Sunday, April 13, 2025
More

    ડીસામાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ: 200 મીટર સુધી ફેલાયો કાટમાળ, 17ના મોત અને 5 ગંભીર રીતે ઘાયલ

    ડીસા (Deesa) GIDC વિસ્તારમાં આવેલી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Firecracker Factory Blast) થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે બાજુમાં આવેલું એક ગોડાઉન પણ રાખ થઈ ગયું હતું. અહેવાલ અનુસાર 17 લોકોએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ આંક વધવાની શક્યતાઓ છે.

    જે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે તેનું નામ દીપક ટેડર્સ છે જે ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહીં. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    ડીસાના એસ.ડી.એમ નેહા પંચાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ, એક બ્લાસ્ટનો અવાજ સંભળાયો. જેના કારણે એક ધાબું પડી ગયું. જેથી કેટલાક લોકો દટાઇ ગયા હતા. આ બધાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે બોઈલર ફાટવાથી 1 એપ્રિલની સવારે પોણા દસ વાગ્યે આગ લાગી હતી.

    અહેવાલ મુજબ મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં મજૂરોનાં શરીરના ચીંથરા ઉડી ગયા હતા અને તેમના અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. આસપાસના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. બ્લાસ્ટના કારણે ધરાશાયી થયેલ મકાનોનો કાટમાળ 200 મીટર સુધી ફેલાયો છે જે દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

    આ ભીષણ આગમાં પહેલાં 3 લોકોના મોતનો આંકડો સામે આવ્યો હતો જે બાદ આ આંકડો વધીને 17 સુધી પહોંચી ગયો છે. જ્યારે 5 લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે. આ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોતનો આંકડો હજુ વધી શકે એમ છે.