ મીડિયા પર અમુક વિડીયો સામે આવ્યા છે, જેમાં અમુક તંબૂઓ સળગતા જોવા મળે છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગ ઓલવવાના પ્રયાસ કરતા જોવા મળે છે. ડ્રોન તસવીરોમાં કુંભ ક્ષેત્રના એક વિસ્તારમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળે છે. 

    સદભાગ્યે ઘટનાના કારણે કોઈને ઈજા પહોંચી હોવાનું કે હતાહત થયાનું જાણવા મળ્યું નથી. ઘટના બાદ તુરંત પ્રશાસને બેરિકેડિંગ કરી દીધું હતું અને લોકોને વિસ્તારમાં જતા અટકાવી દેવામાં આવ્યા હતા. 

    ઘટનાને લઈને ADG બહાનું ભાસ્કરે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે, “બે-ત્રણ સિલિન્ડર ફાટવાના કારણે મહાકુંભ મેળાના સેક્ટર 19માં આગ લાગી ગઈ હતી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તમામ લોકો સુરક્ષિત છે. કોઈને ઈજા પહોંચી નથી. આ મામલે તપાસ કરવામાં આવશે.”