EVMનો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરતી વધુ એક અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી

દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે (9 ઑક્ટોબર) ચૂંટણીઓમાં EVMનો ઉપયોગ બંધ કરીને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓ ફગાવવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરતી વધુ એક અરજી ફગાવી દીધી હતી.

કોર્ટે કહ્યું કે આવી બધી અરજીઓ દાખલ કરીને કોર્ટનો સમય વેડફવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પણ અરજદારે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે રિવ્યૂ પિટિશન પર સુનાવણી કરવામાં આવે અન્યથા કોર્ટ તેને ફગાવી દે, જેથી તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી શકે.

કોર્ટે પછીથી અરજી ફગાવી દીધી હતી.

અરજીમાં અરજદારે હાઇકોર્ટના અગાઉના ચુકાદા પર ફરી એક વખત વિચાર કરવાની માગ કરી હતી, જેમાં કોર્ટે ચૂંટણીમાં EVMનો ઉપયોગ રોકીને બેલેટ પેપરનો ઉપયોગ કરવા માટે માગ કરી હતી. કોર્ટે તે ચુકાદામાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ સહિત અનેક ન્યાયાલયોએ આ બાબત પર સુનાવણી કરી છે અને નિષ્કર્ષ એ જ નીકળ્યો છે કે EVM એક સરળ, સુરક્ષિત સાધન છે અને તેનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટ સહિત અનેક કોર્ટ આ પહેલાં પણ EVMના ઉપયોગ પર રોક લગાવવાની અને બેલેટ પેપરની મદદથી ચૂંટણી કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી ચૂકી છે.